અધિકારીઓ અને બિલ્ડરોની મીલિભગતથી સરકારની કરોડોની જમીન પર ગેરકાયદે બાંધકામનો વધુ એક કિસ્સો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની (ઔડા) હદમાં આવેલ કલોલની ટીપી 3 ખાતેના ફાઈનલ પ્લોટ 205 પર વિકાસ પરવાનગી વગર તેમજ ટીપી કપાતના પ્લોટ 572 પર મળીને કુલ 27 રો હાઉસ બિલ્ડર દિપક પરમાર અને ઓમ પ્રકાશ બોલીવાલે બનાવી કૌભાંડ કર્યું છે. ઔડાના તત્કાલિન અધિકારીની સહી અને બનાવટી સિક્કા મારી ખોટો નક્શો બનાવી બિલ્ડરે ગેરકાયદે રાજદિપ રો-હાઉસ નામની સ્કિમ બનાવી છે. રો હાઉસના વેચાણ દસ્તાવેજ પણ ખોટા નક્શાને આધારે થયાં છે. ગત ઓક્ટોબરમાં ઔડાએ હાઈકોર્ટના 2022ના ઓરલ ઓર્ડરને ટાંકીને ટીપી કપાત સિવાયના પ્લોટ પર બાંધેલાં આવાસોનું બાંધકામ કાયદેસર કરવા જમીનના મૂળ માલિક સહિત રહીશોને જણાવેલ છે. પરંતુ ટીપી કપાતના પ્લોટ પર બિલ્ડરે જે ગેરકાયદે આવાસો બાંધ્યા તે સામે પગલાં ભર્યાં નથી. આરટીઆઈ એક્ટીવિસ્ટ જગદિશ પટેલે કરેલી આરટીઆઈ હેઠળ મળેલા દસ્તાવેજી પૂરાવાથી સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. તેમની અરજીને આધારે જ નક્શા પર ઔડાનો સિક્કો અને અધિકારીની સહી ખોટી હોવાનું પકડાયું છે. ગેરકાયદે બાંઘકામ અટકાવવા ઔડાએ માર્ચ 2017માં રો હાઉસની સ્કીમને સીલ કરી દીધી હતી. પરંતુ બિલ્ડર ઔડાની ઉપરવટ જઈને નવેમ્બર 2017માં જ સીલ તોડીને બાંધકામ શરૂ કરી દીધું હતું. ઔડાએ સિક્યોરીટી બેસાડી હોવા છતાં તત્કાલીન અધિકારીઓની રહેમ નજર હેઠળ રો હાઉસનું બાંધકામ થયું હતું. આજદીન સુધી પોલીસ બંદોબસ્ત પણ મળ્યો નથી. કૌભાંડમાં ઔડાએ પોલીસ ફરિયાદ પણ નથી કરી બિલ્ડર દિપક પરમાર અને ઓમપ્રકાશ બોલીવાલે ખોટા નકશાનો આરોપ એકબીજા પર ઢોળ્યો હતો. દિપકે કહ્યું, હું 10 હજારની નોકરી કરતો હતો જ્યારે બોલીવાલે કહ્યું, દિપક પરમારને જમીન વેચી હતી. 9 રોહાઉસ ગેરકાયદે હોવા છતાં નામ પૂરતું સીલ મરાયું હતું.ઔડાએ આજદીન સુધી પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. ખોટા નકશાને આધારે 3થી 4 કરોડનું કૌભાંડ થયું સરકારી જંત્રી પ્રમાણે દસ્તાવેજમાં 6 લાખ વેચાણ કિંમત છે. માર્કેટ રેટ પ્રમાણે 2018થી 2022 સુધી 12થી 15 લાખમાં આવાસ વેચ્યા હતા. બિલ્ડરે ખોટા નક્શાને આધારે અંદાજે 3થી 4 કરોડનું કૌભાંડ આચર્યું છે. કયાં પગલાં લેવાં તે હજુ સુધી નક્કી નથી ઔડાના એડિશનલ ચીફ ટાઉન પ્લાનર હરપાલ દવેએ કહ્યું, અગાઉના સમયનું કૌભાંડ છે. ટીપી કપાત મુકેલી છે તેના પર ગેરકાયદે બાંધકામ થયું છે. આ કેસ જટીલ છે. બિલ્ડર સામે શું એક્શન લઈશું તે હજું નક્કી નથી.