સિદ્ધપુર સરસ્વતી નદી ભરાતા કાત્યોકના મેળામાં લોકો ધાર્મિક વિધિ માટે આવતા હોય છે. ત્યારે આ વર્ષે મેળો શરૂ થાય તે પહેલાં હજારોની સંખ્યામાં યાત્રિકો ધાર્મિક વિધિ કરવા માટે ઉમટ્યા હતા. જેને લઈ એક તરફ મેળાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે બીજી તરફ ઉત્તર ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ કરવા માટે ઉમટી પડ્યા હતા. સિદ્ધપુર સરસ્વતી નદીમાં દરવર્ષે કારતક માસમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ધાર્મિક વિધિ કરવા માટે આવતા હોય છે. ત્યારે આ વર્ષે તા.14 નવેમ્બરથી તા.20 નવેમ્બર દરમિયાન કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાશે. જોકે આ વર્ષે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો ટ્રેન્ડ બદલાયો હોય તેવું જોવા મળી રહ્યું છે. જેમાં કાત્યોકનો મેળો શરૂ થાય તે અગાઉ જ બનાસકાંઠા સહિતના ઉત્તર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં લોકો સરસ્વતી નદીમાં તર્પણ વિધિ કરવા માટે ઉમટી રહ્યા છે. જેમાં તર્પણ વિધિ કરવા આવતા યાત્રિકોએ જણાવ્યું હતું કે મેળા દરમિયાન ટ્રાફિક અને ભીડ વધુ રહેતી હોય છે જેને લઈ હેરાન-પરેશાન ન થવું પડે તે માટે જ અત્યારથી ધાર્મિક વિધિ કરવા માટે આવવું પડે છે. માતૃગયા તીર્થ સિદ્ધપુર ખાતે કારતક માસમાં લોકો દૂર દૂરથી પોતાના સ્વજનોના મોક્ષ માટે સરામણ વિધિ કરાવવા માટે આવતા હોય છે ત્યારે કારતક સુદ સાતમથી સવારથી લોકોનો ધસારો શરુ થયો છે. દર વર્ષે દરરોજ અંદાજે 5 હજારથી વધુ લોકો તર્પણ માટે આવે છે. યજમાન બ્રાહ્મણો માધુપાવડીયા ઘાટે મંડપ નીચે વિધી કરાવતા જોવા મળી રહયા છે. કાર્તિકી પૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં લોકો સરામણ વિધિ કરાવવા માટે આવશે. પરંતુ કારતક માસ શરૂ થતાં પ્રથમ સપ્તાહથી લોકો સરામણ વિધિ માટે આવવા શરૂ થયા હતા. જેમાં ગૌર મંડળના બ્રાહ્મણો દ્વારા વિધિપૂર્વક સરામણની વિધિ કરવામાં આવી રહી હોઈ નદી પટ આધ્યાત્મિક જણાઈ રહ્યો છે.