હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓનું મહત્તમ તાપમાન યથાવત રહેવાની શક્યતાઓ છે, પરંતુ લઘુત્તમ તાપમાન છેલ્લા બે દિવસમાં વિવિધ જિલ્લાઓમાં 1 ડિગ્રી જેટલું ઘટ્યું છે. હજુ પણ આગામી પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધુ એક ડિગ્રી ઘટવાની સંભાવના છે. જેથી ગુજરાતીઓને રાત્રે ઠંડકનો અનુભવ થશે. પરંતુ હજુ પણ આગામી પાંચ દિવસ ગુજરાતીઓને દિવસ દરમિયાન ગરમી અનુભવાશે. જેથી દિવસ અને રાત્રિના તાપમાનમાં વધારે ફેરફાર હોવાથી દિવસે અકળામણનો પણ અનુભવ થઈ શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં આ સ્થિતિ હજુ પણ આગામી પાંચ દિવસ દરમિયાન અનુભવાશે. પાંચ દિવસ બાદ ઠંડીનું પ્રમાણ પણ વધશે
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ નવેમ્બર મહિનાના પ્રથમ પખવાડિયામાં ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાય તેની શક્યતા ખૂબ જ ઓછા પ્રમાણમાં હતી. જે મુજબ હજુ પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અત્યંત ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અને નવેમ્બર મહિનામાં શિયાળાની શરૂઆત થાય તેવી અસર વર્તાઈ રહી નથી, પરંતુ હવે ધીમે ધીમે આગામી પાંચ દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો આવવાની સાથે ઠંડીનું પ્રમાણ પણ વધશે તેવી શક્યતાઓ છે. હજુ પણ ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યું છે જેથી દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે. ગાંધીનગર જિલ્લામાં સૌથી વધુ ઠંડીની અસર વર્તાઈ
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યભરમાં 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે રાજકોટ શહેરમાં સૌથી વધુ ગરમીનો અનુભવ થયો હતો. જ્યારે 18.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે ગાંધીનગર જિલ્લામાં સૌથી વધુ ઠંડીની અસર વર્તાઈ હતી. અમદાવાદ શહેરમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન સામાન્ય કરતાં બે ડિગ્રી સેલ્સિયસ વધુ રહીને 36.2 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગત 8 નવેમ્બરની સરખામણીએ છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો થઈને 21 ડિગ્રી સેલ્સિયસ અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. પરંતુ હજુ પણ આ 21 ડિગ્રી સેલ્સિયસ સામાન્ય કરતા 2.9 ડિગ્રી સેલ્સિયસ વધુ છે.