પોરબંદર જિલ્લામાં સવારે શિયાળાના પગરવ મંડાતા હોય તેમ ઝાકળવર્ષા થઇ રહી છે અને બપોરના સમયે મહતમ તાપમાન 36 ડિગ્રીને પાર થઇ જતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા હતા. પોરબંદરમાં દિવાળીના તહેવારોના પતી ગયા પછી પણ ગરમી ઓછી થવાનું નામ લેતી નથી. હવે શિયાળાની શરૂઆત થવી જોઇએ પરંતુ ગરમીએ છેડો ન મૂકતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરના સમયે જોરદાર તડકો પડતા લોકો ગરમીમાં તોબા પોકારી ગયા હતા. પોરબંદરમાં ગઇકાલના મહતમ તાપમાન 36.5 ડિગ્રી સેલ્સીયશમાં સામાન્ય ઘટાડો નોંધાતા આજનું મહતમ તાપમાન 36.3 ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું જયારે કે ગઇકાલના લઘુતમ તાપમાન 21.6 ડિગ્રી સેલ્શીયસમાં ઘટાડો નોંધાતા આજનું લઘુતમ તાપમાન 21.4 ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતુ.