આજે ધનતેરસે ધનની વાત. એવા ધનની વાત, જેના પર આખા વિશ્વની નજર છે. એ એક નવી કરન્સી છે, જે ડોલરના બદલે અમલમાં આવે એવા ગ્લોબલી પ્રયાસો થઈ રહ્યા છે. અહીં કેટલાક સવાલો થાય. જો ડોલર આપણા જીવનમાંથી ગાયબ થઈ જશે તો શું થશે? શું વિશ્વવ્યાપી ઊથલપાથલ થશે? અથવા વિશ્વભરના વ્યવસાયના નિયમો ઊંધાચત્તા કરાશે? શું આર્થિક અરાજકતા ફેલાશે? ડોલરના બદલે નવી કરન્સી લાવવાનો પ્રયાસ કોણ કરે છે અને શા માટે કરે છે? થોડા દિવસો પહેલાં રશિયાના કઝાન શહેરમાં બ્રિક્સ સમિટ મળી એમાં ડોલરનું મહત્ત્વ ઘટાડીને નવી કરન્સી લાવવાનો એજન્ડા મુખ્ય હતો. નમસ્કાર, અત્યારે સૌથી વધારે ચર્ચામાં એક શબ્દ છે- ડી-ડોલરાઇઝેશન, એટલે કે ડોલર વગરની દુનિયા. કોઈ નાના બાળકને પણ પૂછો કે ડોલર શું છે, તો જવાબ આપશે કે એ ગ્લોબલ કરન્સી છે, પણ ડોલર જ શા માટે? કારણ કે આજે વિશ્વભરના દેશો અને ઉદ્યોગપતિઓ માત્ર ડોલરમાં જ વેપાર કરી રહ્યા છે. બોલિવૂડ ફિલ્મોથી લઈને દેશની ડિફેન્સ ડીલ સુધી મિલિયન-ડોલર, બિલિયન-ડોલરના સોદાઓનો ઉલ્લેખ આજે સામાન્ય બાબત છે, પણ શું તે હંમેશાં આવું જ રહેશે? કદાચ એક દિવસ તમામ સોદા ચાઇનીઝ યુઆન કે રશિયન રૂબલ કે ભારતીય રૂપિયામાં થવા લાગે એવું પણ બને અથવા ડોલરને બદલવા માટે નવી જ કરન્સી ગ્લોબલ માર્કેટમાં આવે ? અત્યારે વિશ્વમાં આ મોટા ફેરફાર અંગે અટકળો ચાલી રહી છે. નવી કરન્સી વિશે જે અટકળો ચાલે છે એની વાત કરતાં પહેલાં થોડી વાત ડોલરની કરી લઈએ… ડોલર ગ્લોબલ કરન્સી કેવી રીતે બન્યો?
બીજા વિશ્વયુદ્ધ સુધી મોટા ભાગના દેશોની પાસે જેટલો સોનાનો ભંડાર રહેતો તેઓ એટલા જ મૂલ્યની જ કરન્સી જાહેર કરતા હતા. 1944માં દુનિયાના 44 દેશના ડેલિગેટ્સ મળ્યા અને અમેરિકી ડોલરના મુકાબલે તમામ કરન્સીનો એક્સચેન્જ રેટ નક્કી કર્યો, કેમ કે એ સમયે અમેરિકાની પાસે સૌથી વધુ સોનાનો ભંડાર હતો અને તે દુનિયાની સૌથી મોટી અને સ્થિર અર્થવ્યવસ્થા હતી. દુનિયા જાણતી હતી કે અમેરિકન ડોલર ડૂબશે નહીં અને જરૂર પડશે તો અમેરિકા ડોલરના બદલામાં સોનું આપશે. આ વ્યવસ્થા લગભગ 3 દાયકા સુધી ચાલી. ડોલર વિશ્વનું સૌથી સુરક્ષિત ચલણ બની ગયું હતું. વિશ્વના વ્યવહારો ડોલરમાં જ કેમ થવા લાગ્યા?
ડોલરની મજબૂતાઈનું બીજું એક મોટું કારણ હતું. 1945માં યુએસ પ્રમુખ રૂઝવેલ્ટે સાઉદી સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કરારની શરત એ હતી કે અમેરિકા તેનું રક્ષણ કરશે અને એના બદલામાં સાઉદી માત્ર ડોલરમાં ઓઈલ વેચશે. એનો અર્થ એ કે જે દેશો ઓઈલ ખરીદવા માગતા હોય તો તેમની પાસે ડોલર હોવા જ જોઈએ. 1970ના દાયકાની શરૂઆતમાં ઘણા દેશોએ ડૉલરના બદલામાં સોનાની માગ કરવાનું શરૂ કર્યું. આ દેશો અમેરિકાને ડોલર આપતા હતા અને એના બદલામાં સોનું લેતા હતા. આના કારણે અમેરિકાના સોનાના ભંડારમાં ઘટાડો થવા લાગ્યો. 80 વર્ષ પછી, એટલે કે 2024માં દુનિયાનો 80% વેપાર અને 58% પેમેન્ટ ડોલરમાં થાય છે. આ સાથે દુનિયાની 64% લોન અને 59% ફોરેન એક્સચેન્જ રિઝર્વ ડોલરમાં છે. અમેરિકી ડોલરના આ વર્ચસ્વને ઘટાડવાની કોશિશો થતી રહે છે. જુલાઈ 2022માં 1 યુએસ ડોલરની કિંમત પહેલીવાર 80 રૂપિયાને પાર કરી ગઈ હતી અને આજે જ્યારે આ વાત કરી રહ્યા છીએ ત્યારે એક ડોલરની કિંમત 84 રૂપિયા 9 પૈસા છે. ડોલરના જોરે અમેરિકા અબજો કેવી રીતે કમાય છે?
કોઈ વસ્તુ ખરીદવા માટે આપણે એની કિંમત ઘણી રીતે ચૂકવીએ છીએ, જેમ કે રોકડ, ઓનલાઈન બેંકિંગ, UPI ટ્રાન્સફર. એ જ રીતે વિશ્વભરના દેશો અમેરિકાના SWIFT નેટવર્કનો ઉપયોગ કરીને વેપાર કરે છે. આના દ્વારા અમેરિકા અબજોની કમાણી કરે છે. SWIFT નેટવર્કની શરૂઆત 1973માં 22 દેશમાં 518 બેંક સાથે થઈ હતી. હાલમાં એમાં 200થી વધુ દેશોની 11,000 બેંક સામેલ છે, જેઓ તેમના વિદેશી હૂંડિયામણને અમેરિકન બેંકોમાં રાખે છે. બધા પૈસા તો વ્યાપારમાં રોકાતા નથી, તેથી દેશો તેમના વધારાનાં નાણાં અમેરિકન બોન્ડમાં રોકે છે, જેથી તેમને થોડું વ્યાજ મળી શકે. તમામ દેશો સહિત આ નાણાં લગભગ 7.8 ટ્રિલિયન ડોલર છે, એટલે કે ભારતની અર્થવ્યવસ્થા કરતાં બે ગણી વધારે. અમેરિકા આ પૈસાનો ઉપયોગ એના ગ્રોથ માટે કરે છે. અમેરિકાનું SWIFT નેટવર્ક કેવી રીતે કામ કરે છે?
માનો કે અમદાવાદની એક કંપની શ્રીલંકાના બિઝનેસમેન પાસેથી 10 હજાર ડોલરના રત્નો ખરીદવા માગે છે તો કેવી રીતે ખરીદી કરશે? એ ચાર સ્ટેપમાં સમજો… આંકડા પરથી સમજો કે વિશ્વભરમાં ડોલરની પકડ કેટલી મજબૂત છે- પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ડી-ડોલરાઇઝેશન જરૂરી છે અને ડોલરનું આ શાસન સમાપ્ત થવું જોઈએ.
ડી-ડોલરાઇઝેશન શું છે?
અત્યારે વિશ્વભરના દેશોએ કોઈ વસ્તુની નિકાસ કે આયાત કરવી હોય તો ડોલરમાં કરવી પડે છે. સોયથી માંડીને સોનું ડોલરમાં ખરીદાય છે. માનો કે વિશ્વભરના દેશો એવું નક્કી કરી લે કે આપણે ડોલરમાં વ્યવહાર કરવા જ નથી અને કોઈ બીજા જ ચલણમાં વ્યવહાર કરવા છે તો એ ડી-ડોલરાઇઝેશન કહેવાશે. ડી-ડોલરાઇઝેશનના મુદ્દે અમેરિકામાં ભારે ચિંતા છે. અમેરિકામાં બે મોટી ન્યૂઝ ચેનલો છે. એક સીએનએન અને ફોક્સ ટીવી. સામાન્ય રીતે દરેક મુદ્દા પર આ બંનેનું વલણ સાવ વિરુદ્ધ હોય છે. સીએનએનને ડેમોક્રેટિક પાર્ટી તરફી માનવામાં આવે છે, જ્યારે ફોક્સ ટીવીને રિપબ્લિકન પાર્ટીનું માનવામાં આવે છે, પરંતુ ‘ડી-ડોલરાઇઝેશન’ મુદ્દે બંને ચેનલો એક જ વાત કરે છે અને વાત એ છે કે જો આખી દુનિયા પર ડોલરનું વર્ચસ્વ ખતમ થઈ જશે તો અમેરિકા અને અમેરિકનોએ એનાં ખરાબ પરિણામો ભોગવવાં પડશે. મોંઘવારી કાબૂ બહાર જશે. સમગ્ર વિશ્વમાં અમેરિકાનું આર્થિક વર્ચસ્વ ખતમ થઈ જશે અને અમેરિકાનું મહાસત્તાનું પદ છીનવાઈ જશે. ચીન અને રશિયા ડોલરને બદલવા માટે કયા પ્રયાસો કરી રહ્યા છે?
રશિયા એ વિશ્વનો બીજો સૌથી મોટો ઓઈલ અને ગેસઉત્પાદક દેશ છે. એના સૌથી મોટા ખરીદદારો યુરોપિયન દેશો છે. એપ્રિલ 2022માં રશિયાએ કુદરતી ગેસ ખરીદતા યુરોપિયન યુનિયન દેશોને ડોલર અથવા યુરોને બદલે રૂબલમાં બિલ ચૂકવવા કહ્યું, એટલે કે જે દેશોએ અગાઉ રશિયા પાસેથી ગેસ ખરીદવા અમેરિકન બેંકમાં ડોલરનો ભંડાર રાખ્યો હતો તેમણે રશિયન સેન્ટ્રલ બેંકમાં રૂબલ રિઝર્વ રાખવાના હતા. એ જ રીતે અન્ય વસ્તુઓની નિકાસ માટે રશિયાએ પણ અનફ્રેન્ડલી દેશો પાસેથી રૂબલમાં ચુકવણીની માગ કરી હતી. એના કારણે રશિયાની ગેસ નિકાસમાં ઘટાડો થયો હતો. યુરોપિયન યુનિયન 2021 સુધીમાં રશિયા પાસેથી લગભગ 40% ગેસ આયાત કરતું હતું, જે 2023માં ઘટીને લગભગ 8% થઈ ગઈ. જૂન 2022માં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બ્રિક્સ દેશોના ચલણના નવા ફોરેન રિઝર્વ બનાવવાની વાત કરી હતી. પુતિનના પ્રસ્તાવ પર બ્રિક્સ દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. ડોલરને યુઆન સાથે બદલવાના ચીનના પ્રયાસો
અમેરિકાની પેમેન્ટ સિસ્ટમ SWIFT છે, તેની જેમ ચીનની સેન્ટ્રલ બેંક પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ CIPS નામની સિસ્ટમ બનાવી છે. 117 દેશની લગભગ 1551 બેંક આ પેમેન્ટ સિસ્ટમ સાથે જોડાયેલી છે. ગયા વર્ષે આ સિસ્ટમ દ્વારા 123.06 ટ્રિલિયન યુઆન (ચીની કરન્સી) થી વધુની લેવડદેવડ કરવામાં આવી હતી. યુઆનનું મહત્ત્વ વધારવા માટે ચીને 40થી વધુ દેશો સાથે કરન્સી સ્વેપ કરારો કર્યા છે. આ કરાર હેઠળ દરેક વખતે બે દેશ વચ્ચે વેપાર થાય ત્યારે SWIFT સિસ્ટમની જરૂર નથી. તે દેશો તેમના પોતાના ચલણમાં નિશ્ચિત રકમનો વેપાર કરી શકે છે. ચીને નવેમ્બર 2023માં સાઉદી અરેબિયા સાથે કરાર કર્યો હતો. આમાં ત્રણ વર્ષ માટે ડોલરને બદલે યુઆનનો ઉપયોગ કરીને કરન્સી સ્વેપ કરવામાં આવશે, જેની કિંમત લગભગ 6.93 અબજ ડોલર છે. એનાથી ડોલરનું વર્ચસ્વ ઘટશે. ડોલરની સામે એક નવું જ બ્રિક્સ ચલણ લાવવા કવાયત
રશિયાના કઝાન શહેરમાં બ્રિક્સ સમિટ હતી. બ્રિક્સના યજમાન પુતિન હતા. પુતિને કહ્યું- બ્રિક્સ ચલણમાં સમય લાગી શકે છે. બ્રિક્સ હાલમાં રાષ્ટ્રીય ચલણનો ઉપયોગ વધારવા માટે સંશોધન કરી રહ્યું છે. આ સમિટમાં બ્રિક્સ ચલણ પર ચર્ચા થઈ નથી. એના બદલે ધીમે ધીમે ડોલરનું મહત્ત્વ ઘટાડવાની વાત થઈ રહી છે. પુતિને એમ પણ કહ્યું હતું કે બ્રિક્સ એવી સિસ્ટમ વિશે વાત કરી રહ્યું છે, જેનો ઉપયોગ બ્રિક્સ દેશો વચ્ચેના વેપારમાં થઈ શકે. ઉપરાંત ડોલર અને યુરો જેવી વેસ્ટર્ન કરન્સીનો આંતરરાષ્ટ્રીય વેપારમાં ઉપયોગ ન થાય. બ્રિક્સ સમિટ પહેલાં જ્યારે નવી કરન્સીની વાતચીત ચાલી રહી હતી ત્યારે વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે ભારતે ક્યારેય ડોલરને લક્ષ્ય બનાવ્યો નથી, કારણ કે તે દેશની આર્થિક, રાજકીય અથવા વ્યૂહાત્મક નીતિનો ભાગ નથી. ભારતનો આવો કોઈ ઈરાદો ક્યારેય નહોતો. એ વાત સાચી છે કે ભારતના કેટલાક ભાગીદારો ડોલરમાં વેપાર કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ડી-ડોલરાઇઝેશનથી ભારતને ફાયદો થશે કે નુકસાન થશે?
ડી-ડોલરાઇઝેશન માટે ભારતે સાવધાનીપૂર્વક પગલું ભરવું પડશે. ભારત અને રશિયા વચ્ચે રૂબલ અને રૂપિયામાં વેપાર થશે તો ભારતને ફાયદો થશે, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન આપણે જોયું છે કે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ રૂપિયામાં ખરીદ્યું હતું, પરંતુ થોડા સમય પછી રશિયાને નુકસાન થવા લાગ્યું, કારણ કે તેની પાસે ખૂબ રૂપિયા એકઠા થઈ ગયા, જેનો તે ક્યાંય ઉપયોગ કરી શકતું નહોતું. વાસ્તવમાં ભારત રશિયા પાસેથી વધુ આયાત કરે છે અને નિકાસ ઓછી કરે છે. ભારત નહીં ઈચ્છે કે બ્રિક્સ દેશોમાં ચીનના યુઆનનું મહત્ત્વ વધે અને એને તમામ દેશો સ્વીકારે, કારણ કે ભારતને ચીનની કરન્સીમાં વિશ્વાસ નથી. હા, ભારત નવી બ્રિક્સ કરન્સી પર વિચાર કરી શકે છે. છેલ્લે, અમેરિકાના પ્રખ્યાત અર્થશાસ્ત્રી બેરી એકનગ્રીને લખ્યું છે, 100 ડોલરની નોટ છાપવા માટે થોડા સેન્ટનો ખર્ચ થાય છે, પણ અન્ય દેશોએ આ નોટ મેળવવા માટે 100 ડોલરનો સામાન આપવો પડે છે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિચર્સ : યશપાલ બક્ષી)