ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા નીતિન ચૌહાણનું નિધન થયું છે. 35 વર્ષીય અભિનેતાના મૃત્યુના કારણ વિશે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી, જોકે તેના સહ-અભિનેતાએ કહ્યું છે કે અભિનેતાએ આત્મહત્યા કરી છે. નીતિન ચૌહાણ અલીગઢનો રહેવાસી હતો, જે છેલ્લા ઘણા સમયથી મુંબઈમાં રહેતો હતો. નીતિનનું 7 નવેમ્બર ગુરૂવારે અવસાન થયું હતું. તેના પરિવારજનોને જાણ કરવામાં આવી, ત્યારબાદ તેઓ મુંબઈ પહોંચ્યા અને તેના મૃતદેહને અલીગઢ લઈ ગયા. ટીવી એક્ટ્રેસ વિભૂતિ ઠાકુરે નિતિનના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ તેના માટે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું છે કે, તમારી આત્માને શાંતિ મળે. કદાચ તમારામાં દરેક મુશ્કેલીનો સામનો કરવાની તાકાત હોત, કદાચ તમે તમારા શરીરની જેમ માનસિક રીતે મજબૂત હોત. વિભૂતિ ઠાકુરની પોસ્ટ પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નીતિન ચૌહાણે આત્મહત્યા કરી છે, જોકે તેમના મૃત્યુના કારણની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. નીતિન ચૌહાણ રિયાલિટી શો ‘દાદાગીરી 2’ ના વિજેતા બનીને પ્રખ્યાત થયા હતા. વધુમાં, તેણે દૂરદર્શનના ટીવી શો ‘જીંદગી.કોમ’માં અભિનયની શરૂઆત કરી. આ પછી, તે 2012 માં MTV સ્પ્લિટ્સવિલા સીઝન 5 નો ભાગ બન્યો, જેમાં તેણે અલી ગોની અને પારસ છાબરા સાથે ભાગ લીધો. નીતિન અલી ગોનીને હરાવી શોનો રનર અપ હતો જ્યારે પારસ છાબરા વિજેતા બન્યો હતો. નીતિન ચૌહાણને ‘સ્પ્લિટ્સવિલા-5’થી ઘણી લોકપ્રિયતા મળી. આ પછી, તે ‘ક્રાઈમ પેટ્રોલ’, ‘ગુમરાહ’, ‘ફ્રેન્ડ્સ કન્ડિશન એપ્લાય’, ‘સાવધાન ઈન્ડિયા’ જેવા ટીવી શોનો ભાગ હતો. તે છેલ્લે ટીવી શો ‘તેરા યાર હૂં મેં’માં જોવા મળ્યો હતો. રિપોર્ટ્સનું માનીએ તો નીતિન ચૌહાણ જલ્દી જ પોતાનો 36મો જન્મદિવસ ઉજવવાના હતા. જો કે, આના એક અઠવાડિયા પહેલા જ તેનું મૃત્યુ થયું હતું.