ઇઝરાયલે બુધવારે લેબનનની રાજધાની બેરૂતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નિશાન બનાવ્યું હતું. આ સિવાય બેરૂત અને બેકા ઘાટીના અલગ-અલગ ભાગોમાં પણ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં 40થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, હુમલા પહેલા ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ) એ એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોને ખાલી કરવા માટે કહ્યું હતું. IDF એ દાવો કર્યો હતો કે બેરૂતમાં હુમલા દરમિયાન હિઝબુલ્લાહના કમાન્ડ સેન્ટર અને હથિયારોના ડેપોને નિશાન બનાવ્યા હતા. આ પહેલા મંગળવારે મોડી રાત્રે પણ ઇઝરાયલે લેબનનના બરજા શહેરમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગ પર હવાઈ હુમલો કર્યો હતો. જેમાં લગભગ 30 લોકો માર્યા ગયા હતા. IDF એ હુમલા પહેલા કોઈ ચેતવણી પણ આપી ન હતી. બીજી તરફ ગાઝામાં પણ ઈઝરાયલની સેના બેત લાહિયા પહોંચી ગઈ છે. અત્યાર સુધી IDF ત્યાં માત્ર બોમ્બ વિસ્ફોટ કરતું હતું. ઈઝરાયલના જણાવ્યા અનુસાર હમાસના આતંકવાદીઓ ફરી એકવાર આ વિસ્તારમાં ભેગા થવા લાગ્યા છે. લેબનોનમાં 3 હજારથી વધુ લોકોના મોત થયા
છેલ્લા એક વર્ષમાં ઇઝરાયલના હુમલાને કારણે 3 હજારથી વધુ લેબનીઝ નાગરિકો માર્યા ગયા છે. તેમાંથી મોટાભાગના લોકો છેલ્લા 6 અઠવાડિયાથી ચાલી રહેલા ઈઝરાયલ-લેબનન યુદ્ધમાં માર્યા ગયા છે. યુદ્ધના કારણે લેબનનના 10 લાખથી વધુ લોકોને તેમના ઘર છોડવા પડ્યા છે. મોટાભાગના લોકો રાહત શિબિરોમાં આશરો લઈ રહ્યા છે. હવે આ કેમ્પોમાં પણ જગ્યા બચી નથી. આથી દરિયા કિનારે ટેન્ટ લગાવીને લોકોને હંગામી ધોરણે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ હિઝબુલ્લાના ચીફ નઈમ કાસિમે બુધવારે ઈઝરાયલ સાથે યુદ્ધવિરામની વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે મંત્રણા પહેલા ઈઝરાયલના હુમલા રોકવા માટે કહ્યું છે. નઈમ કાસિમ ઈઝરાયેલના નિશાના પર
ગયા અઠવાડિયે ઈઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ નઈમ કાસિમને પણ ચેતવણી આપી હતી. ઈઝરાયલે કહ્યું હતું કે જો કાસિમ પણ તેના જૂના નેતાઓના માર્ગ પર ચાલશે તો તેની હાલત અન્ય જેવી થઈ જશે. કાસિમે 5 ઓક્ટોબરે બેરૂત છોડ્યું અને ઈરાનના વિદેશ મંત્રીના વિમાનમાં ઈરાન ગયો. ઈઝરાયલનું કહેવું છે કે લેબનનમાં ત્યારે જ શાંતિ આવશે જ્યારે હિઝબુલ્લાહની સૈન્ય શક્તિ ખતમ થઈ જશે. લેબનનની સમસ્યાનો એક જ ઉકેલ છે, અને તે છે આ સંગઠનને સંપૂર્ણપણે નાબૂદ કરવું. હિઝબુલ્લાહને ખતમ કરવાના અભિયાનમાં ઈઝરાયલને પણ સફળતા મળી છે. ઈઝરાયલે સંગઠનના ટોચના 8 નેતાઓમાંથી 5ને ખતમ કરી દીધા છે. કાસિમ પહેલા હાશિમ સૈફીદીનનું નામ ચીફ બનવાની રેસમાં આગળ હતું. હાશિમ નસરાલ્લાહનો પિતરાઈ ભાઈ હતો, પરંતુ તે પણ ઈઝરાયલના હવાઈ હુમલામાં માર્યો ગયો હતો.