સરકારી કચેરીઓ તેમજ વિવિધ ખાનગી કંપનીઓમાંથી પેન્શન મેળવતા પેન્શનરોએ સમયાંતરે તેઓ જીવિત હોવા અંગેનો પૂરાવો આપવાનો હોય છે ત્યારે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા પેન્શનરોને ઘરબેઠા જીવન પ્રમાણ પ્રમાણપત્ર આપવામાં આવશે. પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા તમામ કેન્દ્રીય, રાજ્ય અને ભવિષ્ય નિધિના પેન્શનધારકો માટે ડિજિટલ લાઇફ સર્ટીફિકેટ (જીવન પ્રમાણ) આપવા માટે ઝુંબેશ શરૂ કરાઇ છે, જે તા.30 નવેમ્બર સુધી ચાલુ રહેશે. તમામ વરિષ્ઠ પેન્શનરોને તેમના ઘરઆંગણે ફેસ ઓર્થેન્ટિકેશન ટેકનોલોજી અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રીક દ્વારા જીવન પ્રમાણની સગવડ પૂરી પાડવામાં આવશે. વરિષ્ઠ નાગરીકો ટપાલી મિત્રોનો સંપર્ક કરી કે, નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લઇને આ પ્રમાણપત્ર મેળવી શકશે. આ માટે પેન્શન પેમેન્ટ ઓર્ડર(પીપીઓ) નંબર, આધારકાર્ડ, મોબાઇલ ફોન, એકાઉન્ટ નંબર સાથે લઇ આવવાના રહેશે. પોસ્ટ પેમેન્ટ બેન્કમાં આવતા લોકોને લાઇનમાં ઉભા ન રહેવું પડે તે માટે અલગથી કાઉન્ટર પણ શરૂ કરાયું છે. જો કોઇ પેન્શર વયોવૃધ્ધ હોય અને પહોંચી શકે તેમ ન હોય તો તેવા પન્શનરો ટપાલીનો સંપર્ક કરશે તો આ સેવા તેઓને ઘરબેઠા આપવામાં આવશે.