back to top
Homeભારતભારત-ચીન બોર્ડર પર સેનાએ પેટ્રોલિંગ શરૂ કર્યું:ગઈકાલે દિવાળી પર મીઠાઈઓ વહેંચી હતી;...

ભારત-ચીન બોર્ડર પર સેનાએ પેટ્રોલિંગ શરૂ કર્યું:ગઈકાલે દિવાળી પર મીઠાઈઓ વહેંચી હતી; કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ચીની સૈનિકો સાથે મુલાકાત કરી

ભારતીય સેનાએ પૂર્વ લદ્દાખમાં ભારત-ચીન બોર્ડર પર પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. હાલમાં ડેમચોક પર નજર રાખવામાં આવી રહી છે. ટૂંક સમયમાં ડેપસાંગ ખાતે પેટ્રોલિંગ શરૂ થશે. આ બંને વિસ્તારોમાંથી પીછેહઠ કરવા માટે બંને દેશોની સેનાઓ વચ્ચે સમજૂતી થઈ હતી. ડીએસ્કેલેશનની પ્રક્રિયા 30 ઓક્ટોબરના રોજ પૂર્ણ થઈ હતી. ગઈકાલે દિવાળીના અવસર પર પૂર્વ લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ, કારાકોરમ પાસ, દૌલત બેગ ઓલ્ડી, કોંગકલા અને ચુશુલ-મોલ્ડો ખાતે બંને દેશોના અધિકારીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી હતી અને એકબીજાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ અરુણાચલ પ્રદેશના બુમલા પાસ ખાતે ચીની સૈનિકો સાથે મુલાકાત કરી હતી. રિજિજુએ આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. LAC પર પેટ્રોલિંગને લઈને ભારત અને ચીન વચ્ચેના કરાર પર વિદેશમંત્રી એસ જયશંકરે 27 ઓક્ટોબરે કહ્યું હતું કે સૈનિકો પાછા ખેંચવા એ પહેલું પગલું છે. આગળનું પગલું તણાવ ઘટાડવાનું છે. આ તણાવ ત્યારે જ ઘટશે જ્યારે ભારતને ખાતરી થશે કે ચીન પણ એવું જ ઈચ્છે છે. તણાવ ઓછો કર્યા બાદ સરહદનું સંચાલન કેવી રીતે કરવું તે અંગે ચર્ચા કરવામાં આવશે. દિવાળી પર ભારત-ચીન સૈનિકોની બેઠકની 5 તસવીરો… જાણો ભારત-ચીન સરહદ પર સૈન્ય કેવી રીતે પાછળ હટ્યું
પૂર્વી લદ્દાખમાં ચાર વર્ષથી સરહદ વિવાદ અંગે ભારત અને ચીન વચ્ચે તણાવ હતો. બે વર્ષ લાંબી વાટાઘાટો પછી હાલમાં કરાર થયો છે. બંને સૈના વિવાદાસ્પદ પોઇન્ટ્સ દેપસાંગ અને ડેમચોકથી પાછળ હટશે. 18 ઓક્ટોબર: દેપસાંગ અને ડેમચોકથી સૈન્ય પાછળ હટવા વિશેની માહિતી સામે આપી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે અહીંથી બંને સેના એપ્રિલ 2020થી પહેલાંની સ્થિતિમાં પાછી ફરશે. ઉપરાંત સેના એ જ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે, જ્યાં તે એપ્રિલ 2020 પહેલાં પેટ્રોલિંગ કરતી હતી. આ સિવાય કમાન્ડર સ્તરની બેઠકો ચાલુ રહેશે. 2020માં ભારત અને ચીન સૈનિકો વચ્ચે ગાલવાન અથડામણ બાદ દેપસાંગ અને ડેમચોકમાં તણાવ જોવા મળ્યો હતો. લગભગ 4 વર્ષ પછી 21 ઓક્ટોબરે બંને દેશો વચ્ચે એક નવા પેટ્રોલિંગ કરાર પર હસ્તાક્ષર થયા. વિદેશમંત્રી જયશંકરે કહ્યું હતું કે એનો ઉદ્દેશ લદ્દાખમાં ગલવાન જેવી અથડામણને રોકવા અને પહેલાંની પરિસ્થિતિને પુનર્સ્થાપિત કરવાનો છે. 25 ઓક્ટોબર: ભારત અને ચીનના સૈન્યએ 25 ઓક્ટોબર શુક્રવારથી પૂર્વી લદ્દાખ સરહદથી પાછળ હટવાનું શરૂ કર્યું છે. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર, બંને સૈન્યએ પૂર્વી લદ્દાખના ડેમચોક અને દેપસાંગ પોઇન્ટમાં તેમના હંગામી તંબુ અને શેડ દૂર કર્યા છે. વાહનો ને લશ્કરી સાધનો પણ પાછાં લઈ જવામાં આવી રહ્યાં છે. આર્મી સૂત્રોના જણાવ્યા અનુસાર, 28 અને 29 ઓક્ટોબર સુધીમાં બંને દેશો દેપસાંગ અને ડેમચોકથી તેમની સેના સંપૂર્ણપણે પાછી બોલાવી લેશે. પેટ્રોલિંગ માટે મર્યાદિત સંખ્યામાં સૈનિકો નક્કી કરવામાં આવ્યા છે. આ સંખ્યા શું છે એ વિશેની માહિતી હજી સામે આવી નથી. હવે ભારત-ચીન સરહદ વિવાદની સંપૂર્ણ વિગતો વાંચો … ગલવાન ઘાટી-ગોગરા હોટ સ્પ્રિંગ્સ પેટ્રોલિંગ અંગે હજી સુધી કોઈ નિર્ણય નહીં
સમજૂતીમાં લદ્દાખમાં દેપસાંગ હેઠળ આવતા પોઇન્ટ અંગે સહમતી થઈ છે, પરંતુ ડેમચોકમાં ગાલવાન ઘાટી અને ગોગ્રા હોટ સ્પ્રિંગ્સમાં પેટ્રોલિંગ અંગે કંઇ કહેવામાં આવ્યું નથી. દેપસાંગ: ભારતીય સેનાના જણાવ્યા મુજબ, સૈનિકો હવે પેટ્રોલિંગ માટે દેપસાંગમાં 10, 11, 11-એ, 12 અને 13 પેટ્રોલિંગ પોઇન્ટ સુધી જઈ શકશે. ડેમચોક: પેટ્રોલિંગ પોઇન્ટ -14 એટલે કે ગલવાન ઘાટી, ગોગ્રા હોટ સ્પ્રિંગ્સ એટલે કે PP -15 અને PP -17 બફર ઝોન છે. અહેવાલોમાં સૂત્રોને ટાંકીને એવું કહેવામાં આવે છે કે અહીં પેટ્રોલિંગ અંગે પછીથી વિચારવામાં આવશે. બફર ઝોન એટલે એ ક્ષેત્ર જ્યાં બંને સૈન્ય એકબીજાની સામ-સામે ન આવે. આ ઝોન વિરોધી સેનાને અલગ કરે છે. ભારત-ચીન પેટ્રોલિંગ કરાર 3 પોઇન્ટમાં 1. પીએમ નરેન્દ્ર મોદીની બ્રિક્સ મુલાકાત પહેલાં કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. બ્રિક્સમાં મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બેઠક મળી હતી. મોદીએ અહીં કહ્યું હતું કે તમામ સંજોગોમાં શાંતિ જાળવવી જરૂરી છે. 2. ચીન અને ભારત પૂર્વી લદ્દાખમાં LAC પર એપ્રિલ 2020ની સ્થિતિને પુનર્સ્થાપિત કરવા સંમત થયા. આનો અર્થ એ છે કે હવે ચીની સૈન્ય એ વિસ્તારોમાંથી પાછળ હટશે, જ્યાં તેણે અતિક્રમણ કર્યું હતું. 3. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિક્રમ મિસ્ત્રીએ કહ્યું હતું કે ભારત અને ચીનના સરહદ વિસ્તારોમાં પેટ્રોલિંગ સાથે 2020 પછી ઉદ્ભવતા મુદ્દાઓને હલ કરવા માટે એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. બંને દેશો આના પર પગલાં ભરશે. 15 જૂન 2020ના રોજ ગાલવાનની અથડામણમાં 20 ભારતીય સૈનિક શહીદ થયા હતા 15 જૂન, 2020ના રોજ ચીને એક્સર્સાઈઝના બહાને પૂર્વી લદ્દાખના સરહદી વિસ્તારોમાં સૈનિકો તહેનાત કર્યા હતા. આ પછી ઘૂસણખોરીની ઘટનાઓ ઘણી જગ્યાએ થઈ હતી. ભારત સરકારે પણ આ વિસ્તારમાં ચીનની બરાબર સંખ્યામાં સૈનિકો તહેનાત કર્યા હતા. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે LAC પર ગોળીઓ ચલાવવામાં આવી. આ દરમિયાન 15 જૂને ગાલવાન ઘાટીમાં ચીની સૈન્ય સાથે અથડામણમાં 20 ભારતીય સૈનિક શહીદ થયા હતા. પાછળથી ભારતે પણ આનો યોગ્ય જવાબ આપ્યો. આમાં લગભગ 60 ચાઇનીઝ સૈનિકો માર્યા ગયા હતા. ભારત-ચીન સંબંધિત આ સમાચાર પણ વાંચો… સૈનિકોએ એકબીજાને મીઠાઈઓ વહેંચી, રક્ષા મંત્રીએ કહ્યું- ડિસએંગેજમેન્ટ સાથે આગળ વધવાના પ્રયાસો કરાશે, પરંતુ થોડો સમય લાગશે ભારત અને ચીનની સેનાઓએ ગુરુવારે દિવાળીના અવસર પર એકબીજાને મીઠાઈઓ વહેંચી હતી. પૂર્વ લદ્દાખમાં હોટ સ્પ્રિંગ્સ, કારાકોરમ પાસ, દૌલત બેગ ઓલ્ડી, કોંગકલા અને ચુશુલ-મોલ્ડો સાથેની લાઈન ઓફ કંટ્રોલ (LOC) પર બંને દેશોના અધિકારીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો…)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments