દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ગગડતા ઠંડીનું પ્રમાણ થોડું વધ્યું છે. આજે વહેલી સવારે હવામાં ભેજનું પ્રમાણ વધારે નોંધાયું હતું. સાથે જ સમગ્ર સુરત શહેરમાં ભારે ધુમ્મસ ઊતરી આવ્યું હતું. શહેર પર ધુમ્મસની ચાદર છવાઈ હોય એમ હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો હતો. વાહનચાલકોને ધુમ્મસના કારણે અસર પહોંચી હતી અને વાહનોની લાઇટો ચાલુ રાખીને નીકળવાની ફરજ પડી હતી. વહેલી સવારે શહેર પર ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ
રાજ્યના દક્ષિણ ભાગમાં સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ થોડું વધ્યું છે. સવારમાં થોડી વધુ ઠંડક થવા લાગી છે. તાપમાનનો પારો 20 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે. સુરત શહેરમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર ફેલાઈ હતી, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. લો વિઝિબિલિટીને કારણે વાહન-વ્યવહાર ધીમો થઈ ગયો હતો. તાપમાનનો પારો ગગડતા ઠંડી વધી
છેલ્લા કેટલાક દિવસથી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. દિવાળી આવી છતાં ઠંડી શરૂ થઈ નથી. જોકે, છેલ્લા બે દિવસથી રાત્રિના તાપમાનનો પારો ગગડ્યો છે. ઠંડીના માહોલ વચ્ચે આજે વહેલી સવારથી સુરતમાં ગાઢ ધુમ્મસ છવાતા શહેરમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો, જેની શહેરીજનોએ મન મૂકીને મજા માણી હતી.