ઉત્તર ભારતના મુખ્ય રાજ્યો પંજાબ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ધુમ્મસ છવાયું છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ એજન્સી AQI.in અનુસાર, બપોરે 12 વાગ્યા સુધી, દિલ્હી, ગાઝિયાબાદ, નોઈડા અને ફરીદાબાદમાં AQI 400 પાર નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બુધવારે સવારે 8.30 વાગ્યા સુધી અમૃતસરમાં વિઝિબિલિટી માત્ર 50 મીટર હતી. હલવારા (લુધિયાણા)માં 100 મીટર, સરસાવન (સહારનપુર)માં 250 મીટર, અંબાલામાં 300 મીટર અને ચંદીગઢમાં 400 મીટર વિઝિબિલિટી હતી. પંજાબના આદમપુર, ઉત્તર પ્રદેશના બરેલી અને દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર શૂન્ય વિઝિબિલિટી નોંધાઈ હતી. જેના કારણે દિલ્હીથી જયપુરની 7 અને લખનૌની એક ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રદૂષણ અને ધુમ્મસનું આ સ્તર પાકિસ્તાનના લાહોરથી ઉત્તર ભારતમાં પહોંચ્યું છે. સ્વિસ એર ક્વોલિટી ટેક્નોલોજી કંપની IQAir અનુસાર, 12 નવેમ્બરે લાહોર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર હતું. મંગળવારે બપોરે લાહોરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 429 હતો, જ્યારે એક વિસ્તારમાં રીઅલ-ટાઇમ AQI રીડિંગ 720 નોંધાયો હતો. નાસા દ્વારા લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરોમાં, ગાઢ, ઝેરી ધુમાડાના વાદળો જેણે લાહોર, પાકિસ્તાનને ઘેરી લીધું છે તે હવે અવકાશમાંથી પણ દેખાય છે. લાહોરનું ધુમ્મસ કુદરતી નથી, પ્રદૂષણને કારણે છે સમાચાર એજન્સી ANI મુજબ નિષ્ણાતોનું કહેવું છે કે લાહોરમાં ગંભીર પ્રદૂષણને મોસમી ગણી શકાય નહીં, કારણ કે ખતરનાક ધુમ્મસ ઉનાળાના મહિનાઓમાં પણ રહે છે. આ ધુમ્મસ પદ્ધતિસરના પર્યાવરણીય ગેરવહીવટ તરફ નિર્દેશ કરે છે. આ સંકટ માત્ર પરાલી સળગાવવાને કારણે જ નહીં પરંતુ વાહનોનો ધુમાડો, ઈન્ડસ્ટ્રીઝ, પર્યાવરણીય જાળવણીમાં બેદરકારીને કારણે પણ ઊભી થઈ છે. છેલ્લા 24 કલાકમાં તમિલનાડુમાં ભારે વરસાદ ઉત્તર ભારતથી વિપરીત, દક્ષિણમાં ભારે વરસાદને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. છેલ્લા 24 કલાકમાં તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદ નોંધાયો હતો. તમિલનાડુના ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, કુડ્ડલોર, મયિલાદુથુરાઈ, નાગાપટ્ટિનમ, તંજાવુર, તિરુવરુર, પુડુક્કોટ્ટાઈ, રામનાથપુરમ, વિલ્લુપુરમ અને પુડુચેરીમાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ધુમ્મસ અને વરસાદની તસવીરો… રાજ્યોમાં હવામાનની સ્થિતિ… પંજાબ: ચંદીગઢમાં AQI 370 પર પહોંચ્યો, 15 સુધી ગાઢ ધુમ્મસનું યલો એલર્ટ ચંદીગઢ અને પંજાબના મોટાભાગના શહેરોમાં ધુમ્મસ છવાયેલું છે. ચંદીગઢની હવા સંપૂર્ણપણે પ્રદૂષિત છે. ચંદીગઢનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 375ને પાર કરી ગયો છે. આનો સીધો અર્થ એ થયો કે અહીં શ્વાસ લેવો એ રોજની વીસ સિગારેટ પીવા સમાન છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે. રાજસ્થાન: 17 નવેમ્બરથી ઠંડી વધશે, માઉન્ટ આબુમાં રાત્રિનું તાપમાન 10 ડિગ્રીએ પહોંચ્યું જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હળવી હિમવર્ષાની અસર હવે મેદાનીય રાજ્યોમાં જોવા મળી રહી છે. રાજસ્થાનમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં પણ 3 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં રાત્રિનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. હનુમાનગઢ-ગંગાનગરમાં દિવસનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. હરિયાણા: ધુમ્મસને કારણે 2 દિવસ સુધી વિઝિબિલિટી 50 મીટર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાને કારણે હરિયાણામાં હવામાન બદલાયું છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓ ગાઢ ધુમ્મસની ઝપેટમાં છે. વિઝિબિલિટી પણ ઘટીને 50 મીટર થઈ ગઈ છે. તેને જોતા હવામાન વિભાગે 2 દિવસ માટે ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે. ફૂંકાતા પવનને કારણે ઠંડીમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં અંબાલાના દિવસો સૌથી ઠંડા રહ્યા અને હિસારની રાત સૌથી ઠંડી રહી હતી.