રાજકોટ નાગરિક બેન્કની હાઇવોલ્ટેજ ચૂંટણીમાં સહકાર પેનલ દ્વારા સંસ્કાર પેનલના સાત ફોર્મ રદ કરવા ફરિયાદ કરાયા બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ બન્ને પક્ષોને સાંભળી બેન્કિંગ એક્ટના નીતિ નિયમો મુજબ આધાર-પુરાવા ધ્યાને લઇ કલ્પક મણિયાર સહિત પાંચ ઉમેદવારના ફોર્મ રદ કર્યા હતા. નાગરિક બેન્કની ચૂંટણીમાં 46માંથી 5 ફોર્મ રદ થતા હવે 41 ઉમેદવાર વચ્ચે 17મીએ ચૂંટણી જંગ ખેલાય તેવા એંધાણ મળી રહ્યા છે. જિલ્લા કલેક્ટરે ફોર્મ રદ કરતા કલ્પક મણિયાર જૂથ દ્વારા આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવાની જાહેરાત કરાઇ છે. રાજકોટ નાગરિક બેન્કના 21 ડિરેક્ટરોની આગામી તા.17મીએ યોજાનાર ચૂંટણી માટે સહકાર અને સંસ્કાર પેનલ દ્વારા કુલ 46 ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. આ ફોર્મની શનિવારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સહકાર પેનલ દ્વારા સંસ્કાર પેનલના કલ્પક મણિયાર સહિત સાત ઉમેદવાર સામે પોતાના અલગ-અલગ વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ વાંધાઓ સંદર્ભે કલેક્ટર દ્વારા અરજદારો પાસે પુરાવા માગવામાં આવ્યા હતા અને જેમના ફોર્મ હતા તેમના વકીલોને પણ સાંભળવામાં આવ્યા હતા તેમજ બેન્કિંગ એક્ટની જોગવાઇ ધ્યાને લીધા બાદ કલ્પક મણિયાર સહિત પાંચ ઉમેદવારોના ફોર્મ રદ કરવા નિર્ણય કરાયો હતો. જેમાંથી ચાર ઉમેદવારો સંસ્કાર પેનલના અને એક ઉમેદવાર સહકાર પેનલના હતા. ફોર્મ રદ કરવા સંદર્ભે સંસ્કાર પેનલના મિહિર મણિયારે જણાવ્યું હતું કે, અમારા ફોર્મ રદ કરવાના કલેક્ટરના નિર્ણયને અમે હાઇકોર્ટમાં પડકારીશું. આ ચૂંટણીમાં કુલ 196 મતદાર છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાજકોટ સહિતના અલગ-અલગ ગામ તથા મહારાષ્ટ્રમાં એક મતદાન મથક ઊભું કરાશે તેમ જિલ્લા કલેક્ટર જોશીએ જણાવ્યું હતું.