દેશ-વિદેશનાં લોકોમાં સિંહનું ખાસ મહત્વ છે. સામાન્ય રીતે લોકો સિંહ જોવા માટે જૂનાગઢ, સાસણ અને ધારી જતા હોય છે, પરંતુ હવે રાજકોટમાં પણ સિંહદર્શન કરી શકાશે. મનપા દ્વારા પ્રદ્યુમન પાર્ક નજીક રૂ. 20 કરોડથી વધુના ખર્ચે ગુજરાતનાં ત્રીજા લાયન સફારી પાર્કનું 85 એકર કરતા વધારે જગ્યામાં નિર્માણ કરવામાં આવી રહ્યું છે. થોડા મહિના અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા આ માટેની મંજૂરી આપી દેવામાં આવી હતી. જેને લઈ મનપા દ્વારા અહીં કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી દોઢ-બે વર્ષ બાદ મુસાફરો જીપમાં બેસીને અહીં સિંહદર્શન કરી શકશે. 85 એકરમાં લાયન સફારી પાર્ક ઊભું કરાશે
મનપાની સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરનાં જણાવ્યા અનુસાર, પ્રદ્યુમન પાર્ક ઝૂની નજીક લાલપરી તળાવ પાસે મનપા દ્વારા એશિયાટિક લાયન સફારી પાર્ક બનાવવા માટે કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માંગવામાં આવી હતી. ગત ડિસેમ્બરમાં આ પરમિશન મળી જતા આ માટે જમીન સંપાદન સહિતની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી પૂર્ણ થતાં હવે અંદાજે 29 હેક્ટર એટલે કે, 85 એકર જેટલી જગ્યામાં લાયન સફારી પાર્ક ઉભું કરવાનો નિર્ણય લેવાયો છે. દેવળીયા-આંબરડી બાદ ગુજરાતનું આ ત્રીજું સફારી પાર્ક બનશે. જેની ફરતે કમ્પાઉન્ડ વોલ અને જાળી બનાવવાના કામનું ખાતમુહૂર્ત પણ થઈ ચૂક્યું છે. ગીરની ઝાંખી થાય તેવું જંગલ ઊભું કરાશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી 18 મહિનામાં આ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવશે. આ જંગલ આયુર્વેદિક વન બનશે, જેમાં 5 મીટર ઉંચી અને 5500 મીટર લાંબી ફેન્સિંગ કરવામાં આવશે. અંદર અને બહાર જવાના અલગ-અલગ ગેઈટ, ઈન્સ્પેક્શન રોડ, સિંહના લોકેશન માટે ઈન્ટર કનેક્ટેડ રોડ વોચ ટાવર, પ્રાણીઓ માટે અલગ-અલગ જગ્યાએ પીવાના પાણીના પોન્ડ અને ગીરની ઝાંખી થાય તે પ્રકારનું જંગલ ઊભું કરવા વૃક્ષારોપણ કરવામાં આવશે. મુલાકાતીઓને આકર્ષક એન્ટ્રન્સ પ્લાઝા, મોટું પાર્કિંગ, ઈલેક્ટ્રિક વાહન સહિતની વ્યવસ્થા, ટિકિટ બુકિંગ ઓફિસ, આરામ કરવા માટેની વિશેષ જગ્યા, ટોયલેટ બ્લોક, બાળકો માટે વિશાળ પાર્ક, ફિલ્ટર પાણીની વ્યવસ્થા, ફૂડ કોર્ટ અને સેલ્ફી પોઈન્ટની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે. રાજકોટવાસીઓને ઘરઆંગણે નવું નઝરાણું મળશે
ગીરના સિંહો આપણી શાન છે, જેથી દેશ-વિદેશમાંથી આવતા લોકો ગીરના સિંહો જોવા માટે આવે છે. ત્યારે દુર-દુરથી આવતા લોકોને સિંહોને જોવા માટે સાસણ કે દેવળિયા પાર્ક જવું નહીં પડે. મહાપાલિકાની દરખાસ્તને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી. જે બાદ તરત જ આ માટે જરૂરી જમીન સંપાદન સહિતની કામગીરી કરવામાં આવી હતી અને હાલમાં કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ શરૂ કરાયું છે. ત્યારે હવે રાજકોટવાસીઓને ઘરઆંગણે જ નવા નઝરાણા રૂપે લાયન સફારી પાર્કની ભેટ મળશે. આ સાથે રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ હોવાથી વિદેશી લોકોને રાજકોટ આવવામાં સરળતા રહેશે. સફારી પાર્ક માટેની જમીન સંપાદનની કામગીરી પૂર્ણ
લાયન સફારી પાર્ક માટે મનપા દ્વારા સરવે નંબર 144, 145, 150 અને 638ની કુલ 29 હેક્ટર જમીન સંપાદિત કરી દીધી છે અને ત્યાં ફેન્સિંગ કરીને અન્ય પ્રાણીઓ ન આવે તેની પણ તકેદારી રાખવામાં આવશે. સાસણ ગીરમાં જે રીતે લોકોને વાહનમાં બેસાડીને વિહરતા સિંહ જોવાનો લહાવો મળે છે, તેવો લહાવો રાજકોટ શહેરમાં 2026ના અંતથી મળશે. સફારી પાર્કમાં સિંહનું એક ગ્રૂપ રાખવામાં આવશે. હાલ ઝૂ અને બ્રિડિંગ સેન્ટર સહિત કુલ 13 સિંહ મનપા પાસે છે. તેમાંથી એક સિંહ અને એક સિંહણ અથવા તો એક સિંહ અને બે સિંહણ ત્યાં મુકાશે. ત્યારબાદ ત્યાં આ સિંહ પોતાની વસ્તી વધારશે. ગીર જેવી જ સિંહો માટે રહેઠાણ વ્યવસ્થા બનાવાશે
લાયન સફારી પાર્ક અને પાસે જ રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂ હોવાથી બંને એકબીજાના મુલાકાતીઓની સંખ્યા વધારશે. માત્ર શહેર અને આસપાસના ગામો જ નહિ પણ પ્રવાસીઓને રાજકોટ શહેરમાં પ્રવાસન માટે નવુ નજરાણું મળશે. લાયન સફારી પાર્કમાં ગીરનાં જંગલ જેવી આબોહવા માટે જરૂરી પગલાં લેવાશે. જેમાં ખાસ ગીરની ઝાંખી થાય તેવા સ્વરૂપનું અને સિંહોના કુદરતી રહેઠાણને સુસંગત જંગલ બનાવવા માટે બાકી રહેલા ભાગમાં વૃક્ષારોપણ કરાશે. આ ઉપરાંત આયુર્વેદિક વન પણ બનાવવામાં આવ્યું છે. જેથી સિંહ દર્શનની સાથે-સાથે આયુર્વેદમાં ઉપયોગી હોય તેવા વૃક્ષો પણ જોવા મળશે. લાયન સફારી પાર્કમાં આવી સુવિધાઓ ઊભી કરશે સફારી પાર્કની કામગીરી 18 મહિનામાં પુરી કરી દેવાશે
ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા લાયન સફારી પાર્ક માટે જમીન સંપાદિત કરી લેવામાં આવી છે. જેમાં હાલમાં કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ લાયન સફારી પાર્કની તમામ કામગીરી આગામી 18 મહિનામાં પુરી કરવામાં આવનાર છે. ત્યારબાદ રંગીલા રાજકોટનાં લોકો તેમજ બહારથી આવતા લોકોને પણ સાસણની જેમ જીપમાં બેસીને સિંહદર્શન કરવાનો લ્હાવો મળશે. ત્યારે પ્રવાસીઓમાં આ લાયન સફારી પાર્ક ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ પાર્કને લઈ પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે આવતા મુલાકાતીઓની સંખ્યામાં પણ મોટો વધારો થવાની શકયતા છે. રાજકોટના સફારી પાર્કમાં મુલાકાતીઓ કેવી રીતે આકર્ષાશે?
આકર્ષક એન્ટ્રી ગેટ
સફારી પાર્કના બહારના ભાગે મુલાકાતીઓના પ્રવેશ માટે આકર્ષક એન્ટ્રન્સ પ્લાઝા બનાવવામાં આવશે. ઇલેક્ટ્રિક વાહન
સિંહદર્શન કરવા ઈચ્છતા મુલાકાતીઓને ઇલેક્ટ્રિક વાહન મારફતે પાર્કમાં ફેરવવામાં આવશે. પાર્કિંગ
મુલાકાતીઓનાં વાહન માટે વિશાળ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવશે. રેસ્ટિંગ શેડ કોમ્પ્લેક્ષ
જો મોટી સંખ્યામાં મુલાકાતીઓનો ધસારો થાય તો લોકો કોઈ એક જગ્યાએ થોડા સમય માટે રોકાઈ શકે એ માટેની સુવિધા ઊભી કરાશે. ચિલ્ડ્રન પ્લે એરિયા
નાનાં બાળકોને આકર્ષે એ માટે સફારી પાર્કના જ એક વિસ્તારમાં રમત-ગમતની વ્યવસ્થા હશે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, ન્યૂ દિલ્હી દ્વારા રાજકોટ પ્રાણીઉદ્યાનને એશિયાઈ સિંહના સંવર્ધન અને ઉછેર માટે ‘પાર્ટીસિપેટિંગ ઝૂ’ તરીકેની માન્યતા આપવામાં આવી હતી. જેના પરિણામે રાજકોટ ઝૂ ખાતે અત્યાર સુધીમાં 50 સિંહબાળનો ઉછેર થઈ ચૂક્યો છે. સિંહના સંવર્ધન તેમજ ઉછેર માટેના આ પ્રયાસમાં વૈજ્ઞાનિક રીતે અને બંધનાવસ્થામાં ચાલી રહ્યા છે. આ માટે આજી ડેમ ખાતે આવેલા જૂના ઝૂને અલગથી જ ‘એશિયાઈ સિંહ સંવર્ધન અને ઉછેર કેન્દ્ર’ તરીકે વિકસાવવામાં આવ્યું છે.