લાભ પાંચમને ગુજરાતમાં સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી, લાખેણી પંચમી અને લાભપંચમી તરીકે પણ ઓળખાય છે. કેટલાક પ્રદેશોમાં સૌભાગ્ય લાભપંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. જેથી આજરોજ શહેરમાં જૈન સમાજ દ્વારા જ્ઞાનપંચમીની ઉજવણી કરવામાં આવે છે સાથે દુકાનદારો પણ આજે પોતાની દુકાનો ખોલતા હોય છે. આજે લાભ પાંચમથી ભાવનગર શહેર અને જિલ્લામાં દુકાનો, શો રૂમ, વેપારી પેઢીઓ નવી વિક્રમ સંવતમાં શ્રી સવા એટલે કે સવાયા વેપારની આશા સાથે ફરી ખુલી ગઈ છે. દિવાળીના તહેવારો દરમિયાન સારી ઘરાકી રહી હતી અને વેપારીઓ લાંબા સમય બાદ ધંધો સારો રહેતા ખુશ જોવા મળ્યા હતા હવે આજથી ઉઘડેલી બજારમાં આગામી લગ્નસરાની સીઝનના અનુસંધાને સારી ઘરાકી નિકળે તેવી આશા વેપારીઓ જોઈ રહ્યા છે. પંચમીએ જો કોઇ નવો વેપાર કે મુહૂર્ત કરવામાં આવે તો તેમાં લાભ જ થતો હોવાની વિશિષ્ટ પરંપરા-માન્યતા છે. વેપારીઓ લાભ પાંચમના દિવસે હિસાબના ચોપડાની સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે, જેથી તેમના માટે નવું વર્ષ લાભદાયી નીવડે. વેપારમાં પહેલો સોદો થાય તે પહેલા ચોપડા ઉપર શ્રી સવા લખવામાં આવે છે. જેમાં શ્રી લક્ષ્મીજીનું ચિન્હ છે. જ્યારે સવા એટલે કે નવા વર્ષમાં ધંધો સવા ગણો વધે તેવી કામના વ્યક્ત ઇશ્વર સમક્ષ વ્યક્ત કરવામાં આવે છે.