ગુજરાત હાઇકોર્ટમાં એક વ્યક્તિ દ્વારા પોતાની સામે બનાસકાંઠા મહિલા પોલીસ મથકે વર્ષ 2023માં IPCની કલમ 376(2)(n), 417, 323, 294b, 506(2) અને 114 મુજબ નોંધાયેલી ફરિયાદ રદ કરવા માટે અરજી કરવામાં આવી હતી. જે સંદર્ભે કોર્ટે બંને પક્ષકારોને સાંભળીને અરજદારની અરજી ગ્રાહ્ય રાખી હતી અને તેની સામેની ફરિયાદ રદ કરી હતી. ઉપરાંત અરજદારના પરિવારના લોકો સામે નોંધાયેલી ફરિયાદ પણ રદ કરી હતી. પતિના મિત્ર સાથે મહિલાએ સંબંધ કેળવ્યા હતા
કેસને વિગતે જોતા બનાસકાંઠામાં રહેતી એક મહિલાના આશરે 9 વર્ષ પહેલાં લગ્ન થયા હતા. જે લગ્નથી તેને એક 7 વર્ષની પુત્રી હતી. તેનો પતિ એક વ્યવસાય સાથે સંકળાયેલા હતા. જે વ્યવસાયમાં તેના પતિનો મિત્ર પણ હતો. જેથી તે મહિલાના ઘરે આવતો જતો રહેતો હતો. જેમાં બંને વચ્ચે મોબાઈલ નંબરોની આપ-લે થઈ હતી. બાદમાં 6 મહિના જેટલો સમય મોબાઈલ ઉપર વાતો ચાલી હતી. ધીમે ધીમે બંને એકબીજાની નજીક આવ્યા હતા અને બંને અંબાજીમાં ગયા હતા. જ્યાં હોટેલમાં તેમની વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતો. પ્રેમીના કહેવા પર પતિથી છૂટાછેડા લીધા હતા: મહિલાનો આરોપ
મહિલાએ આરોપ મૂક્યો હતો કે, અરજદાર પ્રેમીએ તેના અંગત સમયના ફોટા પાડી લીધા હતા. ત્યાર બાદ તેના સંબંધો વિશે તેના પતિને ખબર પડી ગઈ હતી. આથી અરજદાર પ્રેમીએ મહિલાને તેના પતિ સાથે છૂટાછેડા લેવા કહ્યું હતું. બાદમાં મંદિરમાં રિવાજ અનુસાર લગ્ન પણ કર્યા હતા. સંબંધો જાહેર થઈ જતા આખરે મહિલાએ તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા અને શરૂઆતમાં તે પોતાના માતા-પિતાના ઘેર રહેવા ચાલી ગઈ હતી. પ્રેમીએ મહિલાને ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો
તેના પ્રેમીએ તેને કહ્યું હતું કે, તે અત્યારે નારી કેન્દ્રમાં રહે અને દસ દિવસમાં તે તેને પોતાના ઘરે લઈ જશે. જોકે, મહિલાએ તેનો પ્રેમી લેવા ન આવતા તે જાતે જ તેના પરિણીત પ્રેમીના ઘરે ગઈ હતી. ત્યારે તેના પ્રેમીએ તેને ઓળખવાનો જ ઇનકાર કરી દીધો હતો. તેના પ્રેમીના ઘરવાળાઓએ મહિલા સાથે ઝઘડો કરીને તેને માર પણ માર્યો હતો. તેમજ ફરીથી તેના ઘરે નહીં આવવા ધમકી આપી હતી. જેના પરિણામ સ્વરૂપ મહિલાએ તેના પ્રેમી અને તેના પરિવારના લોકો સામે બનાસકાંઠા મહિલા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. કોર્ટે ચુકાદામાં નોધ્યું હતું કે, આ સંબંધો સહમતિના હતા
અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, મહિલા દ્વારા 3 વર્ષ મોડી પોલીસ ફરિયાદ આપવામાં આવી છે. આ સંબંધો સહમતિના સંબંધો હતા. બદલો લેવા માટે આ ફરિયાદ કરવામાં આવી છે. તો ફરિયાદીના વકીલે જણાવ્યું હતું કે, અરજદારે મહિલાને લગ્નની ખોટી લાલચ આપીને ફસાવી હતી અને તેના પતિ સાથે છૂટાછેડા પણ અપાઈ દીધા હતા. જોકે, કોર્ટે ચુકાદામાં નોધ્યું હતું કે, આ સંબંધો સહમતિના હતા. બંને પુખ્ત વયના છે. ફરિયાદ 3 વર્ષ બાદ કરવામાં આવી છે. ફરિયાદી અને આરોપી બંને પરિણીત છે. આમ ફરિયાદી મહિલા જાણતી હતી કે આ સંબંધોનું શું પરિણામ આવી શકે છે!