છેલ્લા ઘણાં સમયથી સોનાના ભાવમાં ધરખમ વધારો થયો છે, જેની અસર માત્ર સોનાના દાગીનાના ભાવ પર જ નહીં મીઠાઈ પર પણ જોવા મળી રહી છે. તમે વિચારતા હશો કે સોનાના ભાવમાં થયેલા વધારાની મીઠાઈના ભાવમાં વધારા સાથે શું લેવા દેવા? પરંતુ આપને જણાવી દઈએ કે સોનાના ભાવમાં વધારાથી ગોલ્ડ સ્વીટના ભાવમાં પ્રતિ કિલો 4000નો ભાવ વધારો નોંધાયો છે. બે વર્ષ પહેલાં ગોલ્ડ સ્વીટ રૂ.9,000 પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી, તે મીઠાઈ આ વર્ષે રૂ.12,000 પ્રતિ કિલોએ દેશ-વિદેશમાં વેચાઇ રહી છે. સુરતમાં ખાસ ગોલ્ડન મીઠાઈ તૈયાર કરાઈ
એક એવી મીઠાઈ છે, જેને જોઈ લોકો વિચારતા થઈ જશે કે આને ખાવું કે તિજોરીમાં મૂકવું? દિવાળીના પર્વ પર પોતાનાં પ્રિયજનોને મીઠાઈ આપવાની પરંપરા વર્ષો જૂની છે. આ પરંપરાને વધુ યાદગાર બનાવવા માટે સુરતમાં ખાસ ગોલ્ડન મીઠાઈ તૈયાર કરવામાં આવી છે. સુરત જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં મોંઘી મીઠાઇઓમાં આ મીઠાઈ સામેલ હશે, જેનો ભાવ 12 હજાર રૂપિયા કિલો છે. આ ગોલ્ડન મીઠાઈમાં ચાર વેરાઈટી છે, જે લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ ગોલ્ડન મીઠાઈ રોયલ અનુભવ કરાવશે
દિવાળી પર્વ પર સામાન્ય રીતે જ મીઠાઈની દુકાનોમાં દરેક પ્રકારની મીઠાઈ અને કાજુકતરી સામાન્ય રીતે 300થી લઈ 900 રૂપિયા સુધીની કિંમત જોવા મળતી હોય છે, પરંતુ સુરત ખાતે એક એવી મીઠાઈ તૈયાર કરવામાં આવી છે, જેની કિંમત 12 હજાર રૂપિયા કિલો છે. આ ભાવ સાંભળી લોકો ચોંકી જશે, પરંતુ હાલ સુરતની એક મીઠાઈની દુકાનમાં આ ગોલ્ડન મીઠાઈની ડિમાન્ડ છે. સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં આ ગોલ્ડન સ્વીટનું વેચાણ થઈ રહ્યું છે. આ ગોલ્ડન સ્વીટ માટે ખાસ પેકેજિંગ કરવામાં આવે છે, જે મીઠાઈ ખાનારી વ્યક્તિને રોયલ હોવાનો અહેસાસ કરાવે છે. એક કિલોનો ભાવ 12 હજાર રૂપિયા
આ મીઠાઈને ગોલ્ડ સ્વીટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ગોલ્ડ સ્વીટ્સની વાત કરવામાં આવે તો એની કિંમત 12 હજાર રૂપિયા પ્રતિ કિલો છે. આ મીઠાઈ ચારેય તરફથી 24 કેરેટ સોનાનો વરખ ચઢાવવામાં આવે છે. જેવી રીતે હમણાં સુધી અન્ય મીઠાઈઓ પર ચાંદીનો વરખ ચઢાવવામાં આવતો હતો. આવી જ રીતે આ ગોલ્ડ મીઠાઈ તેમજ કાજુકતરી પર પણ સોનાનો વરખ ચઢાવવામાં આવતો હોય છે. દિવાળીની વાત કરવામાં આવે તો ગયા વર્ષે આ જ મીઠાઈની દુકાનમાંથી 20 કિલોથી પણ વધુ ગોલ્ડ મીઠાઈ વેચાઈ હતી. અનેક લોકો એક કિલો નહીં, પરંતુ 500 ગ્રામ, 250 ગ્રામ અથવા તો એક પીસ પણ ખરીદવા માટે આવતા હોય છે. ગોલ્ડન મીઠાઇમાં ચાર વેરાઇટી
મીઠાઈ વિકેતા અંજના મીઠાઈવાલાએ જણાવ્યુ હતું કે આ ગોલ્ડન મીઠાઈની ખાસિયત છે કે આ સૌથી મોંઘા ડ્રાયફ્રૂટ્સથી બનાવવામાં આવે છે. હાઈ ક્વોલિટી કાજુ હોય છે. જમ્મુથી આવેલું કેસર હોય છે. આ ગોલ્ડન મીઠાઈને પહેલા મશીનથી બનાવવામાં આવે છે અને ત્યાર બાદ હાથથી આકાર આપવામાં આવે છે. એમાં પણ ચાર પ્રકારની વેરાઇટી છે. તુલસી ગંગા, કેસર કુંજ, સ્પેશિયલ નરગિસ અને અનાર ડાયમંડ નામવાળી ગોલ્ડન મીઠાઈની કિંમત 12 હજાર રૂપિયા છે. તુલસી ગંગામાં તુલસીનો ટેસ્ટ આવે છે. કેસર કુંજ પ્યોર ડ્રાયફ્રૂટ્સથી તૈયાર છે. નરગિસમાં બદામ, પિસ્તાં અને કેસર મિક્સ છે. અનાર ડાયમંડમાં બદામના પીસ આવે છે. હાલ ગોલ્ડના ભાવમાં વધારાના કારણે ભાવમાં ચાર હજાર રૂપિયા પ્રતિ કિલો ભાવમાં વધારો નોંધાયો છે. ફ્રિજ વગર પણ પંદર દિવસ સુધી મીઠાઈ સારી રહે
તેમણે જણાવ્યું હતું કે વિદેશમાંથી પણ આ ગોલ્ડ મીઠાઈનો ઓર્ડર મળી રહ્યો છે. વિદેશ માટે અમે ઓનલાઈન ઓર્ડર લેતા હોઈએ છીએ અને ખાસ પેકિંગ કરવામાં આવે છે. લાલ રંગના બોક્સમાં મીઠાઈ લોકોને આપવામાં આવતી હોય છે, જે રોયલ લુક આપે છે. ઓર્ડર મુજબ મીઠાઈ બનાવવામાં આવે છે. પ્યોર ગોલ્ડ વરખ ચઢાવવામાં આવે છે. પ્રાચીન કાર્ડમાં પણ રાજા રજવાડાં આવી જ રીતે સોનાના વરખની મીઠાઈઓ ખાતા હતા અને સોના-ચાંદીનાં વાસણમાં તેઓ જમતા હતા. આ આરોગ્ય માટે ખૂબ જ સારું હોય છે. મીઠાઈ હંમેશાં યાદગાર રહેશે
ગોલ્ડ મીઠાઈ ખરીદનાર નીલે જણાવ્યું હતું કે તેમના ઘરે વિદેશથી મહેમાન આવ્યા છે. દિવાળીના પર્વ પર આવવાને કારણે તેમને આ દિવાળી યાદગાર રહે એ માટે ગોલ્ડ સ્વીટની ખરીદી કરી છે. ચોક્કસથી આ મોંઘી છે, પરંતુ મહેમાનોને હંમેશાં આ મીઠાઈ યાદગાર રહેશે.