એક દિવસ બાદ જુનાગઢ ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવાની છે ત્યારે જુનાગઢ એસટી વિભાગ અને રેલ વિભાગ દ્વારા વધારાની બસ અને ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેમાં જુનાગઢ એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ માટે 172 થી વધુ બસો અને રેલવે વિભાગ દ્વારા ત્રણ વધારાની ટ્રેન યાત્રાળુ માટે શરૂ કરવામાં આવી છે. ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા યાત્રિકોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે વેરાવળ- ગાંધીગ્રામ (અમદાવાદ) અને રાજકોટ- જૂનાગઢ- રાજકોટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનોમાં 1) વેરાવળ- ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન નંબર 09556 વેરાવળથી 21.20 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 8.00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે. આ ટ્રેન માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંકશન, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેનના જનરલ કોચ અને એસએલઆરડી અનરિઝર્વ્ડ કોચ હશે, જેની ટિકિટ યુટીએસ કાઉન્ટર પરથી મળશે અને આ કોચમાં સુપરફાસ્ટ મેલ/એક્સપ્રેસનું ભાડું વસૂલવામાં આવશે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ આજથી દરરોજ 18.11.2024 સુધી ચાલશે. ટ્રેન નંબર 09555 ગાંધીગ્રામ (અમદાવાદ)- વેરાવળ વિશેષ ટ્રેન ગાંધીગ્રામ (અમદાવાદ)થી સવારે 10.10 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સાંજે 17.40 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન રૂટમાં સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ધસા, લાઠી, ચિતલ, વડીયા દેવળી, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળીયા હાટીના સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ પણ હશે. આ ટ્રેનમાં જનરલ કોચ અનરિઝર્વ્ડ હશે. રાજકોટ- જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન નંબર 09579 રાજકોટ સ્ટેશનથી સવારે 10.55 કલાકે ઉપડશે અને બપોરે 13.00 કલાકે જૂનાગઢ પહોંચશે. એ જ રીતે, બદલામાં, ટ્રેન નંબર 09580 જૂનાગઢ- રાજકોટ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી 13.40 કલાકે ઉપડશે અને 17.05 કલાકે રાજકોટ પહોંચશે. ઉપરોક્ત બંને ટ્રેનો બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશન પર ઉભી રહેશે. નોંધનીય છે કે ઉપરોક્ત બંને ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ ટ્રેનો તરીકે આજથી તા. 18.11.2024 સુધી દરરોજ દોડશે. ટ્રેન નંબર 09556 અને 09555 માટે ટિકિટ બુકિંગ પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને આઇઆરસીટીસી વેબસાઇટ પર ચાલુ છે.ત્યારે 11 નવેમ્બરથી મીટરગેજ સેક્શનમાં અમરેલી-જૂનાગઢ વચ્ચે પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવશે.જૂનાગઢમાં 12 નવેમ્બર, 2024 થી યોજાનાર પરિક્રમા મેળા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ડિવિઝનના મુસાફરોની સુવિધા માટે 11.11.2024 થી 17.11.2024 સુધી મીટરગેજ સેક્શનમાં અમરેલી અને જૂનાગઢ વચ્ચે અમરેલી-જૂનાગઢ-અમરેલી “પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન” શરૂ કરવામાં આવશે.અમરેલીથી જૂનાગઢ જતી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન અમરેલીથી સવારે 09:00 કલાકે ઉપડશે અને બપોરે 12:40 કલાકે જૂનાગઢ પહોંચશે. તેવી જ રીતે જૂનાગઢથી અમરેલી જતી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી 15.30 કલાકે ઉપડશે અને 19.30 કલાકે અમરેલી પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં તોરણીયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર, જેતલવડ, ભાડેર, ધારી, ચલાલા અને અમરેલી પરા સ્ટેશન પર ઉભી રહેશે. એસટી વિભાગના નિયામક એમ.બી રાવલે જણાવ્યું હતું કે આજે એસ.ટી બસ સ્ટેશનથી તરફથી જુનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ બસ સ્ટેશન તેમજ ગુજરાત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં વધારાની બસો શરૂ કરવામાં આવી છે. આગામી 12 નવેમ્બરના રોજ લીલી પરિક્રમા શરૂ થઈ રહી છે ત્યારે હાલમાં જ યાત્રાળુ ની આવક શરૂ થઈ છે. જેને ધ્યાને લઈ પરિક્રમામાં આવતા યાત્રાળુઓને અગવડતા ન પડે તે માટે જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ જવા માટે 60 બસ, તેમજ જુનાગઢથી ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓ માટે 172 બસ મળી કુલ 200 એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે. જુનાગઢ પરિક્રમા આવતા પરિક્રમાથીઓને પ્રાઇવેટ વાહનો દ્વારા વધારાનું ભાડું લઈ ખોટી રીતે લૂંટવામાં ન આવે તે બાબતનું ધ્યાન રાખી એસટી વિભાગ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. જુનાગઢ એસટી વિભાગ દ્વારા યાત્રાળુઓને વધુમાં વધુ સારી સુવિધા મળી રહે અને સ્વચ્છ બસ સાથે સલામત મુસાફરી મળી રહે તેવા પ્રયત્નો સાથે આ એક્સ્ટ્રા બસ મૂકવામાં આવી છે. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 12 તારીખથી શરૂ થતી જૂનાગઢની લીલી પરિક્રમા માં આવતા યાત્રાળુઓની સલામતી અને સગવડતાને ધ્યાને લઈ એસટી વિભાગ દ્વારા વધુ બસો મૂકવામાં આવી છે. જેમાં એસટી વિભાગ દ્વારા ગુજરાત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં 172 થી વધુ બસો શરૂ કરવામાં આવી છે. તેમજ જુનાગઢ બસ સ્ટેશન થી ભવનાથ જવા માટે પણ 60 બસ શરૂ કરવામાં આવી છે.