ભુજ શહેરમાં જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશન બનાવવામાં નગરપાલિકાઅે ઢોરવાડાની સાથે જમીનની પણ બલિ ચડાવી દીધી છે. જે “રઢ ત વઈ પ રસ્સોય વ્યો’ જેવો તાલ સર્જનારા પ્રકરણમાં વધુ અેક ઘટનાક્રમનો ઉમેરો થયો છે, જેમાં ભૂમિ પૂજન સમયે ભુજ નગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેનને બાકાત રખાતા પક્ષમાં નારાજગી સાથે ફરિયાદો થયાની ચર્ચાઅે જોર પકડ્યું છે. પાલિકાઅે 2016/17 દરમિયાન હાઈકોર્ટમાં રજડતા ઢોર પ્રકરણે જાહેરહિતની અરજી બાદ અગ્નિસમન સેવા કેન્દ્રની પાછળ ઢોરવાડો બનાવ્યો હતો, જેમાં ઢોરોને પકડીને રાખવાનું બતાવ્યું હતું. જોકે, છેલ્લા ત્રણેક વર્ષથી ઢોર પકડવાની કામગીરી નામ પૂરતી થઈ હતી. દરમ્યાન ભુજ મધ્યે મોડેલ ફાયર સ્ટેશન બનાવવા નિર્ણય લેવાયો હતો. જમીનની પણ માંગણી કરાઈ હતી. પરંતુ, જમીન ફાળવણીમાં જવાબદાર સરકારી તંત્રોઅે ખોખોની રમત કરતા છેવટે પાલિકાઅે ઢોરવાડાની જગ્યાઅે મોડેલ ફાયર સ્ટેશન બનાવવાનો નિર્ણય લીધો હતો, જેમાં ભૂમિ પૂજનના છતે મુહૂર્તે ચોઘડિયા ગોઠવવામાં અહંકાર અને હુંકારનો વિકાર નડતો હોવાનું ચર્ચાયું હતું. છેલ્લે લાભ પાંચમે ભુજ ધારાસભ્ય અને નગર અધ્યક્ષાના હસ્તે ખાત મુહૂર્ત કરાયું હતું. પરંતુ, ભવિષ્યમાં મોડેલ ફાયર સ્ટેશન ગાંધીનગર સ્થિત ફાયર કન્ટ્રોલની હેડ અોફિસના તાબામાં અાવી જવાનો હોવાથી જમીન ખોવાની નોબત અાવી છે. બીજી બાજુ ભૂમિ પૂજન સમયે બાંધકામ સમિતિના ચેરમેનને બાકાત રખાતા પક્ષમાં ભારે નારાજગી સાથે ફરિયાદ થયાની ચર્ચાઅે જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે, શહેરના વિકાસમાં પદાધિકારીઅો નિર્ણય લઈ નથી શકતા અને અેમાં ભુજ શહેર ભાજપની દખલગીરી વધી ગયાની ચર્ચાએ જોર પકડ્યું છે. ભૂમિ પૂજનમાં પણ શહેર ભાજપના જ હોદ્દેદારોની સંખ્યા વધુ હતી. કોંગ્રેસના નગરસેવકોને કાર્યક્રમોમાં બાકાત રખાતા હોવાથી તેઅો પણ અે મુદ્દે વાંધો લઈ રહ્યા છે.