ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ને આ વર્ષની દિવાળીમાં ધોમ કમાણી થઈ છે. તારીખ 26 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધીમાં એસ.ટી. વિભાગ દ્વારા વિવિધ શહેરોની કુલ 6617 એકસ્ટ્રા ટ્રીપો દોડાવવામાં આવી હતી. જેનો 3.19 લાખ મુસાફરોએ લાભ લીધો છે. આ બસોની ટ્રીપથી એસ.ટી. વિભાગની પાંચ દિવસમાં રૂપિયા 5.93 કરોડની અધધ કમાણી થઈ છે. સુરત એસ.ટી. વિભાગને કુલ 2.57 કરોડની આવક નોંધાઈ
અહીં ચાર મહાનગરોની વાત કરવામાં આવે તો સુરત એસ.ટી. ડિવિઝન દ્વારા વિવિધ શહેરોની 1359 એક્સ્ટ્રા ટ્રીપો લગાવવામાં આવી હતી, જેમાં 86,599 મુસાફરોએ મુસાફરી કરી હતી અને તેનાથી સુરત એસ.ટી. વિભાગને કુલ 2.57 કરોડની આવક નોંધાઈ છે, જે સૌથી વધુ છે. જ્યારે રાજકોટથી એક્સ્ટ્રા 100 બસ થકી 454 ટ્રીપ દોડાવવામાં આવી હતી, જેના થકી રૂ. 36 લાખની આવક થઈ હતી. 21,000 મુસાફરોએ રાજકોટની એક્સ્ટ્રા એસ.ટી. બસોનો લાભ લીધો હતો. વડોદરા એસ.ટી. વિભાગે 50થી વધુ બસ દોડાવી હતી, જેમાં 18 હજારથી વધુ લોકોએ મુસાફરી કરી હતી અને દિવાળીમાં કુલ રૂ. 26.44 લાખની આવક થઈ હતી. એક જ દિવસમાં 500થી વધુ બસ ઉપાડવામાં આવી
સુરત એસ.ટી. વિભાગને ચાલુ વર્ષે પણ દિવાળી ફળી છે. દિવાળી પહેલા દોડાવાયેલી સ્પેશિયલ બસને કારણે સુરત એસ.ટી.ની તિજોરી છલકાઈ ગઈ હતી. 26મી ઓક્ટોબરથી 30મી ઓક્ટોબર સુધી એસ.ટી.એ 1359 બસો દોડાવી 2.56 કરોડ રૂપિયાની આવક રળી છે. સૌથી વધુ 419 ટ્રિપ ઝાલોદ અને બીજા ક્રમે 224 ટ્રિપ દાહોદની દોડાવાઈ છે. જ્યારે ગ્રૂપ બુકિંગની 292 બસ પણ દોડાવવામાં આવી હતી. છેલ્લા પાંચ દિવસથી આ બસો મારફતે હજારો લોકો પોતાના વતન પહોંચ્યા છે. ગતરોજ એક જ દિવસમાં 500થી વધુ બસ એસ.ટી. વિભાગ દ્વારા ઉપાડવામાં આવી હતી. જેમાં 41,000થી વધુ લોકો પોતાના વતન પહોંચ્યા હતા. છેલ્લા પાંચ દિવસમાં 1359 જેટલી વધુ બસ 5.17 લાખ કિમી દોડાવવાથી સુરત એસ.ટી. વિભાગને 2.56 કરોડ રૂપિયાની આવક થઈ છે. ગ્રૂપ બુકિંગમાં 292 બસનું બુકિંગ થયું હતું
સુરત એસ.ટી. વિભાગે એસ.ટી. આપના દ્વારે યોજના અંતર્ગત ગ્રૂપ બુકિંગ થકી સુરતથી સોસાયટીમાંથી બેસાડી વતનના ગામ સુધી મુસાફરોને પહોંચાડવાનો આરંભ કરાયો ત્યારથી મુસાફરો આ સેવાનો જબરદસ્ત લાભ લઈ રહ્યા છે. આ વખત ગ્રૂપ બુકિંગમાં 292 બસનું બુકિંગ થયું હતું. આમ ગ્રૂપ બુકિંગ થકી 60 લાખ રૂપિયાની આવક થઈ હતી. જયારે દાહોદ અને ઝાલોદ તરફ એડવાન્સ બુકિંગ વગર પાંચ દિવસમાં 34 હજાર જેટલા લોકો ગયા છે. દાહોદ-ઝાલોદ તરફની બસ જેમ જેમ ભરાતી ગઈ તેમ તેમ નવી બસ ઉપાડવામાં આવી હતી. આ બસો 5.17 લાખ કિ.મી. દોડી હતી
ઓક્ટોબરથી સુરત એસ.ટી. બસ મારફતે કુલ 86599 મુસાફરો માદરે વતન ગયા છે. જેમાં અમરેલી 6052, સાવરકુંડલા 3315, મહુવા 4523, ભાવનગર 1741, ગારિયાધર 2827, જુનાગઢ 2197, ઝાલોદ 22150, દાહોદ 11794 મુસાફરો ગયા છે. જ્યારે ગ્રૂપ બુકિંગમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અલગ અલગ ગામડાઓમાં અત્યાર સુધીમાં 30804 લોકો ગયા છે. છેલ્લા પાંચ દિવસમાં 86599 લોકો માદરે વતન પહોંચ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં 26 ઓક્ટોબરના રોજ 75, 27મીના રોજ 165, 28મીના રોજ 300, 29મીના રોજ 502 અને 30મીના રોજ 317 બાદ ઉપાડવામાં આવી હતી. આ તમામ બસોની ટ્રીપના પગલે આ બસો 5.17 લાખ કિમી દોડી હતી. રાજકોટથી પંચમહાલ, દાહોદ, અમદાવાદ રૂટ પર વધુ ભીડ જોવા મળી
રાજકોટ એસ.ટી. વિભાગે લોકોના ધસારાને ધ્યાનમાં રાખી રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી 100 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. આ એક્સ્ટ્રા બસો થકી રૂ. 36 લાખની આવક થયેલી છે. જોકે, એક્સ્ટ્રા બસોમાં મુસાફરોએ મૂળ ભાડાથી સવા ગણું વધુ ભાડું ચૂકવવું પડયુ હતું. જેમાં રાજકોટથી પંચમહાલ, દાહોદ, અમદાવાદ રૂટ પર મુસાફરોની વધુ ભીડ જોવા મળી હતી. ભાઈબીજના દિવસે રાજકોટ વોલ્વો ડેપોની પ્રીમિયમ સર્વિસ દ્વારા અનોખો રેકૉર્ડ બનાવવામાં આવ્યો છે. કિલોમીટર દીઠ આવકમાં ભાઈબીજના રવિવારના દિવસે રાજકોટ પ્રીમિયમ વોલ્વો 60.03 આવક પર કિલોમીટર સાથે રાજ્યમાં બીજા ક્રમે રહ્યો હતો. 21,000 મુસાફરોએ એક્સ્ટ્રા એસ.ટી. બસોનો લાભ લીધો
રાજકોટ એસ.ટી.ના વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ જણાવ્યું હતુ કે, દિવાળીના પર્વને ધ્યાને લઈ મુસાફરોની સુવિધા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતુ. જેમાં 27થી 31 ઓક્ટોબર સુધી દિવાળીના તહેવારને અનુલક્ષીને વધારાની બસો મુસાફરો માટે મૂકવામાં આવી હતી. જેમાં કુલ 2.44 કરોડની આવક થઈ છે. જ્યારે તેમાં એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવેલું હતું, જેમાં એક્સ્ટ્રા 100 બસ થકી 454 ટ્રીપ દોડાવવામાં આવી હતી. જેના થકી રૂ. 36 લાખની આવક થઈ હતી. જ્યારે 21,000 મુસાફરોએ એક્સ્ટ્રા એસ.ટી. બસોનો લાભ લીધો હતો. કિલોમીટર દીઠ આવકમાં રાજકોટ બીજા ક્રમે રહ્યું
જ્યારે રાજકોટ એસ.ટી. વોલ્વોના ડેપો મેનેજર એન. વી. ઠુમ્મરે જણાવ્યું હતું કે, રાજકોટ વોલ્વો ડેપો દ્વારા 27 વોલ્વો અને 21 ઈલેક્ટ્રીક AC – નોન AC બસ ચલાવવામાં આવે છે. જેમાં વોલ્વો થકી રવિવારે ભાઈ બીજના દિવસે કિલોમીટર દીઠ આવકમાં રાજકોટ વોલ્વો ડેપો રાજ્યમાં બીજા ક્રમે રહ્યો છે. પ્રથમ ક્રમે 63.18 ઈનકમ પર કિલોમીટર સાથે ઝાલોદ પ્રથમ તો રાજકોટ પ્રીમિયમ વોલ્વો ડેપો 60.03 ઈનકમ પર કિલોમીટર સાથે બીજા ક્રમે રહ્યો. જેમાં વોલ્વોનો ભાઈબીજના એક જ દિવસમાં 2,569 મુસાફરોએ લાભ લીધો અને તેનાં થકી એક જ દિવસમાં રૂ. 8,83,347ની આવક થઈ. જયારે આ જ દિવસે એટલે કે રવિવારે ઈલેક્ટ્રીક AC બસનો 2,459 મુસાફરોએ લાભ લીધો. જેમાં ઈનકમ પર કિલોમીટર 48.76 અને આવક રૂ. 3,46,642 થઈ. જ્યારે કુલ વોલ્વો-ઇલેક્ટ્રિક બસોમાં 5,028 મુસાફરો બેઠા અને ઈનકમ પર કિલોમીટર 56.36 થઈ તો કુલ આવક રૂ. 12,29,989 થઈ. રાજકોટથી જામનગર અને જૂનાગઢની બસમાં વધુ મુસાફરો જોવા મળ્યા
રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાંથી વધારે કયા જિલ્લામાંથી એક્સ્ટ્રા બસોનું સંચાલન થયું અને કયા-કયા રૂટ પર મુસાફરોની વધુ ભીડ જોવા મળી એવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્રનુ મુખ્ય દ્વાર ગણાતા રાજકોટથી સૌથી વધુ એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતુ. જેમાં રાજકોટ અને મોરબીથી દાહોદ તથા પંચમહાલ તરફ઼ની બસોમાં મુસાફરોની ભીડ વધુ જોવા મળી રહી હતી. આ ઉપરાંત અમદાવાદ તરફની બસોમાં વધુ મુસાફરો હતા તો ટૂંકા રૂટમાં રાજકોટથી જામનગર અને જૂનાગઢની એસ.ટી. બસમાં વધુ મુસાફરો જોવા મળ્યા હતા. વડોદરા એસ.ટી. ડિવિઝનને રૂ. 26.44 લાખની આવક થઈ
વડોદરા એસ.ટી. વિભાગ દ્વારા ક્વાંટ, દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર, લુણાવાડા સહિતના વિસ્તારોમાં મુસાફરોનો વધુ ઘસારો હોવાથી 50થી વધુ બસ દોડાવી હતી. જેમાં વડોદરા એસ.ટી. ડિવિઝનને દિવાળીમાં રૂ. 26.44 લાખની આવક થઈ છે. 18 હજારથી વધુ લોકોએ મુસાફરી કરી
વડોદરા એસ.ટી. વિભાગના એમ. કે. ડામોરે જણાવ્યુ હતું કે, ક્વાંટ, દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર, લુણાવાડા સહિતના વિસ્તારોમાં કુલ 492 ટ્રીપ કરી છે. જ્યારે વધારાની દોડાવવામાં આવેલી બસોમાં 18 હજારથી વધુ મુસાફરોએ તેનો લાભ લીધો હતો. મહત્વની વાત એ છે કે, આગામી સાત તારીખ સુધી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. હજુ પણ અમદાવાદ અને પાવાગઢ તરફનો ઘસારો જોવા મળી રહ્યો છે. હાલમાં પણ વડોદરા વિભાગ દ્વારા એસ.ટી. બસો દોડાવવામાં આવી રહી છે. ત્યારે અગામી ત્રણ દિવસ પણ મુસાફરોના ઘસારાને લઇ હજૂ આવક નોંધાશે.