કોઈ સંતો-મહંતોને સમાધિ અપાય કે કોઈ વ્યક્તિ પાળેલા પ્રાણીને સમાધિ આપે, તેવી ઘટનાઓ તો રોજબરોજ બને છે પરંતુ લાઠી તાલુકાના પાડરશીંગા ગામના ખેડૂત સંજય પોરલાએ કારને સમાધિ આપી છે. આ કાર લીધા બાદ આર્થિક સમૃદ્ધિ આવી હોઈ ભંગારમાં વેચવા કે બીજા કોઈને આપવા કરતાં પોતાની જમીનમાં તેની કાયમી યાદગીરી બનાવી લીધી હતી. આ વાત છે લાઠી તાલુકાના પાડરશીંગા ગામની. આજે ગામમા અનેરા ઉત્સાહ સાથે ઢોલ અને ડીજેના તાલ સાથે રાસની રમઝટ બોલી હતી. અહી કોઇ લગ્ન પ્રસંગ કે ધાર્મિક ઉત્સવ ન હતો. પરંતુ એક સમાધીનો કાર્યક્રમ હતો. અને આ સમાધી પણ કોઇ માણસ કે જીવની નહી પરંતુ એક કારની સમાધી હતી. પાડરશીંગા ગામના ખેડૂત સંજય પોલરાએ વર્ષ 2013-14મા એક કાર ખરીદી હતી. તેઓ ગામમા મકાન અને સીમમા ખેતીની જમીન ધરાવે છે. અને બાદમા ધંધાર્થે સુરત પણ ગયા હતા.
તેઓ માને છે કે આ કાર તેમના માટે લક્કી છે અને તેના આવ્યા બાદ આર્થિક સમૃધ્ધિ પણ આવી અને પ્રતિષ્ઠા પણ વધી. આ કાર જુની હોય તેને વેચી નાખવાની કે ભંગારમા આપી દેવાના બદલે શાસ્ત્રોકત વિધી સાથે સમાધી આપવાનો તેમણે નિર્ણય કર્યો હતો. આ માટે તેમણે આસપાસના સંતો મહંતોને નોતરૂ પણ મોકલ્યુ હતુ. અને પોતાના સગા સંબંધીઓને પણ બોલાવ્યા હતા. કારના કારણે મારી પ્રગતિ થઇ એટલે વેચવી ન હતી: સંજય પોલરા કાર માલિક સંજય પોલરાએ જણાવ્યું હતુ કે હું છેલ્લા દસ વર્ષથી આ કાર ચલાવુ છુ. કાર આવ્યા બાદ મારી પ્રગતિ થઇ છે એટલે મારે કોઇને આપવી ન હતી. આ સમગ્ર સમાધી કાર્યક્રમ પાછળ મે ચાર લાખનો ખર્ચ કર્યો છે. મે કયારેય આવુ સાંભળ્યું નથી: હરેશ કરકર સમાધી કાર્યક્રમમા સુરતથી ભાગ લેવા આવેલા હરેશ કરકરે જણાવ્યું હતુ કે મે કયારેય આવુ સાંભળ્યું નથી. કોઇ સંતો મહંતોની સમાધી હોય પરંતુ કારની સમાધીનુ આમંત્રણ કાર્ડ મળ્યું હોય અમે ખાસ જોવા માટે આવ્યા હતા. ગામમાં ધુમાડાબંધ જમણવાર સંજયભાઇ પોલરાએ ગામ આખાના લોકોને પણ આ પ્રસંગે યોજેલા જમણવારમા આમંત્રિત કર્યા હતા. મહેમાનો અને ગામ લોકો મળી 1500 લોકોનો તેમણે જમણવાર કર્યો હતો. કારની સમાધિના સ્થળે વૃક્ષારોપણ કરાશે: પોલરા સંજય પોલરાએ પોતાની વહાલી કારની કાયમી યાદગીરી રહે તે માટે વાડીમાં કારને જે સ્થળે સમાધિ આપવામા આવી છે તે સ્થળે તેના પર વૃક્ષ વાવવાનો પણ નિર્ણય કર્યો છે.