ઉજાસનું પર્વ એટલે દિવાળી. હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી, અને આ દિવાળીના પર્વની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમથી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો તહેવાર કોઈ પણ હોય, તેને અલગ રીતે મનાવવો એ રાજકોટની આગવી ઓળખ છે. તેમાં પણ દિવાળીનું પર્વ જયારે સમગ્ર દેશમાં મનાવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજકોટ મ્યુનિસિપિલ કોર્પોરેશન (RMC) દ્વારા સતત 41 વર્ષથી ધનતેરસના દિવસે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એ રીતે આજે પણ ભવ્ય આતશબાજી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ જોડાયા હતા અને એક કલાક સુધી ભવ્ય આતશબાજી નિહાળી હતી. બે વર્ષથી આતશબાજીનો સમય 15 મિનિટ વધારાયો
રાજકોટમાં દિવાળીનો ઉજાસ પથરાઇ ગયો છે અને દિપોત્સવ છે, ત્યારે આજે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રેસકોર્સ મેદાન સ્થિત માધવરાય સિંધિયા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આતશબાજીમાં અનેક અવનવી વેરાયટીના ફટાકડાથી રેસકોર્સનું આકાશ કલરફુલ બની ગયું હતું. અત્યાર સુધી 45 મિનિટ સુધી ચાલતી આતશબાજી છેલ્લા બે વર્ષથી 60 મિનિટ સુધી ચાલી હતી, જેને રાજકોટવાસીઓએ નિહાળી હતી. નાના બાળકોથી લઇ મોટેરાઓએ આ આતશબાજીનો પૂરેપૂરો આનંદ માણ્યો હતો. ધનતેરસના શુભ દિવસે આતશબાજી
આતશબાજી કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી જોવા મળી હતી. આજે ધનતેરસના શુભ દિવસે આતશબાજીનું ઉદઘાટન પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાના હસ્તે કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અને મેયર નયનાબેન પેઢડીયા સહિત ધારાસભ્યો, નેતાઓ, આગેવાનો અધિકારીઓ આ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓ પણ આ આતશબાજી નિહાળવા ઉમટી પડ્યા હતા. ક્યાં ક્યાં ફટાકડાથી આતશબાજી? એક કરોડના ખર્ચે દિવાળી કાર્નિવલની ઉજવણી
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં રેસકોર્સ રિંગરોડ પર ભવ્ય લાઇટિંગ, સાઉન્ડ, લેશર શો સહિતનું આયોજન કરવામાં આવ્યું છે અને રેસકોર્સ રિંગરોડ ફરતે રાજકોટના લોકો દ્વારા અવનવી રંગોળીઓ પણ દોરવામાં આવી છે. આ બધા વચ્ચે લગભગ અંદાજે એક કરોડનો ખર્ચ તંત્ર દ્વારા દિવાળી કાર્નિવલની ઉજવણીમાં કરવામાં આવ્યો છે.