મહેસાણામાં બેસતા વર્ષની રાતે ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે સામસામે રહેતા પાડોશીઓ વચ્ચે ભારે માથાકૂટ થઈ હતી. તેમજ ઝપાઝપી દરમિયાન પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઝપાઝપી દરમિયાન ફાયરિંગ કરનારની પત્નીને માથામાં ગભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે સામે રહેતા નાયક પરિવારના બે લોકોને ગોળી વાગતા ઈજા પહોંચી હતી. આ ઘટનાની મહેસાણા બી ડિવિઝન પોલીસને જાણ થતાં ડી.વાય.એસ.પી સહિતની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટનામાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે. ફટાકડો ઊડીને બાજુના મકાનમાં પડતાં બોલાચાલી થઈ
2 નવેમ્બરની રાત્રે વાઈડ એન્ગલ પાછળ આવેલા અભિનવ બંગલોઝમાં મકાન નંબર 99માં રહેતા 79 વર્ષીય ભગીરથસિંહ ઉમેદસિંહ રાણા અને તેમનાં પત્ની સુધા રાણા ફટાકડા ફોડતાં હતાં, એ દરમિયાન એક ફટાકડો ઊડીને સામે આવેલા મકાન નંબર 102માં રહેતા બંકેશ નાયકના ઘરમાં પડતાં બાળકો ડરી ગયાં હતાં. આ જોઈ બંકેશ નાયક અને તેના બે દીકરા ભગીરથસિંહને ઘર સામે ફટાકડા ન ફોડવા જાણ કરતા બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા વૃદ્ધે રિવોલ્વરથી આડેધડ ફાયરિંગ કર્યું
આ દરમિયાન ભગીરથ સિંહ રાણાએ ઉશ્કેરાઇ પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરમાંથી આડેધડ ફાયરિંગ કરવા લાગ્યા હતા. તો સામે રહેતા બંકેશ નાયક અને બે દીકરા લાકડી અને લોખડની પાઈપ લઈ આવી ભગીરથ સિંહને મારવા દોડ્યા હતા. ત્યારે ભગીરથસિંહની પત્નીને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ભગીરથસિંહ રાણાએ પોતાની રિવોલ્વર વડે કરેલા પાંચ રાઉન્ડ ફાયરિંગમાં મકાન નંબર 102માં રહેતા નાયક પરિવારમાંથી આદિત્ય નાયકને સાથળ પર તો બંકેશ નાયકને કપાળે ગોળી વાગી હતી. જેને પગલે તેઓને ખાનગી વાહનમાં મહેસાણા સિવિલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી
હાલ તો બન્ને પક્ષોએ સામ સામે ફરિયાદ કરી છે. જેમાં નાયક પરિવાર દ્વારા ફાયરિંગ કરનાર ભગીરથસિંહ રાણા સામે ફરિયાદ નોંધાવી તો ભગીરથસિંહ રાણાએ પત્નીના મોત અંગે નાયક પરિવારના બંકેશ વસતલાલ નાયક, દેવલ નાયક, આદિત્ય નાયક, ગીતાબેન નાયક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે રિવોલ્વર જપ્ત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો
DySp મિલાપ પટેલે જણાવ્યું કે, આ બે પાડોશી વચ્ચે ઘણા સમયથી તકરાર ચાલતી હતી. ત્યારે ફટાકડા ફોડવાની બાબતે આ પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. સૌ પ્રથમ ઝપાઝપી થઈ જેમાં ફટાકડા ફોડી રહેલા ભગીરથ સિંહનો વિરોધ નાયક બંકેશભાઈના પરિવારે કર્યો હતો. તે દરમિયાન મારામારી થઈ હતી. ભગીરથ સિંહ રાણાએ લાઇસન્સવાળું વેપન અને એક ગેરકાયદેસર વેપન દ્વારા પાંચથી છ રાઉન્ડ જેટલા ફાયર કર્યા હતાં. જેમાંથી બે ગોળી સામેના નાયક પરિવારના બે સભ્યોને વાગતા તેઓને ઈજા પહોંચી હતી. આ ઝપાઝપીમાં ભગીરથસિંહનાં પત્ની સુધાબેનને ધક્કો વાગતા અથવા માથામાં કોઈ બોથડ પદાર્થ માર્યો હોય જેના કારણે ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું છે. આ મોતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. આજે ઘટના સ્થળે વધુ તપાસ કર્યા બાદ જાણી શકાશે કે, કેટલા રાઉન્ડ ફાયર થયા છે. પોલીસે આરોપી પાસેથી બે રિવોલ્વર કબજે કરી છે. બંને વેપન એક જ વ્યક્તિએ વાપર્યું છે કે કેમ એ અંગે નિવેદન અને CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.