એક જાણીતો શબ્દ છે, જે શબ્દ નથી પણ એક અહેસાસ છે, અડધા ભારતનું સપનું છે અને તે શબ્દ છે,’અમેરિકન ડ્રીમ!’. અમેરિકન બ્યૂટી નામની બહેતરીન ફિલ્મ આવી ગઈ છે. અમેરિકન ડ્રીમ નામની ફિલ્મ બનાવી શકાય. આમ તો આ શબ્દયુગ્મ બહેતર અમેરિકન જીવન માટેના અમેરિકન્સના અધિકાર માટે વપરાય છે પણ ભારતના અમૂક રાજ્યના લોકો આ સપનું જીવે છે, મોકો મળે તો અમેરિકા જવાનું અને ત્યાંની નાગરિકતા મેળવવાનું! પણ જે લોકો ઓલરેડી અમેરિકાના નાગરિક છે એમનું સપનું શું હોઈ શકે? એમનું સપનું છે ‘કેલિફોર્નિયા ડ્રીમ’! યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકા જેને કહેવાય છે એની અમેરિકાની પશ્ચિમ બાજુ આવેલા રાજ્ય કેલિફોર્નિયામાં ઝડપી ખ્યાતિ અથવા સંપત્તિ મેળવવી એ ઘણા અમેરિકન્સ માટે સપનું છે! કેલિફોર્નિયાએ દુનિયાને ભવિષ્યમાં ડગ માંડતા શીખવ્યું
કેલિફોર્નિયા તો એક રાજ્ય માત્ર છે. પણ જો તે એ રાજ્ય નહીં ને એક દેશ હોત તો પણ આર્થિક રીતે વિશ્વના ટોચના દેશમાં સ્થાન પામ્યું હોત. કેલિફોર્નિયાની એ તાકાત છે. તે સિલિકોન વેલીને ખોળામાં લઈને બેઠું છે. તેણે આ જગતની દિશા અને દશા બદલાવી છે. તેણે આ દુનિયાને આધુનિક ભવિષ્યમાં પગ માંડતા શીખવાડ્યું છે. અહીં એવા લોકો વસે છે જેણે કરોડો કે અબજો લોકોની દિનચર્યા ઉપર પોતાના આઈડિયા થકી અસર પાડી છે. આપણા જાણીતા અને સન્માનીય લેખક ગુણવંત શાહે કહેલું કે ભારત છોડીને જો કોઈ જગ્યાએ એમને વસવાટ કરવાની ફરજ પાડવામાં આવે તો તે અમેરિકાના કેલિફોર્નિયાને પસંદ કરશે! સ્પેનિશ શબ્દ ‘કેલીફા’ પરથી કેલિફોર્નિયા નામ પડ્યું
ગોલ્ડન સ્ટેટ તરીકે પણ ઓળખાતા કેલિફોર્નિયાનું નામ પડ્યું સ્પેનિશ શબ્દ ‘કેલીફા’ પરથી જેનો એક મતલબ થાય છે ‘લીડર’ અને આ રાજ્યમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરવા માટેની બધી જ ખાસિયત છે. અમેરિકાના ગીચ રાજ્યોમાંનું એક એવું કેલિફોર્નિયા વિસ્તારની દ્રષ્ટિએ અલાસ્કા અને ટેક્સાસ પછી સૌથી મોટું રાજ્ય છે અને અમેરિકાના દર આઠમાંથી એક વ્યક્તિ અહીં રહે છે! કેલિફોર્નિયા મેક્સિકો સરહદથી પેસિફિક સાથે લગભગ 900 માઈલ સુધી ફેલાયેલું છે. અહીં સુંદર દરિયા કાંઠા, રેડવૂડ જંગલ, સિએરા નેવાડા પર્વતો અને મોહાવે રણ આવેલા છે. આ તો થઇ એની ભૌગોલિક ઓળખ પણ આ સિવાય આ રાજ્યની બીજી ઘણી અલાયદી ઓળખ છે! કેલિફોર્નિયા એટલે અમેરિકાને પાવર આપતું એન્જિન
આ જ રાજ્યમાં આવેલું લોસ એન્જલસ શહેર, હોલિવૂડ મનોરંજન ઉદ્યોગનું પિતામહ છે. તેમજ દેશનાં સૌથી વધુ વસ્તી ધરાવતાં 50 શહેરોમાં આઠ (લોસ એન્જેલસ, સાન ડિએગો, સાન હોઝે, સાન ફ્રાન્સિસ્કો, ફ્રેસ્નો, સાક્રામાન્ટો, લોંગ બીચ અને ઓકલેન્ડ) આ રાજ્યમાં છે. અને યસ, કેલિફોર્નિયાની લોકપ્રિયતા તેના વૈવિધ્યસભર કુદરતી સૌંદર્ય, વાઇબ્રન્ટ સાંસ્કૃતિક જીવન અને તેજીમય અર્થતંત્રને કારણે છે! અમેરિકા સુપરપાવર છે તો કેલિફોર્નિયા તે પાવર આપતું એન્જિન છે. નવી ટેક્નોલોજી માટેનું મક્કા
અહીંનું અર્થતંત્ર તેજીમય છે કારણ કે અહીં જગ વિખ્યાત ટેકનોલોજી હબ સિલિકોન વેલી આવેલું છે. જ્યાં આવીને કંપની ચાલુ કરવી કે અહીંની કોઈ કંપનીમાં કામ કરવું એ દરેક યુવાન કે યુવતીનું સપનું છે એ સિલિકોન વેલી, નવી નવી ટેક્નોલોજીની શોધ માટેનું મક્કા ગણાય છે. કેલિફોર્નિયાના દક્ષિણ સાન ફ્રાન્સિસ્કો વિસ્તારમાં આવેલી આ વેલી, યાહૂ, માઈક્રોસોફ્ટ, ગૂગલ, ફેસબુક, ઇન્ટેલ, ટેસ્લા અને અગણિત સ્ટાર્ટ અપ્સ તેમજ ઈન્ટરનેટ કંપનીનું જન્મદાતા સ્થળ છે! કેલિફોર્નિયાના કોઈ પણ કેફે કે ફૂટપાથ ઉપર આંટો મારો તો જે પણ ચહેરા દેખાય એમાંથી અડધોઅડધ જીનિયસ હોય શકે, સ્ટાર્ટ અપ શરૂ કરી રહેલા ભેજાબાજો હોઈ શકે, ભવિષ્યના સીઈઓ હોય શકે. કેલિફોર્નિયાને કુદરતી સૌંદર્યની ભેટ મળેલી છે
ઉપરાંત અહીં લોસ એન્જલસ શહેરમાં આવેલા હોલિવૂડ પર તો એક અલાયદો લેખ લખવો પડે એવું એનું આકર્ષણ છે! આ એક એવું રાજ્ય છે જે એની રેસિઅલ ડાઇવર્સિટી માટે પણ જાણીતું છે અને દુનિયાભરથી આવેલા લોકો આ પ્રદેશને જીવવા લાયક બનાવે છે. અહીં જ કુદરતી અજાયબી જેવો ‘યોસેમિટી નેશનલ પાર્ક’ આવેલો છે. જ્યાંના જંગલો, ઝરણાઓ, પહાડો આ પાર્કને અપ્રતિમ સૌંદર્ય બક્ષે છે. અહીં જ ‘મિરવૂડ્સ’ આવેલું છે જ્યાં વિશ્વના અમૂક સૌથી વધુ ઉંમર ધરાવતા વૃક્ષો આવેલા છે. બારેમાસ ખૂશનુમા વાતાવરણ
આ જ કેલિફોર્નિયામાં જગવિખ્યાત સ્ટેનફર્ડ અને બર્કલી યુનિવર્સિટી આવેલી છે. અહીં બર્કલીમાંથી જ હિપ્પી સંસ્કૃતિનો ઉદ્ભવ થયો હતો. આ ઉપરાંત અહીં ખાણીપીણીની વૈવિધ્યતા, શ્રેષ્ઠ ખેતી માટેની આબોહવા, અહીંનું બારેમાસ ખૂશનુમા રહેતું વાતાવરણ આ રાજ્યને રહેવા માટે ઉત્તમ સ્થળ બનાવે છે. કોઈએ કહ્યું છે કે, સ્વર્ગમાં ખેતી હશે તો તે કેલિફોર્નિયા જેવી હશે કારણ કે અહીં જ દેવોને પણ દુર્લભ એવી બદામ, અખરોટ અને દારૂ માટેની શ્રેષ્ઠ દ્રાક્ષ પાકે છે. કેલિફોર્નિયા તમને એના શ્રેષ્ઠ વાતાવરણ, ડાઇવર્સ સંસ્કૃતિ, વાઇબ્રન્ટ જીવન શૈલી અને ઉમદા કમાવવાની તક આપીને તમને બગાડી મૂકે છે! એક વખત અહીં રહ્યા પછી બીજે રહેવું અશક્ય બની જાય છે!