જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત્ પ્રારંભ ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી થયો છે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભાવિકોએ વહેલા આવી પહોંચ્યા હતા. પરિણામે સોમવારની સવારે જ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગે વહેલી પરિક્રમા કરવા માટે ઇંટવા ગેટને ખુલ્લો મૂક્યો હતો. બાદમાં જય ગિરનારીના નાદ સાથે ભાવિકોએ લીલી પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. તારીખ 11 અને 12 એમ 2 દિવસમાં પરિક્રમાના અલગ અલગ રૂટ પર 9 આધેડ વયના લોકોનાં હાર્ટ-એટેકથી મોત થયાં હોવાનું સામે આવ્યું છે. 9 મૃતક આધેડ વયના પુરુષો
છાતીમાં થતો અસહ્ય દુખાવો આ પરિક્રમાર્થીઓ માટે જીવલેણ સાબિત થયો છે. મૃત્યુ પામનારા નવેય પરિક્રમાર્થીઓ આધેડ વયના પુરુષો છે. માત્ર બે દિવસમાં નવ પરિક્રમાર્થીનાં મોતની ઘટના સંભવત: પ્રથમ વખત બની હોવાનું ચર્ચાઇ રહ્યું છે. મૃત્યુ પામેલા નવમાંથી આઠ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ સિવિલ અને એકને ભેંસાણ સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો. 8 મૃતદેહ જૂનાગઢ અને 1 ભેંસાણ સિવિલમાં
આ મામલે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે પરિક્રમા દરમિયાન હૃદયરોગના કારણે આઠ લોકોનાં મૃત્યુ થયાં હતાં, તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને એકને ભેંસાણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. એક દિવસમાં પરિક્રમાનો આગ્રહ ન રાખો: જિલ્લા કલેક્ટર
પરિક્રમાર્થીઓને અપીલ કરતાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે ગિરનારની લીલી પરિક્રમામાં લોકો એક જ દિવસમાં વહેલી પૂર્ણ થાય એવા ભાવ સાથે એકસાથે ચાલે છે. એના કારણે હાર્ટ-એટેક, ચક્કર આવવાના બનાવો બની શકે છે. જે ન બને એ માટે લોકોએ ધીરે-ધીરે આરામ લઇને ચાલવું તેમજ જો શરીરમાં આવું કંઇ લાગે તો તાત્કાલિક આરોગ્ય ટીમનો સંપર્ક કરવો જોઇએ. આરોગ્યકર્મીઓને પણ આ બાબતે અવેરનેસ ફેલાવવા સૂચન કરવામાં આવ્યું છે. મૃતકોનાં નામની યાદી આ વર્ષે યાત્રાળુઓ માટે ખાસ વીજળીની વ્યવસ્થા કરાઈ
જૂનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમામાં આ વર્ષે યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં લઇ લાઈટની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે, જેમાં કઠિન ચઢાણ ગણાતી નળપાણીની ઘોડી ખાતે, જટાશંકર-ગિરનાર જૂની સીડી અને ઇંટવા ઘોડી ચડતા-ઊતરતા વિસ્તારમાં પણ પ્રથમવાર ડીઝલ જનરેટર દ્વારા લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ, જંગલ વિસ્તારમાં પણ યાત્રિકોને લાઈટ ઉપલબ્ધ થાય એ માટે આયોજનપૂર્વક વ્યવસ્થા કરવામાં આવી છે. પરિક્રમા રૂટ પર રાત્રિના સમયે અવિરત વીજપુરવઠો જળવાઈ રહે એ માટે પીજીવીસીએલના કર્મચારીઓ, એન્જિનિયર સાથેનો ટેક્નિકલ સ્ટાફ રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવી રહ્યો છે.