રાજકોટમાં રીલ બનાવવાની ઘેલછામાં નબીરાઓએ નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર જોખમી રીતે ફટાકડા ફોડી બાઈક ઉપર સ્ટંટ કર્યા હતા અને કાયદો હાથમાં લીધો હતો. આ દૃશ્યોએ ત્યાંથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ચાલુ બાઈક કે ફટાકડા ફોડી અને જોખમી સ્ટંટ કરતા આ નબીરાઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને લઇને પોલીસે પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. બાઈક સ્ટંટ સાથે દિવાળીનું સેલિબ્રેશન કરતા હોવાના વાયરલ વીડિયોએ ફરી એક વખત પોલીસના નાઈટ પેટ્રોલિંગ અને ચેકિંગ સામે સવાલો ઊભા કર્યા છે. વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો
રાજકોટ શહેરનો નવો 150 ફૂટ રીંગ રોડ સ્ટંટ કરનારાઓ માટે ખુલ્લુ મેદાન બન્યું છે જ્યાં વારંવાર યુવાનોના જોખમી બાઇક સ્ટંટના વીડિયો સામે આવે છે. અગાઉ પણ બાઈક સ્ટંટ સાથે રસ્તો રોકી બર્થડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હોવાનો વીડિયો સામે આવ્યો હતો ત્યારે હવે દિવાળીના દિવસોમાં બાઈક ઉપર સ્ટંટ કરતા-કરતા ફટાકડા ફોડતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે ખૂબ જ જોખમી છે. જોખમી સ્ટંટને કારણે આસપાસથી પસાર થતા વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરી
@max _Rider 64 નામના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મૂકાયેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, બે બાઈક ઉપર ચાર યુવાનો સ્ટંટ કરી રહ્યા છે અને સાથે સાથે ફટાકડા ફોડી રહ્યા છે. આ ઉપરાંત આ બાઈકસવારો નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર રસ્તાની વચ્ચોવચ અલગ-અલગ પ્રકારના બાઇક સ્ટંટ કરતા નજરે પડે છે. આ યુવાનોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તે જોખમી સ્ટંટ કરતા નજરે પડે છે. જોકે હાલ તો પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોના આધારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.