દિવાળીના વેકેશન બાદ જામનગરનું હાપા માર્કેટીંગ યાર્ડ આજે લાભ પાંચમથી ફરી ધમધમતું થયું છે. હાપા માર્કેટીંગ યાર્ડમાં મંગળવારથી જ ખેડૂતો પોતાની મગફળી લઈને વેચાણ માટે આવી પહોંચ્યા હતા. ગઈકાલે 345 જેટલા વાહનોમાં મગફળી સહિતની જણસો વેચાણ માટે હાપા માર્કેટીંગ યાર્ડ પર આવી પહોંચ્યા હતા. આજથી હરાજીનો પ્રારંભ થયો હતો. તામિલનાડુના વેપારીઓ મગફળીની ખરીદી માટે જામનગર આવ્યા હોય સારા ભાવ મળતા હોવાથી જામનગર ઉપરાંત આસપાસના જિલ્લાના ખેડૂતો પણ મગફળીના વેચાણ માટે જામનગર આવી પહોંચ્યા હતા. જામનગરમાં માર્કેટિંગ યાર્ડમાં દિવાળી તહેવાર બાદ લાભ પાંચમના દિવસે નવા વર્ષની સૌ વેપારીઓ દ્વારા મુહૂર્ત કરે છે. ત્યારે લાભ પાંચમને સૌભાગ્ય પંચમી પણ કહેવામાં આવે છે આ દિવસે વ્યાપાર ધંધાનું મુહૂર્ત વિશેષ મહત્વ હોય છે. ત્યારે દિવાળીની રજાઓ બાદ આજથી માર્કેટિંગ યાર્ડ હાપામાં હરાજીની શરૂઆત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના જામનગર સહિતના મોટાભાગના માર્કેટીંગ યાર્ડ દિવાળીના વેકેશન બાદ લાભ પાંચમથી શરૂ થતા હોય છે. લાભ પાંચમના દિવસે પોતાની મગફળી વેચાણ થઈ જાય તે માટે મંગળવારે જ મોટી સંખ્યામાં ખેડૂતો યાર્ડ બહાર પહોંચી ગયા હતા. જેઓને રાત્રિના સમયે યાર્ડમાં એન્ટ્રી આપી દેવામાં આવી હતી. આજથી મગફળીની હરાજીનો પ્રારંભ થયા બાદ ખેડૂતોને સારા ભાવ મળતા ખુશ જોવા મળ્યા હતા. તો બીજી તરફ એક જ દિવસમાં મગફળીની બમ્પર આવક થતા મગફળી ઉતારવાની જગ્યા ખૂટી પડી હતી. જેના કારણે મગફળીનો નિકાલ ન થાય ત્યાં સુધી નવી આવક બંધ કરવાનો નિર્ણય કરાયો હતો.