back to top
Homeગુજરાતવડતાલધામમાં રાસોત્સવ, શાકોત્સવ ને રંગોત્સવનો દ્વીશતાબ્દી મહોત્સવ:25 લાખ ભક્તો આવશે અને 24...

વડતાલધામમાં રાસોત્સવ, શાકોત્સવ ને રંગોત્સવનો દ્વીશતાબ્દી મહોત્સવ:25 લાખ ભક્તો આવશે અને 24 કલાક રસોડું ધમધમશે, 12000 સ્વયં સેવકો ખડેપગે, જાણો પાર્કિંગથી પ્રસાદ સુધીની વ્યવસ્થા

વર્ષ: ઈ.સ.1824 (કારતક સુદ બારસ)
સ્થળ: વડતાલ મંદિર આ દિવસે ખુદ ભગવાન સ્વામિનારાયણે વડતાલમાં લક્ષ્મીનારાયણની મૂર્તિની સ્થાપના કરી. આ સ્થાપના સાથે અહીં અનોખી પરંપરાની શરૂઆત થઈ. વડતાલની આ ભૂમિને લક્ષ્મીજીની તપોભૂમિ, શિક્ષાપત્રીની રચનાભૂમિ અને આચાર્યપદની સ્થાપનાભૂમિ માનવામાં આવે છે. એવું મનાય છે કે સ્વામિનારાયણે રાસોત્સવ, રંગોત્સવ અને શાકોત્સવ જેવા પ્રસંગો થકી ઉત્સવ પરંપરાને પ્રોત્સાહન આપ્યું છે, ત્યારે વડતાલ મંદિરની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 800 વીઘા જમીન પર 7 નવેમ્બરથી 15 નવેમ્બર(13 નવેમ્બર અને સુદ બારસે સ્વામિનારાયણ ભગવાને લક્ષ્મી નારાયણની મૂર્તિ સ્થાપના કર્યાને 200 વર્ષ થશે) સુધી શ્રી લક્ષ્મી નારાયણ દ્વી શતાબ્દી મહા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. 800 વીઘા જમીનમાં મહોત્સવ
55 વીઘા જમીનમાં પ્રદર્શન
10 હજાર વાહનોનું પાર્કિગ
26 હજાર લોકો માટે ટેન્ટ
દરરોજ 4 ટન શાકભાજીનો વપરાશ
12 હજાર સ્વંયસેવકોની ટીમ
25 લાખ શ્રદ્ધાળુ આવવાની શક્યતા આ આંકડાઓ વાંચીને તમે દંગ થઈ ગયા હશો. તમારી કલ્પના શક્તિએ એક વિશાળ કાર્યક્રમની ધારણા બાંધી પણ લીધી હશે. આ ધારણા એકદમ સાચી છે. ન ભૂતો ન ભવિષ્યતિ એવો આ અદભૂત મહા મહોત્સવ શરૂ થાય એ પહેલાં દિવ્ય ભાસ્કરે ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેના પાર્ટ-1માં તમારા મનમાં ઉઠેલી કલ્પનાને હકિકત સ્વરૂપમાં બતાવવાનો પ્રયાસ કરાશે. તેમજ પાર્કિંગથી પ્રસાદ સહિતની વ્યવસ્થા અંગે જાણવાની કોશિષ કરી હતી. જ્યારે પાર્ટ-2માં મંદિર અને સ્વામિનારાયણ ભગવાન સાથે સંકળાયેલી ઐતિહાસિક વાતો અને વસ્તુઓથી રૂબરૂ કરાવીશું. મહોત્સવની તિથિનું શું છે મહાત્મ્ય?
આ મહોત્સવની તારીખ અને દિવસના મહાત્મ્ય અંગે જાણવા અમે શુકદેવ સ્વામી વાત કરી હતી, તેમણે કહ્યું કે વડતાલ મંદિરની સ્થાપના કરી તે વખતે સ્વામિનારાયણ ભગવાને કહ્યું હતું કે વર્ષમાં ચૈત્રી સમૈયા અને કાર્તિકી સમૈયામાં દરેક હરિભક્તે વણ તેડે અહીં પધારવું જોઈએ. દર વર્ષે 7 દિવસનો સમૈયો તો યોજાય જ છે. પરંતુ આ વખતે 200 વર્ષનું વિશેષ આયોજન હોવાથી 9 દિવસનો સમૈયો રાખવામાં આવ્યો છે. મહોત્સવના બ્લોક્સને ધાર્મિકસ્થાનોમાં અર્પણ કરાશે
શુકદેવ સ્વામી આગળ કહે છે કે, આ ઉપરાંત મહોત્સવમાં પણ સનાતન ધર્મની એકતાનો સંદેશ અપાશે. અહીં વપરાયેલા બ્લોક્સને આજુબાજુના ધર્મસ્થાનોમાં અર્પણ કરાશે. આ મહોત્સવની યાદગીરી રૂપે વડતાલમાં પ્રાથમિક શાળાનું નિર્માણ કરી સરકારને સોંપવામાં આવશે. આ ઉપરાંત અહીં બ્લડ ડોનેશન કેમ્પ સહિતની અનેક જનહીતની પ્રવૃતિ કરવામાં આવશે. આ વડતાલ ધામ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલું છે. અહીં સુધી પહોંચવા પોતાનું વાહન લઈ અમદાવાદથી વાયા નડિયાદ, નરસંડા થઈ તેમજ વડોદરાથી વાયા વાસદ ચોકડી, બોરિયાવી, નરસંડા થઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન(એસટી)બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે. અહીં સુધી પહોંચ્યા બાદ હવે સૌથી પહેલો પ્રશ્ન પાર્કિંગનો ઉભો થશે. તો તેની વ્યવસ્થા અંગે વાત કરીએ. પાર્કિંગની વ્યવસ્થા સંભાળી રહેલા દિવ્ય સ્વામીએ અહીં સુધી પહોંચવાથી લઈ પાર્કિંગ સહિતની વિગતો આપતા જણાવ્યું કે, તમામ ભક્તોને પાર્કિગમાં સરળતા રહે તે માટે અલગ અલગ ઝોનમાં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. 10 ઝોનમાં વહેંચાયેલા આ વિશાળ પાર્કિંગમાં એક સાથે 10 હજાર કાર પાર્ક થઈ શકશે. વિદ્યાનગરથી આગળ બાકરોલ ગેટ પાસે હેલિપેડ પાસે ગેટ A આવશે. આ ગેટમાંથી આગળ વધતાની સાથે ગેટ I(આઈ) આવશે, જે તમને ઝોન 6નાં પાર્કિંગ સુધી પહોંચાડશે. વાહન ક્યાં પાર્ક કર્યું છે તે શોધવું નહીં પડે
જો કોઈ ભક્તે મહોત્સવથી પાછા ફરતી વખતે પોતાનું વાહન શોધવું ન પડે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરી છે. પાર્કિંગમાં દરેક લાઈનમાં લાઈટના થાંભલા ઉપર લાઈનનો નંબર લખવામાં આવશે. જેથી ભક્તો તે લાઈન નંબરને આધારે સરળતાથી પોતાની કાર શોધી શકશે. ‘અમેરિકામાં ધંધામાં અનેક અડચણો આવી પણ ભગવાનની કૃપા થઈ’
28 ઓક્ટોબરથી સેવા કરવા અમેરિકાના એટલાન્ટાથી આવેલા ધીરેન્દ્ર ધાનાણીએ કહ્યું કે, હું વર્લ્ડ વાઈડ મોટી એક ઈલેકટ્રોનિક્સની કંપની ચલાવું છું. પરંતુ હાલ આ બિઝનેસ છોડીને મહોત્સવમાં સેવા આપવા માટે વડતાલ આવ્યો છું. હું અહીં NRI ઉતારાની સેવા બજાવી રહ્યો છું. આ 200 વર્ષના મહા મહોત્સવમાં અમને સેવા કરવાનો મોકો મળી રહ્યો છે તે અમારા અહોભાગ્ય છે. USમાં ખુબ ભાગદોડ ભરેલી જિંદગી જીવી રહ્યા છીએ. આ જિંદગી વચ્ચે મંદિરમાં સંતો સાથે સેવા કરવાથી અમને અનોખી શાંતિ મળે છે. જ્યારે મેં અમેરિકામાં ધંધાની શરૂઆત કરી ત્યારે અનેક અડચણો આવી હતી. પરંતુ સંતોના માર્ગદર્શન અને ભગવાનની કૃપાથી મને અનેક તકો મળી. આજે હું વર્લ્ડની મોટી મોટી કંપનીઓને ઈલેક્ટ્રોનિક્સનો સપ્લાય કરું છું. જિલ્લા પ્રમાણે 15 વિશાળ ડોમમાં ભોજનની વ્યવસ્થા
પાર્કિંગ બાદ હવે પ્રસાદીની વ્યવસ્થા અંગે જાણવા અમે રસોડા વિભાગની જવાબદારી સંભાળી રહેલા તીર્થ સ્વામી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, ભોજન કરવામાં સરળતા રહે તે માટે જિલ્લા પ્રમાણે ડોમની વહેંચણી કરવામાં આવી છે. 15 ડોમમાંથી 5 ડોમ ટેન્ટ સિટીની બાજુમાં રાખવામાં આવ્યા છે. જેથી મહોત્સવમાં પધારેલા ખાસ મહેમાનોને સરળતાથી ભોજન મળી રહે અને તેઓ ત્યાંથી પણ પ્રસાદ મેળવી શકે. દરરોજ નાસિકથી 4-5 ટન શાકભાજી આવશે
આ મહોત્સવની રસોઈ માટે દરરોજ 3 થી 4 ટન જેટલું શાકભાજી નાસિકથી મંગાવવામાં આવશે. આ ઉપરાંત નડિયાદ અને આણંદની આસપાસની માર્કેટમાંથી પણ થોડું શાકભાજી દરરોજ મંગાવાશે. જ્યારે રોટલી બનાવવા માટે 5-6 મશીન પણ રાખવામાં આવશે. આ મશીનમાંથી દર કલાકે 1 હજારથી વધુ રોટલી તૈયાર થશે. આ સમગ્ર રસોઈની વ્યવસ્થા માટે 500 રસોઈયાની ટીમ ખડેપગે રહેશે. ભક્તોના ભોજન માટે 24 કલાક કાઉન્ટર ચાલું રહેશે
આ સમગ્ર રસોડા વિભાગની જવાબદારી 2300 સ્વયંસેવકો નિભાવશે. દરેક ડોમમાં 110 સ્વયંસેવક હાજર રહેશે. મહોત્સવ દરમિયાન સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી નાસ્તો આપવામાં આવશે. જ્યારે બપોરનું ભોજન સવારના 10થી બપોરના 3 વાગ્યા સુધી રાખવામાં આવશે. જ્યારે સાંજનું ભોજન સાંજે 6 થી 9 વાગ્યા સુધી ચાલું રહેશે. આ ઉપરાંત દરેક ડોમમાં એક કાઉન્ટર 24 કલાક ચાલુ રહેશે. ભક્ત કોઈ પણ ટાઈમે પહોંચે તેમને અહીં ભોજન મળી રહેશે. 12000 સ્વંયસેવકોનું મેનેજમેન્ટ કરે છે પ્રિતેશ પટેલ
આગળ જતા અમારી મુલાકાત પ્રિતેશ પટેલ સાથે થઈ. તેઓ મહોત્સવમાં સેવા આપી રહેલા તમામ સ્વંયસેવકોનું મેનેજમેન્ટ કરી રહ્યા છે. રિટાયર્ડ લાઈફ જીવી રહેલા 60 વર્ષીય પ્રિતેશભાઈ આખો દિવસ મહોત્સવની તૈયારીમાં લાગેલા રહે છે. મહોત્સવમાં કુલ 12 હજાર જેટલા સ્વંયસેવકો કામ કરી રહ્યા છે. આ તમામ સ્વંયસેવકોનું મેનેજમેન્ટ પ્રિતેશભાઈ કરે છે. ત્રણ શિફ્ટમાં સ્વયં સેવકો આપશે સેવા
તેઓ કહે છે કે છેલ્લા 8 મહિનાથી સ્વંયસેવકો મહોત્સવની કામગીરી કરી રહ્યા છે.મહોત્સવમાં સવારના 6 વાગ્યાથી લઈ રાત્રે 2 વાગ્યા સુધી સ્વયંસેવકો સેવા આપશે. આ માટે સ્વયંસેવકો 8 થી 10 કલાકની શિફ્ટમાં કામ કરશે. જે સ્વંયસેવક સવારે વહેલા આવશે તે બપોરે 4 વાગ્યે ફ્રી થશે. બીજી શિફ્ટ 4 વાગ્યે શરૂ થશે જે રાત્રે પૂરી થશે. જ્યારે છેલ્લી શિફ્ટ રાત્રે આવશે જે 2 વાગ્યા સુધી સેવા આપશે. અહીં કૂલ 110 વિભાગ પાડવામાં આવ્યા છે. આ અલગ અલગ વિભાગમાં જરૂરિયાત મુજબની સંખ્યામાં સ્વંયસેવકો કામ કરી રહ્યા છે. પ્રિતેશભાઈ કહે છે કે હું 6 વર્ષથી વડતાલમાં સેવા આપું છું. હું 6 વર્ષ પહેલાં વડતાલ આવ્યો મેં કીડી જેટલી સેવા કરી અને ભગવાને મને હાથી જેટલું ફળ આપ્યું આ પછી હું સતત અહીં સેવામાં રચ્યો પચ્યો રહું છું. મારું મન ખુબ રાજી રહે છે. 6 મહિનામાં 15 લાખ બ્લોક્સનું પ્રોડક્શન કર્યું
તેમજ બ્લોકની સેવા કરી રહેલા અને વડોદરામાં કેમિકલ ફર્ટિલાઈઝર બનાવતી કંપનીના માલિક ચિરાગ પટેલે જણાવ્યું કે, છેલ્લાં 15 વર્ષથી દરરોજ સાંજે 2 કલાક વડતાલ મંદિરમાં સેવા આપું છું. જ્યારે આ મહોત્સવને લઈને 6 મહિનાથી બ્લોક પ્રોડક્શન કરાવવાની સેવા આપું છું આ મહોત્સવને લઈને 15 લાખ બ્લોક્સનું પ્રોડક્શન કરવામાં આવ્યું છે. 6 મહીનાથી સતત 80 માણસ બ્લોક્સ બનાવવાનું કામ કરી રહ્યા હતાં. આ બ્લોક્સ બનાવવા પાછળ 10 હજારથી વધુ સિમેન્ટની થેલી વાપરવામાં આવી છે. મંદિરમાં સતત સેવા આપું છું છતાં પણ મારે ક્યારેય મારા બિઝનેસમાં પાછી પાની કરવાનો વખત નથી આવ્યો. મારો ધંધો સતત વધ્યા જ કરે છે આજ ભગવાનની સૌથી મોટી કૃપા છે. જ્યારે આ મહોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક પ્રદર્શન અંગે જાણવા અમે પ્રદર્શનની વ્યવસ્થા સંભાળી રહેલાં અનમોલ સ્વામી સાથે વાતચીત કરી. 55 વીઘાના વિસ્તારમાં પથરાયેલા વિશાળ પ્રદર્શનમાં કુલ 8 પ્રકારના પ્રદર્શન રાખવામાં આવ્યા છે. આ 8 અલગ અલગ પ્રદર્શન માટે અલગ અલગ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. પ્રદર્શનમાં સૌથી પહેલાં મંદિર ડોમ આવશે
આ ડોમમાં મંદિર તેના ઈતિહાસ અને તેના મહત્વને સમજાવતો મંદિર પ્રોજેક્શન શૉ તૈયાર કરવામાં આવ્યો છે. આ શૉનો કૂલ સમય 15થી 20 મિનિટનો છે. પ્રોજેક્ટર મેપિંગ સાથેનું અનોખું જીવન દર્શન
અહીંથી આગળ વધતાની સાથે સ્વામિનારાયણ દર્શનમ આવશે. અહીં સ્વામિનારાયણ ભગવાનનું જીવન દર્શન દેખાડવામાં આવશે. અહીં LED અને પ્રોજેક્ટર મેપિંગની માધ્યમથી સ્વામિનારાયણનું જીવન દર્શન દેખાડવામાં આવશે. પ્રદર્શનનું સૌથી મહત્વનું સ્થળ લાઈટ એન્ડ સાઉન્ડ શૉ
ત્યાર બાદ લાઈટ એન્ડ સાઉન્ડ શૉનું આયોજન કરવામાં આવ્યું છે. વડતાલ ધામ ખાતે સ્વામિનારાયણ ભગવાને કરેલી લીલાઓ અને મહત્વના કાર્યોનું અનોખું વર્ણન આ લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં કરવામાં આવ્યું છે. આ એક લાઈવ પર્ફોમન્સ છે. આ શો નિહાળતા કૂલ 22 મિનિટ થાય છે. સમગ્ર પ્રદર્શનમાં આ લાઈટ એન્ડ સાઉન્ડ શો સૌથી આર્કષણનું કેન્દ્ર બની રહેશે વન વિચરણ સમયના પ્રસંગોની યાદ અપાવતો ગ્લો ગાર્ડન
આગળ ગ્લો ગાર્ડન આવશે. અહીં LED લાઈટિંગ સાથે ભગવાને વન વિચરણ વખતે કરેલા કાર્યો અને પ્રાણીઓ સાથેનાં પ્રસંગોનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. અહીં પ્રાણીઓની અંદર સરસ મજાનું લાઈટિંગ કરેલું છે. મન પર જીત મેળવતા શીખવશે આ શોર્ટ ફિલ્મ
અહીંથી આગળ જતા એક શોર્ટ ફિલ્મ છે. જેને સલુકનો શૉ નામ આપવામાં આવ્યું છે. આ શૉ માં મન પર કેવી રીતે જીત મેળવી શકાય તે અંગેની સમજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ શૉ સમગ્ર બાળ ચરિત્ર પર આધારિત કરવામાં આવ્યો છે 2 વિશાળ પેઈન્ટિંગ સાથે આર્ટ ગેલેરી
આ પછી શિક્ષાપત્રી અને તેના મહત્વના આદેશોને સમજાવતો બુક મેપિંગ પ્રોજેક્શન શો રાખવામાં આવ્યો છે. અને છેલ્લે આર્ટ ગેલેરી છે. જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયની બે વિશાળ પેઈન્ટિંગ રાખવામાં આવી છે. આ સમગ્ર પ્રદર્શનની તૈયારી છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહી હતી. પ્રદર્શન વિભાગમાં દરરોજના 1 હજારથી વધુ સ્વયંસેવકો સેવા આપી રહ્યા હતા. આ પ્રદર્શનને નિહાળવામાં આશરે 2 થી 2.5 કલાકનો સમય લાગશે. ટેન્ટ સિટીની સેવા સંભાળી રહેલા કારણસ્વરૂપ દાસજી સ્વામી સાથે અમે રોકાણના આયોજન અંગે ખાસ વાતચીત કરી. સંતોના ત્રણ મંડળ ટેન્ટ સિટીની જવાબદારી સંભાળી રહ્યા છે. મહોત્સવમાં પધારી રહેલા હરિભક્તો માટે ખાસ ચાર પ્રકારના ટેન્ટ બનાવવામાં આવ્યા છે. એક EP ટેન્ટ છે જેમાં છ વ્યક્તિ રહી શકશે. આ ટેન્ટમાં 6 ગાદલા, 6 ઓશિકા, 6 રજાઈ સાથે એટેચ્ડ વોશ રૂમ પણ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત બીજા પ્રકારના ટેન્ટ એ ફેમિલી ટેન્ટ છે. આ ટેન્ટમાં એક સાથે 16 વ્યક્તિ રહી શકશે. ત્રીજા પ્રકારના ટેન્ટ ડોરમેટ્રી ટેન્ટ હશે જેમાં એકસાથે 36 વ્યક્તિ રહી શકશે. આ તમામ ટેન્ટમાં વ્યક્તિ દીઠ ગાદલા, ઓશિકા સહિતની સગવડો આપવામાં આવશે. આ સિવાય અન્ય એક ઓવરસિસ ટેન્ટ સિટી બનાવવામાં આવ્યું છે. અહીં ચોથા પ્રકારના ટેન્ટ છે જે સિટીનું નામ સાળંગપુર ધામ આપવામાં આવ્યું છે. અહીં એક ટેન્ટમાં ચાર વ્યક્તિઓ રહી શકશે. આ ટેન્ટ તમામ સુવિધાઓ સાથેનો અત્યાધુનિક હશે. આ ઉપરાંત યજમાનો માટે વડતાલમાં આવેલી ઉતારાની બિલ્ડિંગમાં રૂમ આપવાની વ્યવસ્થા કરેલી છે. કેવી રીતે ટેન્ટ બુક કરાવી શકાશે?
અહીં ટેન્ટ બુક કરાવવા માટે એપ્લિકેશન રાખવામાં આવી છે. જે દ્વી શતાબ્દી મહોત્સવની વેબસાઈટ પરથી મળી રહેશે. જેણે પણ રજિસ્ટ્રેશન કરેલું છે તે દરેકને અમે ટેન્ટ નંબર ફાળવી રહ્યા છીએ. અહીં તેમને ટેન્ટ નંબર, PNR નંબર સહિતની તમામ માહિતી મળી રહી છે. આ સાથે હેલ્પ લાઈન નંબર પણ આપવામાં આવ્યો છે. અહીં 1100 સ્વયસેવકો છે. દરેક સ્વયંસેવકને 20 ટેન્ટ સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે. દરેક ટેન્ટને તેનો નંબર પણ ડિસ્પ્લે કરવામાં આવ્યો છે. આમ આ ખાસ પ્રકારના આયોજનથી કોઈ પણ ભક્તને ટેન્ટ સિટી સુધી પહોંચવામાં કે અહીં રોકાવવામાં ખાસ તકલીફ નહીં પડે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments