ભારતીય મહિલાઓએ ભારત અને ન્યૂઝીલેન્ડની મહિલાઓ વચ્ચે રમાયેલી 3 મેચની વન-ડે સિરીઝ 2-1થી જીતી લીધી છે. સિરીઝની ત્રીજી અને છેલ્લી વન-ડે મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મહિલા ટીમ ઈન્ડિયા માટે ઓપનર સ્મૃતિ મંધાનાએ 100 રનની ઇનિંગ રમી હતી, જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે અણનમ 59 રન બનાવ્યા હતા. દીપ્તિ શર્માએ 3 વિકેટ લીધી હતી. મંગળવારે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડની મહિલાઓએ ભારતને 233 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ભારતીય મહિલાઓએ 44.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. કિવી ટીમ માટે બ્રુક હેલિડેએ સૌથી વધુ 86 રન બનાવ્યા હતા. હેન્ના રોવેને 2 વિકેટ મળી હતી. સ્મૃતિ મંધાનાએ કારકિર્દીની આઠમી સદી ફટકારી
233 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ભારતીય મહિલા ટીમની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર શેફાલી વર્મા 12 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી સ્મૃતિ મંધાના અને યસ્તિકા ભાટિયાએ શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ સાથે મળીને બીજી વિકેટ માટે 76 રન જોડ્યા હતા. સોફી ડિવાઈને યાસ્તિકાને 35 રન પર આઉટ કરીને ભાગીદારી તોડી હતી. સ્મૃતિએ શાનદાર બેટિંગ કરી અને પોતાની ODI કારકિર્દીની આઠમી સદી ફટકારી. તેણે 100 રન બનાવ્યા હતા. સ્મૃતિ-હરમનપ્રીતની મેચ વિનિંગ ભાગીદારી
યાસ્તિકાના આઉટ થયા બાદ સ્મૃતિએ કેપ્ટન હરમનપ્રીત સાથે મળીને સદીની ભાગીદારી કરી હતી. બંનેએ સાથે મળીને 115 બોલમાં 117 રન જોડ્યા. કેપ્ટન હરમનપ્રીતે પોતાની ODI કારકિર્દીની 18મી અડધી સદી ફટકારી હતી. તેણે 59 રન બનાવ્યા હતા. જેમિમા અને યાસ્તિકાએ સુઝી બેટ્સને રનઆઉટ કરી
આ પહેલા ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી રહી ન હતી. ટીમની પ્રથમ વિકેટ રન આઉટના રૂપમાં પડી હતી. મેચની છઠ્ઠી ઓવરમાં સુઝી બેટ્સ કવર તરફ લઈ ગઈ. અહીં ઉભેલી જેમિમાએ શાનદાર રીતે ફિલ્ડિંગ કરી અને બોલ કીપર યાસ્તિકા તરફ ફેંક્યો. સુઝી બેટ્સ અને જ્યોર્જિયા પ્લાયમર વચ્ચે રન લેવા બાબતે ગેરસમજ થઈ હતી અને સુઝી બેટ્સ રન આઉટ થઈ હતી. તેણે 4 રનની ઇનિંગ રમી હતી. બ્રુક હેલિડેની અડધી સદીની ઇનિંગ્સ
એક સમયે ન્યૂઝીલેન્ડ મહિલા ટીમની 5 વિકેટ 88 રનમાં પડી ગઈ હતી. આ પછી મિડલ ઓર્ડર બેટ્સમેન બ્રુક હેલિડેએ ઇનિંગની કમાન સંભાળી હતી. તેણે ફિફ્ટી ફટકારતા 86 રન બનાવ્યા હતા. તેણે છઠ્ઠી વિકેટ માટે ઈસાબેલ ગેજ સાથે 64 રનની ભાગીદારી કરી હતી. બ્રુક ઉપરાંત જ્યોર્જિયા પામરે 39 રનની ઇનિંગ રમી હતી. દીપ્તિ શર્માએ 3 વિકેટ લીધી
ઓફ સ્પિનર દીપ્તિ શર્માએ ન્યૂઝીલેન્ડ મહિલા ટીમના 3 બેટર્સ પેવેલિયન મોકલી દીધા હતા. તેણે મેચના ટોપ સ્કોરર બ્રુક હેલિડેને 86 રન, ઇસાબેલ ગેજને 25 રન અને હેન્ના રોવેને 11 રનમાં આઉટ કર્યા હતા.