અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારિયા ગામમાં બે દિવસ પહેલા સાત વર્ષની બાળકી પર સિંહણે હુમલો કરતા બાળકીનું મોત નિપજ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા મૃતક બાળકીના પરિજનોને પાંચ લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારિયા ગામમાં બે દિવસ સાત વર્ષીય બાળકી તેના માતા સાથે વાડી વિસ્તારમાંથી ઘરે આવી રહ્યા હતા. ત્યારે સિંહણ બાળકીને દબોચી લઈ નાસી ગઈ હતી. પરિવારજનોએ શોધખોળ કરતા બાળકીના શરીરના અવશેષો મળી આવ્યા હતા. બાદમાં વનવિભાગની ટીમે મેગા ઓપરેશન હાથ ધરી સિંહણને પાંજરે પૂરી હતી. મૃતક કીર્તિનો સિંહણ દ્વારા શિકાર કર્યા બાદ વનવિભાગ દ્વારા પંચરોજ કામગીરી કર્યા બાદ મૃતકના પરિવારના નિવેદનો લીધા બાદ રાજય સરકારના નિયમ પ્રમાણે રૂ.5 લાખનો ચેક મૃતકના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય હીરા સોલંકીના હસ્તે 5 લાખનો ચેક અર્પણ કરવામા આવ્યો હતો. જેમાં RFO જી.એલ.વાઘેલા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન કરશનભાઈ ભીલ, જાફરાબાદ કારોબારી ચેરમેન અનિરૂદ્ધભાઈ વાળા,સરપંચ ચંપુભાઈ વરૂ, સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.