ભારતને તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગુરુવારે રિવ્યુ મિટિંગ યોજી હતી. આ બેઠક 6 કલાક સુધી ચાલી હતી. કેપ્ટન રોહિત શર્મા, હેડ કોચ ગૌતમ ગંભીર, પસંદગી સમિતિના વડા અજીત અગરકર સાથે BCCI સેક્રેટરી જય શાહ અને પ્રમુખ રોજર બિન્ની પણ હાજર હતા. ગંભીરે આ મિટિંગમાં ઓનલાઈન હાજરી આપી હતી. જેમાં મુંબઈ ટેસ્ટ માટે રેન્ક ટર્નર પિચની પસંદગી, જસપ્રીત બુમરાહને આરામ આપવા અને ગૌતમ ગંભીરની કોચિંગ સ્ટાઈલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડે ભારત સામેની ત્રણ મેચની શ્રેણી 3-0થી જીતી લીધી છે. ત્રીજી મેચમાં બુમરાહની ગેરહાજરીથી BCCI ખુશ નથી
રિપોર્ટ અનુસાર, BCCIના અધિકારીઓ એ વાતથી ખુશ ન હતા કે ફાસ્ટ બોલર અને ટીમના વાઇસ કેપ્ટન બુમરાહને ત્રીજી ટેસ્ટ માટે આરામ આપવામાં આવ્યો હતો. મુંબઈના વાનખેડે ખાતે રમાયેલી ત્રીજી મેચમાં બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો. BCCIએ મેચની સવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જસપ્રીત બુમરાહ વાઈરલ તાવમાંથી સંપૂર્ણ સ્વસ્થ થયો નથી અને તે મુંબઈમાં ત્રીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ નથી. બુમરાહે પ્રથમ બે ટેસ્ટ મેચમાં 41 ઓવરમાં 42.33ની એવરેજથી માત્ર ત્રણ વિકેટ લીધી હતી. તેની ગેરહાજરીમાં ભારતે ત્રીજી મેચમાં આઉટ ઓફ ફોર્મ મોહમ્મદ સિરાજ રમ્યો હતો, જે એક પણ વિકેટ લઈ શક્યો ન હતો. રેન્ક ટર્નર પિચની પસંદગી પણ એક મુદ્દો
આ સાથે જ મુંબઈમાં રેન્ક ટર્નર પિચની પસંદગી અંગે પણ ચર્ચા થઈ હતી. પુણેમાં સમાન પિચ પર હાર્યા બાદ ટીમ મુંબઈમાં પણ રેન્ક ટર્નર રમી હતી. અહીં ભારતને 25 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બોર્ડર-ગાવસ્કર શ્રેણીની તૈયારીઓ અંગે પણ ચર્ચા થઈ
BCCIના સેક્રેટરી જય શાહ, રોહિત, ગંભીર અને અગરકર વચ્ચે લગભગ છ કલાક સુધી બેઠક થઈ, એમ એક સૂત્રએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે કિવી ટીમ સામેની ટેસ્ટ સિરીઝમાં મળેલી હારની સમીક્ષા ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં યોજાનારી બોર્ડર-ગાવસ્કર શ્રેણીની તૈયારીને લઈને પણ ઘણી ચર્ચા થઈ હતી.