યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકા (USA)ના રાષ્ટ્રપતિની ચૂંટણી ડોનાલ્ડ ટ્રમ્પે બહુમતી સાથે જીતી લીધી છે. હવે તેઓ ઐતિહાસિક જીત બાદ સરકાર બનાવી રહ્યા છે. ત્યારે બિઝનેસ માઈન્ડેડ ટ્રમ્પ ફરી ત્યાંના લોકોનું વિચારીને નિર્ણય કરશે. ઉપરાંત વૈશ્ચિક સ્તરે યુદ્ધનો માહોલ છે તેમાં યુદ્ધને ટાળવાના પ્રયાસ કરશે. જેથી ભારતમાં અને તેમાં પણ સુરતના ડાયમંડ ઈન્ડસ્ટ્રીને હીરામાં ચમક જોવા મળશે તેવો આશાવાદ બંધાયો છે. કેમ કે, હીરા ઉદ્યોગ સંપૂર્ણ રીતે વિદેશ પર આધારિત છે. તે ભારત સરકારને વિદેશી હુંડિયામણ રળી આપે છે. તેમાંનો એક ઉદ્યોગ ડાયમંડ ઈન્ડસ્ટ્રી છે. દેશની વિદેશનીતિ ઉપર આ ઉદ્યોગ ખૂબ આધારિત રહે છે. દેશ આજે મેકિંગ ઇન્ડિયા તરફ સૌથી વધુ વિચારી રહી છે, ત્યારે વધુમાં વધુ મેન્યુફેક્ચરિંગ દેશમાં થાય અને વિદેશમાં તેનો એક્સપોર્ટ કરવામાં આવે, તે પ્રકારની નીતિ ઘડવામાં આવતી હોય છે. જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને સૌથી અગ્રીમ સ્થાને મૂકવામાં આવે છે. હીરા ઉદ્યોગને મંદીમાંથી બહાર આવવાની આશા
ડાયમંડ ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીના માહોલમાં જોવા મળી રહ્યો છે. હીરાની ચળકાટ જાણે ઓછી થઈ ગઈ હોય તેવું જણાય છે. હીરા ઉદ્યોગમાં આવેલી મંદી પાછળના અને કારણો જવાબદાર છે. જે પૈકી જો બાઈડન સરકારની ઉદ્યોગોને લઈને જે નીતિ હતી. તેની પણ અસર હીરા ઉદ્યોગો પર થઈ હતી. તેમજ વૈશ્વિક સ્તર ઉપર જે રીતે કોરોના અને ત્યારબાદ યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, તેના કારણે લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. યુદ્ધ જેવી સ્થિતિ હોવાને કારણે ઘણા બધા દેશોની વચ્ચે આર્થિક યુદ્ધ પણ શરૂ થયું હતું અને તેની અસર તેમની નીતિઓ ઉપર દેખાતી હતી. અમેરિકામાં સત્તા પરિવર્તન થયા બાદ હવે હીરા ઉદ્યોગને આશા જાગી છે કે, આવનાર દિવસોમાં હીરા ઉદ્યોગમાં નવો વેગ આવશે. ડાયમંડ ઉદ્યોગનો સૌથી મોટું માર્કેટ અમેરિકા અને ચીન
સુરતના હીરા ઉદ્યોગ માટે સૌથી મહત્વના બે દેશો છે. આજે સુરતથી જેટલી પણ જ્વેલરી તૈયાર થાય છે, તે પૈકીની 80 ટકા જ્વેલરી માત્ર અમેરિકા અને ચીનમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. અમેરિકામાં તેનો હિસ્સો 60% કરતાં પણ વધારે છે. જેથી આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે, સુરતના જ્વેલરી અને ડાયમંડ ઉદ્યોગ માટે અમેરિકા સૌથી મહત્વનો દેશ છે. અમેરિકાની અંદર જ્યારે પણ કોઈ રાજકીય ઉથલપાથલ કે મંદીનો માહોલ સર્જાતો હોય છે. ત્યારે તેની સીધી અસર ડાયમંડ ઉદ્યોગ ઉપર થાય છે. હાલ જે રીતે અમેરિકાની અંદર સત્તા પરિવર્તન થયું છે. તેના કારણે હીરા ઉદ્યોગમાં એક પ્રકારની નવી આશા જાગી છે. એક્સપોર્ટનો લક્ષ્યાંક હાંસલ કરી શકીશું
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, સરકાર દર વખતે એક્સપોર્ટ માટેનો લક્ષ્યાંક આપતી હોય છે. જેને હાંસલ કરવા માટે સુરતના હીરા ઉદ્યોગકારો પ્રયાસ કરે છે. સરકાર દ્વારા એક વર્ષ માટે 40થી 42 બિલિયન એક્સપોર્ટનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જે માત્ર 30થી 32 ટકા જેટલો જ આપણે આ વર્ષે હાંસલ કરી શક્યા હતા. જેની પાછળ અનેક કારણો જવાબદાર છે. પરંતુ 2027 સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા જે એક્સપોર્ટ માટેનો 75 બિલિયનનો જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે તે હાંસલ થશે તેવી આશા બંધાય છે. કારણ કે રાષ્ટ્રપતિ પદ ઉપર આવતાની સાથે તેમણે ઉદ્યોગ અને વેગ આપવા માટેના નિર્ણયો લેવાના શરૂ કર્યા છે. તેમજ ટ્રમ્પ સરકાર દ્વારા તેમની પ્રજાને જે પ્રકારે તેમના એજન્ડા વિશેની વાત કરી હતી, તેમાં ઇન્ડસ્ટ્રીને વેગ આપવા માટે તેમને સૌથી વધારે પ્રાથમિકતા આપવાની વાત કરી હતી. જેથી કરીને હવે તેઓ જે વાયદા ચૂંટણી પ્રચાર દરમિયાન કરી ચૂક્યા છે, તે મુજબ જો કામ કરશે તો સ્વાભાવિક રીતે જ ભારત દેશને વેપાર ધંધામાં ખૂબ મોટો લાભ થવાની શક્યતા છે. કારણ કે આપણી અમેરિકા સાથેની જે વિદેશ નીતિ છે, તે ખૂબ સારી છે અને ઉદ્યોગ અને વેગ મળે તે પ્રકારની છે. સ્થાનિકો પણ માનતા હતા કે ઔદ્યોગિક નીતિને વેગ મળશે
સુરતના જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના પ્રમુખ જયંતિ સાવલિયાએ જણાવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પને લોકો બિઝનેસ માઈન્ડેડ પર્સન તરીકે ઓળખે છે. તેઓ હંમેશા ઉદ્યોગને વેગ આપવા માટેની વાતો કરતા હોય છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. તે દરમિયાન તેમણે પોતાના દેશના વિકાસ માટે આર્થિક નીતિને ખૂબ સારી રીતે આગળ લઈ જવાના નિર્ણય કર્યા હતા અને તેની અસર પણ દેખાઈ હતી, જેને કારણે અમેરિકા આર્થિક રીતે મજબૂત સ્થિતિમાં મુકાઈ ગયું હતું. હવે ફરી એક વખત તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે, ત્યારે ત્યાંના સ્થાનિક લોકોને પણ એવું લાગે છે કે, ઉદ્યોગોને આગળ વધવા માટેની નવી તકો ઉભી થશે. જ્યારે અમેરિકામાં ચૂંટણીનો માહોલ હતો. ત્યારે હું પોતે પણ અમેરિકા ગયો હતો અને ત્યારે સ્થાનિક લોકો અને ખાસ કરીને ઉદ્યોગપતિઓ સાથે જે વાત કરી હતી. તે મુજબ તેઓ પણ માનતા હતા કે, ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં આવ્યા બાદ ઉદ્યોગ નીતિમાં ચોક્કસ ફેરફાર થશે અને હાલ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ બહુમતીથી સરકાર બનાવી રહ્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે આગામી દિવસોમાં તેની સારી અસર દેખાશે અને સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને પણ ખૂબ મોટો લાભ મળશે.