ગેનીબેન ઠાકોર સાંસદ બન્યાં બાદ ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. ઉમેદવારીપત્ર પરત ખેંચવાની મુદત પૂર્ણ થઈ ચૂકી છે. 5 અપક્ષે પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતાં વાવની પેટાચૂંટણીના જંગમાં હવે કુલ 10 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. ભાજપમાંથી બળવો કરી અપક્ષ તરીકે ફોર્મ ભરનાર માવજી પટેલને મનાવી લેવા માટે પ્રયાસો કરાયા હતા, પરંતુ માવજી પટેલે મંગળવારે રાત્રે જ પોતાની ઉમેદવારી યથાવત્ રાખવાની જાહેરાત કરી દીધી હતી. તો બીજી તરફ ગેનીબેન ઠાકોરના કૌટુંબિક કાકા ભૂરાજી ઠાકોરને પણ ભાજપે ટિકિટ ન આપતાં અપક્ષ તરીકે ઉમેદવારી કરી હતી, જોકે આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભૂરાજીને સમજાવવામાં ભાજપના નેતાઓ સફળ રહ્યા હતા. વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં માવજી પટેલે પોતાની ઉમેદવારી યથાવત્ રાખતાં હવે ઠાકોર, રાજપૂત અને ચૌધરી ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળે એવી પૂરી શક્યતા છે, કારણ કે માવજીભાઈ ભૂતકાળમાં જે ચૂંટણી લડ્યા છે એમાં હાર્યા હોય કે જીત્યા હોય, પરંતુ નોંધપાત્ર મત મેળવવામાં તેઓ હંમેશાં સફળ રહ્યા છે. માવજી પટેલનું ચૂંટણી ચિહ્નન નિશાન બેટ હશે. તો આવો… એ પણ જાણીએ કે માવજી પટેલ કોણ છે અને અત્યારસુધીની તેમની રાજકીય કારકિર્દી કેવી રહી છે. ભૂરાજી ઠાકોર અને જામાભાઈ ચૌધરીએ ફોર્મ પરત ખેંચ્યાં
વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ફોર્મની ચકાસણી પૂર્ણ થયા બાદ કુલ 15 ઉમેદવારનાં ફોર્મ મંજૂર કરાયાં હતાં. ત્યાર બાદ અપક્ષ તરીકે ઉમેદવારી કરનારા જામાભાઈ ચૌધરી, ભૂરાજી ઠાકોર, ગોવિંદરામ ગામોટ, ચમનસભાઈ પીરાબાઈ સોલંકી અને કલાલ નાગરજીભાઈએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા હવે પેટાચૂંટણીમાં કુલ 10 ઉમેદવાર રહ્યા છે. ગેનીબેન ઠાકોરના કૌટુંબિક કાકાએ ઉમેદવારી પરત ખેંચી
ગેનીબેન ઠાકોરના કૌટુંબિક કાકા ભૂરાજી ઠાકોરને પણ ભાજપે ટિકિટ ન આપતાં તેમણે નારાજ થઈને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જોકે આજે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થાય એ પહેલાં જ ભૂરાજીએ અપક્ષ તરીકેની પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. તેમણે કહ્યું હતું કે મને એમ હતું કે કોંગ્રેસની જેમ ભાજપ પણ ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ નહીં આપે. જેથી મેં અપક્ષ તરીકે ઉમેદવારી કરી હતી, પરંતુ હવે પરત ખેંચી છે. ટિકિટ ન આપે તો હું ચૂંટણી લડી શકું- માવજી પટેલ
મેં કોઈ પક્ષવિરોધી પ્રવૃત્તિ નથી કરી. લોકશાહીમાં અધિકાર છે ટિકિટ ન આપે તો હું ચૂંટણી લડી શકું. હું તો લોકોનો જનપ્રતિનિધિ થઈશ અને રહીશ. અગાઉ ઘણી ચૂંટણી લડ્યો છું, અત્યારે એ રીતે જ લડીશ. પ્રદેશના આગેવાનોના ફોન આવ્યા હતા, તેમણે નારાજગી અંગે પૂછ્યું હતું. મારો કોઈ નારાજગી નથી. સમાજે કહ્યું હતું કે તમારે ચૂંટણી લડવાની છે- માવજી પટેલ
ચૌધરી સમાજના આગેવાન માવજી પટેલે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવ્યા બાદ મંગળવારે રાત્રે ભાભરમાં આવેલી પટેલ બોર્ડિંગમાં ચૌધરી સમાજના 64 ગોળની બેઠક મળી હતી, જેમાં માવજી પટેલ અને જામાભાઈ ચૌધરીને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં હાજર રહેલા માવજીભાઈ પટેલે કહ્યું હતું કે, સમાજે કીધું કે, તમારે ચૂંટણી લડવાની છે. સમાજનો આદેશ માથે ચડાવીને સમાજ જ્યાં દોરીને લઈ જાય ત્યાં જવાની મારી ફરજ બને છે, એટલા માટે મેં આ વાતને સ્વીકારી છે. ભાજપે માવજીભાઈને મનાવવાના પ્રયાસો કર્યા હતા
પરિસ્થિતિ જોતાં ભાજપે પણ માવજીભાઈનાં મનામણાં શરૂ કરી દીધાં હતાં. બે દિવસ પહેલાં થરાદમાં આવેલી માવજી પટેલની શૈક્ષણિક સંસ્થામાં બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબત પટેલ, મહામંત્રી કનુભાઈ વ્યાસ અને ભાજપના આગેવાન વસંત પુરોહિતે માવજીભાઈ સાથે બેઠક કરી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો કોણ છે માવજી પટેલ?
માવજીભાઈ પટેલ થરાદ વાવ વિધાનસભાનું નેતૃત્વ કરી ચૂક્યા છે. તેઓ પૂર્વે 20 મુદ્દા અમલીકરણ હાઈ પાવર કમિટીમાં રહી ચૂક્યા છે. ખેડૂતોની ટ્રેક્ટર ટ્રોલીને બળદગાડા સમાન ગણીને ટેક્સમુક્ત કરાવવામાં એક અગ્રિમ ભૂમિકામાં સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે નિભાવી હતી. પૂર્વે મુખ્યમંત્રી સ્વ ચીમનભાઈ પટેલ સરકારમાં ચીમનભાઈ પટેલની ખાસ વિશ્વાસુ વ્યક્તિ રહ્યા હતા. થરાદ-વાવ ખાસ બનાસકાંઠા વિસ્તારમાં બક્ષીપંચ સમાજમાં પછાત સમાજોનો સમાવેશ થાય એ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ કામગીરી જે-તે સમયે માવજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. તેઓ લગભગ મોટે ભાગે વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષ ટિકિટ ન આપે તો અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી બતાવે છે. આ પણ વાંચોઃ છેલ્લી 3 પેટાચૂંટણીમાં લોકસભા સીટ જીતનાર પક્ષે વિધાનસભા ગુમાવી ભાજપ, કોંગ્રેસ, જનતાદળ અને અપક્ષ તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે માવજીભાઈ
ચૌધરી સમાજના આગેવાન અને ભાજપમાંથી બળવો કરી અપક્ષ ઉમેદવારી કરનાર માવજી પટેલ અત્યારસુધીમાં પાંચ વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે, જેમાં એકવાર તેઓ જીતી ચૂક્યા છે, જ્યારે ચારવાર હારનો સામનો કર્યો છે. જોકે તેઓ તમામ પાંચ ચૂંટણીમાં 19 ટકા કે તેથી વધુ મત મેળવવામાં સફળ રહ્યા હતા. વાવ બેઠક પર ઠાકોર અને ચૌધરી સમાજનું પ્રભુત્વ
વાવ બેઠક પર ઠાકોર અને ચૌધરી સમાજના મતદારોનું પ્રભુત્વ છે. આ બે મોટા સમુદાય જે બાજુ ઢળે એ બાજુ જીતનું પલડું નમે છે. ગેનીબેન સાંસદ બનતાં બેઠક ખાલી હતી
વાવ વિધાનસભા બેઠક પર ગેનીબેન ઠાકોર ધારાસભ્ય હતાં. લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી તેમની જીત થઇ અને તેઓ સાંસદ બન્યાં હતાં, જેના કારણે વાવ વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. વાવ બેઠકનો ઇતિહાસ
વાવ વિધાનસભામાં વાવ, ભાભર અને સુઈગામ એમ કુલ ત્રણ તાલુકાનો સમાવેશ થાય છે. વર્ષ 1985થી અત્યારસુધી 37 વર્ષનો રાજકીય ઈતિહાસ જોઇએ તો વાવ વિધાનસભા બેઠક પરથી પ્રથમવાર 1985માં કોંગ્રેસના પરબત પટેલની જીત થઇ હતી. 1990માં જનતાદળના માવજી પટેલની જીત થઇ હતી. 1998માં કોંગ્રેસના હેમાજી રાજપૂતની જીત થઇ હતી. 2007માં ભાજપના પરબત પટેલનો વિજય થયો હતો. 2012માં શંકર ચૌધરી અને 2017 તેમજ 2022ની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો. આમ, વાવ બેઠક પર ત્રણવાર કોંગ્રેસ, એકવાર જનતા દળ અને બેવાર ભાજપે જીત મેળવેલી છે. 2024 લોકસભા ચૂંટણીમાં વાવ વિધાનસભા વિસ્તારમાં ભાજપના ઉમેદવારને લીડ મળી હતી
2022 વિધાનસભા ચૂંટણીમાં વાવ બેઠક પર કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોરે 15601 મતની લીડ સાથે જીત મેળવી હતી. 2024 લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને જ ટિકિટ આપી હતી, પરંતુ વાવ વિધાનસભા વિસ્તારમાં ગેનીબેન ઠાકોર કરતાં ભાજપનાં રેખાબેન ચૌધરીને 1661 વધુ મત મળ્યા હતા.