કેનેડામાં પંજાબના પ્રખ્યાત ગાયક એપી ધિલ્લોનના ઘરે ફાયરિંગ કરનાર આરોપી અબજીત કિંગરાને દબોચી લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે,આ ઘટના આ વર્ષે 1 સપ્ટેમ્બરે કેનેડામાં એપી ધિલ્લોનના ઘરે બની હતી. આની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી હતી. બિશ્નોઈનું કહેવું છે કે સલમાન ખાન સાથે કામ કરનાર કોઈપણને બક્ષવામાં આવશે નહીં. વાનકુવર પ્રાંતના આરસીએમપીના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલો આરોપી કેનેડાનો રહેવાસી છે. જ્યારે તેના સાથીદારની પણ ઓળખ થઈ ગઈ છે જેનું નામ વિક્રમ શર્મા છે અને તે કેનેડાથી ભારત ભાગી ગયો હોવાની આશંકા છે. જાણો સમગ્ર મામલો
એપી ધિલ્લોનનું ઘર કેનેડાના વાનકુવર વિસ્તારમાં છે. તેના ઘરે ફાયરિંગનો એક વીડિયો વાયરલ થયો હતો, જે મુજબ એક શૂટરે ગેટની બહારથી 11 ગોળીઓ ચલાવી હતી. તેણે કાળા કપડા પહેર્યા હતા. આ ઘટનાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી હતી. ગેંગના સભ્ય રોહિત ગોદરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી. જ્યારે, 9 ઓગસ્ટના રોજ, સિંગર એપી ધિલ્લોનનું બોલિવૂડ સ્ટાર સલમાન ખાન સાથેનું ગીત ‘ઓલ્ડ મની’ રિલીઝ થયું હતું. આ ગોળીબાર આની સાથે જોડાયેલો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ ભારતીય અને કેનેડાની એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી. કોણ છે ગેંગસ્ટર રોહિત ગોદારા?
રોહિત ગોદારા સામે 35 થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. સૌથી વધુ કેસ રાજસ્થાનમાં છે. ગોદારા વિરુદ્ધ રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ અને ચંદીગઢમાં કેસ નોંધાયેલા છે. રોહિત લોરેન્સ ગેંગને તમામ પ્રકારના હથિયારો પૂરા પાડવામાં મહત્ત્વની કડી છે. એજન્સીઓ અને પંજાબ પોલીસની તપાસમાં પણ આ વાત સામે આવી છે. રોહિત ગોદારાએ 5 ડિસેમ્બર, 2023ના રોજ રાજસ્થાનમાં થયેલી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી પણ લીધી હતી. રોહિત પર સીકરમાં ગેંગસ્ટર રાજુ તેહતની હત્યાનો પણ આરોપ છે. સિદ્ધુ મૂઝવાલા મર્ડર કેસમાં રોહિત ગોદારાનું નામ પણ સામે આવ્યું હતું. રોહિત 2022માં નકલી નામે પાસપોર્ટ બનાવીને વિદેશ ભાગી ગયો હતો. જો એજન્સી સાથે સંકળાયેલા સૂત્રોનું માનીએ તો, હાલ ગોદારા કેનેડામાં જ છે.