ડીપફેક અને એઆઈ આધારિત છેતરપિંડીની ઘટનાઓમાં હાલનાં વર્ષોમાં આશ્ચર્યજનક રીતે વધારો થયો છે. સિગ્નિકેટ અને કન્સલ્ટ હાઇપરિયનના રિપોર્ટ અનુસાર વીતેલાં 3 વર્ષમાં એઆઈ અને ડીપફેકના કારણે થયેલા ફ્રોડમાં 2137%નો વધારો થયો છે. વધતા આ જોખમને પહોંચી વળવા રિયાલિટી ડિફેન્ડર નામના સ્ટાર્ટઅપે એક નવું એઆઈ ટૂલ વિકસાવ્યું છે. આ ટૂલ રિયલ-ટાઈમમાં વીડિયો કોલ્સ દરમિયાન નકલી ચહેરાને ઓળખી શકે છે. કંપનીના પ્રોડક્ટ મેનેજર ક્રિસ્ટોફર રેને એક વીડિયો કોલ પર ઇલોન મસ્કના ડીપફેક ચહેરાનો ઉપયોગ કરી આ ટૂલની ક્ષમતાને દર્શાવી છે. જેમાં એઆઈ ટૂલે દરેક ફ્રેમને સ્કેન કરી કોલ દરમિયાન એલર્ટ આપ્યું કે આ ફેક કોલ છે. વહેલીતકે આ ટૂલ માર્કેટમાં જોવા મળશે. આ ટૂલ આવ્યા પછી ફેક કોલથી છેતરવું સરળ નહીં રહે. એઆઈની મદદથી જ એઆઈ સામે જંગ: કોલમેનનું કહેવું છે કે આપણે એઆઈના વિકાસની વિરુદ્ધમાં નથી. અમે માનીએ છીએ કે એઆઈનો ઉપયોગ લોકોના જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે છે, પછી ભલે તે ચિકિત્સા હોય કે પ્રોડક્ટિવિટી. અમારો હેતુ એઆઈના કારણે ઉદ્ભવતાં જોખમોને પહોંચી વળવાનો છે. હાલમાં, અમારો પ્રોજેક્ટ એઆઈની મદદથી સરકાર અને કોર્પોરેટ માટે ડીપફેકનાં જોખમને પહોંચી વળવા કામ કરે છે. કંપનીનું કહેવું છે કે સચોટતા વધ્યા પછી આવનારા સમયમાં આ ટૂલ સામાન્ય માણસ માટે ઉપલબ્ધ હશે. એઆઈની આ નવી ટેક્નિક કઈ રીતે કામ કરે છે?
આ ટૂલ ફેક વીડિયો કોલને જાણવા માટે એઆઈની મદદ લે છે. ટૂલ ચહેરાનું પરિવર્તન, જેમ કે ત્વચાની બનાવટ, હાવ-ભાવ અને અન્ય પાસાંઓને તપાસે છે. જેમ કે ટૂલને કોઈ પણ પ્રકારની અસામાન્યતા દેખાય છે તો તે સ્ક્રીન પર એક એલર્ટ મોકલી દે છે.