શાહરુખ ખાન અને કાજોલની જોડીને પડદા પર ખૂબ જ પસંદ કરવામાં આવે છે. બંને વચ્ચેની કેમેસ્ટ્રી ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન બંને રીતે ઘણી સારી છે. પરંતુ શું તમે જાણો છો કે તેમની પ્રથમ મુલાકાત બોલાચાલીથી થઈ હતી.? એક તરફ શાહરુખને કાજોલનું વધારે બોલવું પસંદ નહોતું તો બીજી તરફ કાજોલ તેને ઉદ્ધત સમજતી હતી. એબીપી ન્યૂઝ સાથે વાત કરતી વખતે, શાહરુખ અને કાજોલે તેમની પ્રથમ મુલાકાતનો કિસ્સો શેર કર્યો. શાહરુખે કહ્યું કે, બંનેની મુલાકાત નવા વર્ષની પાર્ટી પછી થઈ હતી, કારણ કે તેમની ફિલ્મ ‘બાઝીગર’નું શૂટિંગ 1 જાન્યુઆરીથી શરૂ થઈ ગયું હતું. અભિનેતાએ કહ્યું કે તે પાર્ટી પછી તરત જ શૂટિંગ માટે પહોંચી ગયો હતો. દરેક જણ થાકેલા અને પરેશાન હતા. તેમના કેમેરામેનની લાઇસન્સ ન હોવાના કારણે ધરપકડ કરવામાં આવી હતી. કાજોલ આખા સેટ પર જોરથી બોલી રહી હતી. શાહરુખના કહેવા પ્રમાણે, કાજોલ ખૂબ જ જોરથી વાતો કરતી હતી. આ અંગે તેણે અભિનેત્રીને અનેકવાર ફરિયાદ પણ કરી હતી. એટલું જ નહીં, તેણે કાજોલની સરખામણી મોર સાથે કરી. શાહરુખે કહ્યું, ‘મેં મારા મેકઅપ આર્ટિસ્ટને પણ કહ્યું હતું કે તે કેવા પ્રકારની એક્ટ્રેસ છે, શું તે થોડો સમય ચૂપ ન રહી શકે?’ કાજોલ કહે છે કે જ્યારે તે શાહરુખને પહેલીવાર મળી ત્યારે તે ખુશ ન હતી. તેને શાહરૂખ ખાસ પસંદ નહોતો. તે તેને ઉદ્ધત લાગતો હતો. નોંધનીય છે કે, શાહરુખ ખાન અને કાજોલ પહેલીવાર 1993માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બાઝીગર’ના સેટ પર મળ્યા હતા. આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. આ પછી બંનેએ 1995માં આવેલી ફિલ્મ કરણ અર્જુનમાં પણ સાથે કામ કર્યું હતું. જોકે, તેમની જોડી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ સાથે હિટ રહી હતી.