દિવાળી આવી ગઈ છે અને તેની સાથે જ બે બ્લોકબસ્ટર બોલિવૂડ ફિલ્મો ‘ભૂલ ભુલૈયા 3’ અને ‘સિંઘમ અગેઈન’ પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ‘સિંઘમ અગેઈન’ની સ્ટાર કાસ્ટ ધમાકેદાર છે. અજય દેવગણ, દીપિકા પાદુકોણ, કરીના કપૂર, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, અર્જુન કપૂર મુખ્ય ભૂમિકાઓ ભજવી રહ્યા છે. આ સિવાય અક્ષય કુમાર અને સલમાન ખાન જેવા સ્ટાર્સનો ફિલ્મમાં કેમિયો જોવા મળશે. ‘ભૂલ ભૂલૈયા 3’ની વાત કરવામાં આવે તો કાર્તિક આર્યન લીડ રોલમાં છે અને મંજુલિકા એટલે કે વિદ્યા બાલન તેની સાથે પાછી ફરી રહી છે. ફિલ્મમાં માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. બંને મલ્ટી સ્ટારર ફિલ્મના રિવ્યૂ વિશે અમે તમને જણાવીશું. પહેલા વાત કરીએ રોહિત શેટ્ટી કોપ યુનિવર્સની લેટેસ્ટ અને મલ્ટી સ્ટારર ફિલ્મ સિંઘમ અગેનની. ફિલ્મની લંબાઈ 2 કલાક 24 મિનિટ છે. ક્રાઈમ ડ્રામા વાળી આ ફિલ્મને દિવ્ય ભાસ્કરે 5માંથી 3.5 સ્ટારનું રેટિંગ આપ્યું છે. શું છે ફિલ્મની સ્ટોરી?
ફિલ્મની સ્ટોરી રામાયણથી પ્રેરિત છે. સ્ટોરી કાશ્મીરથી શરૂ થાય છે. DCP બાજીરાવ સિંઘમ ઉમર હાફિઝ (જેકી શ્રોફ)ને પકડે છે. સિંઘમની (અજય દેવગન) પત્ની અવની (કરીના કપૂર)નું ઝુબૈર (અર્જુન કપૂર) નામના ભયાનક ગુનેગાર દ્વારા અપહરણ કરવામાં આવે છે. ઝુબૈર અને ઉમર વચ્ચે કનેક્શન છે, જેના કારણે તે બદલાની ગેમ બની જાય છે. જેમ ભગવાન શ્રી રામ માતા સીતાને રાવણના ચુંગાલમાંથી બચાવવા માટે લંકાએ જાય છે. એ જ રીતે DCP બાજીરાવ સિંઘમ પણ પત્ની અવનીને બચાવવા ઝુબેરના ઠેકાણા પર પહોંચી જાય છે. આ લડાઈમાં સિંઘમને સપોર્ટ કરવા માટે સૂર્યવંશી (અક્ષય કુમાર), સિમ્બા (રણવીર સિંહ), સત્ય બાલી (ટાઈગર શ્રોફ) અને શક્તિ શેટ્ટી (દીપિકા પાદુકોણ) આવે છે. સિંઘમ તેની પત્નીને તે ચુંગાલમાંથી કેવી રીતે બચાવી શકે છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. સ્ટાર કાસ્ટની એક્ટિંગ કેવી છે?
બાજીરાવ સિંઘમના રોલમાં ફરી એકવાર અજય દેવગણનો દબદબો છે. તેની ડાયલોગ ડિલિવરી અદભૂત છે. રણવીર સિંહનો ફની અવતાર દર્શકોને ખૂબ ગમશે. ટાઈગર શ્રોફની હાઈ એક્શન સિક્વન્સ પણ અહીં જોવા મળી છે. અર્જુન કપૂર પણ ખલનાયકના રોલમાં જબદસ્ત લાગી રહ્યો છે. અક્ષય કુમારનો કેમિયો પણ પ્રભાવશાળી છે. છેલ્લે ચુલબુલ પાંડે (સલમાન ખાન) પણ આવે છે. તેનો કેમિયો ફિલ્મને લાંબી બનાવે છે. ફિલ્મનું ડિરેક્શન કેવું છે?
રોહિત શેટ્ટીએ આ ફિલ્મને વિઝ્યુઅલી ખૂબ સારી બનાવી છે. રણવીર સિંહના વિલન સિમ્બા ઝુબેરના પ્રદેશને બાળી નાખે છે તે સીનમાં તાળીઓ સંભળાય શકે છે. હનુમાનજીએ માતા સીતાને બચાવવા માટે જે રીતે લંકા બાળી હતી તે આ દ્રશ્ય જોયા પછી યાદ આવશે. અમુક દ્રશ્યો ચોક્કસપણે થોડા બાલિશ લાગે છે. બાકી રોહિત શેટ્ટીએ ફિલ્મને મોટાભાગે ક્રિસ્પ રાખવાનો પ્રયાસ કર્યો છે, જેના કારણે દર્શકોને કંટાળો નહીં આવે. ફિલ્મનું મ્યુઝિક કેવું છે?
ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક સિક્વન્સને અનુરૂપ છે. ગીતો પણ સરસ છે. ફિલ્મનો સબ્જેક્ટ છે તેમ તમામ ગીતો એ સંદર્ભમાં બંધબેસે છે. અંતિમ ચુકાદો, જોવું કે નહીં?
આ ફિલ્મ એક હાઈવોલ્ટેજ એક્શન ડ્રામા છે. એક્શન ફિલ્મોના શોખીન લોકોને ચોક્કસ ગમશે. આ દિવાળીનો સમય છે, ફિલ્મની આખી સ્ટોરી રામાયણથી પ્રેરિત છે. આ સમયે આવી ફિલ્મો મસ્ટ વોચ બની જાય છે. આ ઉપરાંત અજય દેવગન, અક્ષય કુમાર, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ સહિત ઘણા મોટા કલાકારો આ જ ફિલ્મમાં જોવા મળ્યા છે અને તેના ઉપર સલમાન ખાનની ઝલક પણ જોવા મળે છે. દર્શકો માટે આ એક મોટી ટ્રીટ સાબિત થઈ શકે છે. મૂવી રિવ્યૂ ભૂલભૂલૈયા 3 કાર્તિક આર્યન, માધુરી દીક્ષિત, વિદ્યા બાલન અને તૃપ્તિ ડિમરી સ્ટારર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા-3’ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મની લંબાઈ 2 કલાક 38 મિનિટ છે. દિવ્ય ભાસ્કરે આ હોરર કોમેડી જોનરની ફિલ્મને 5માંથી 3 સ્ટારનું રેટિંગ આપ્યું છે. શું છે ફિલ્મની સ્ટોરી?
સ્ટોરી પ્રાચીન બંગાળમાં રક્તોઘાટ નામના રજવાડાથી શરૂ થાય છે. ત્યા રાજ દરબાર લાગેલો છે. બેકગ્રાઉન્ડમાં ‘આમી જે તોમાર’ ગીત વાગે છે. આ ગીત પર એક મહિલા ડાન્સ કરતી રહે છે. પછી રાજા તેના અંગરક્ષકો સાથે આવે છે, અને સ્ત્રીને જીવતી સળગાવી દે છે. એ ઘટનાના બરાબર 200 વર્ષ પછીની વાર્તા શરૂ થાય છે. રુહ બાબા (કાર્તિક આર્યન) તેના એક મિત્ર સાથે મળીને લોકોને ભૂત-પ્રેતથી મુક્તિ અપાવવાના નામે છેતરવાનું કામ કરે છે. પછી તે મીરા (તૃપ્તિ ડિમરી) ને મળે છે. મીરા રૂહ બાબાને પૈસાની લાલચ આપી રક્તોઘાટ લઈ જાય છે. જ્યારે રૂહ બાબા મહેલમાં પહોંચે છે, ત્યારે તે નવા રહસ્યોની ખબર પડે છે. તેને ખબર પડી કે આ મહેલમાં મંજુલિકા નામની ચૂડેલનો આત્મા વાસ રે છે. તે તેના મૃત્યુનો બદલો લેવા માંગે છે. ત્યારે જ મલ્લિકા (વિદ્યા બાલન) અને મંદિરા (માધુરી દીક્ષિત) પ્રવેશે છે. બંનેની પ્રવૃત્તિ મંજુલિકા જેવી છે. તે બંને રૂહાન એટલે કે રૂહ બાબાની પાછળ પડી જાય છે. તેમને લાગે છે કે રૂહાનના કારણે જ અગાઉના જન્મમાં મંજુલિકાની હત્યા થઈ હતી. જો કે, અંતે એક મોટું રહસ્ય જાહેર થાય છે, જે વાર્તાને સંપૂર્ણપણે બદલી નાખે છે. હવે આ રહસ્ય જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. સ્ટાર કાસ્ટની એક્ટિંગ કેવી છે?
‘ભૂલ ભુલૈયા 2’ ની જેમ આ વખતે પણ કાર્તિક આર્યન રુહ બાબાના પાત્રમાં પ્રભાવ પાડવામાં સફળ રહ્યો છે. તે ઘણા દૃશ્યોમાં અક્ષય કુમારની યાદ અપાવે છે. તેના કોમિક ટાઈમિંગથી લઈને તેની ડરવાની એક્ટિંગ સુધી બધું જ નેચરલ લાગતું હતું. આ વખતે તેનું પાત્ર પહેલા કરતા થોડું અલગ અને પડકારજનક છે. માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન પાસેથી વધુ સારું કામ લઈ શકાયું હોત. અહીં વિદ્યા વિશે વાત કરવી ખાસ જરૂરી છે. ‘ભૂલ ભુલૈયા’ના પહેલા ભાગમાં તેણે જે કામ કર્યું હતું તેમાંથી અડધું પણ અહીં દર્શાવવામાં આવ્યું નથી. તે સ્ક્રીન પર પણ થાકેલી દેખાય છે. તૃપ્તિ ડિમરીના અભિનય કરતાં તેના શરીર પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. સહાયક કલાકારોમાં વિજય રાઝ, સંજય મિશ્રા અને રાજપાલ યાદવનું કામ સરેરાશ છે. ડિરેક્શન કેવું છે?
સ્ટોરી સારી છે, પણ સ્ક્રીન પ્લે વેરવિખેર છે. જે રીતે વાર્તા લખવામાં આવી છે, તે પ્રમાણે નિર્દેશક અનીસ બઝમી તેને પડદા પર બતાવવામાં નિષ્ફળ રહ્યા છે. ફર્સ્ટ હાફ ભૂમિકા બાંધવામાં જ સમાપ્ત કરી દીધો છે. ઇન્ટરવલ પછી વાર્તા ચોક્કસપણે રસપ્રદ વળાંક લે છે. ‘ભૂલ ભુલૈયા’ ફ્રેન્ચાઈઝીની પહેલી મંજુલિકા એટલે કે વિદ્યા બાલનને સંપૂર્ણપણે પ્રભાવહીન દર્શાવાઈ છે. માધુરી દીક્ષિત જેવી પીઢ અભિનેત્રી પાસેથી હજુ વધુ સારું કામ કરી શકાયું હોત. ફિલ્મ જોતી વખતે, કોઈને આશ્ચર્ય થાય છે કે તેના પાત્રનો સમાવેશ કેમ કરવામાં આવ્યો? તૃપ્તિ ડિમરી એટલે કે મીરાનું ડ્રેસિંગ ફિલ્મની વાર્તા અને પાત્રને બિલકુલ અનુરૂપ નથી. તેના દેખાવને બિનજરૂરી રીતે ગ્લેમરસ બનાવવા પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. વિજય રાજ, સંજય મિશ્રા અને રાજપાલ યાદવને સારા સંવાદો આપવામાં આવ્યા નથી. ફિલ્મનો સૌથી સકારાત્મક મુદ્દો એનો ક્લાઈમેક્સ છે. દિગ્દર્શક છેલ્લા કેટલાક દૃશ્યોમાં દર્શકોને વ્યસ્ત રાખવામાં સફળ રહ્યા છે. ફિલ્મનું મ્યુઝિક કેવું છે?
ટી-સિરીઝની ફિલ્મોનાં ગીતો સારા છે. ‘ભૂલ ભુલૈયા’ ફ્રેન્ચાઈઝીની અગાઉની ફિલ્મોનું સંગીત પણ સારું હતું. જો કે આ વખતે સંગીત વિભાગની કામગીરી સારી રહી નથી. એકાદ-બે ગીતોને બાદ કરતાં એકેય ગીત ગણ ગણવા જેવું નથી. અંતિમ ચુકાદો, જોવાય કે નહીં?
આ ભાગ અગાઉની બે ફિલ્મો કરતાં નબળો છે. જો કે, કેટલીક જગ્યાએ ફિલ્મ ચોક્કસપણે ગતિ પકડી લે છે. કેટલીક જગ્યાએ તે તમને ખૂબ હસાવશે. કેટલાક દૃશ્યોમાં તમને પેટ પકડી રાખવાની ફરજ પણ પડી શકે છે. જો તમારી પાસે આ દિવાળીમાં પુષ્કળ સમય છે અને તમે હોરર કોમેડી ફિલ્મોના શોખીન છો, તો ‘ભૂલ ભુલૈયા 3’ જોવી જ જોઈએ. ખાસ કરીને ટીનેજ ગ્રુપને આ ફિલ્મ વધુ પસંદ આવી શકે છે. આ સિવાય કાર્તિક આર્યનની પણ ઘણી લોકપ્રિયતા છે, તેના ચાહકો માટે આ એક સારી ટ્રીટ હોઈ શકે છે.