સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં અર્ધનગ્ન યુવકે હાથમાં ચપ્પુ લઈને ધમાલ મચાવી હતી. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળે દોડી આવી હતી અને યુવકને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જેમાં યુવકે પોલીસ પર હુમલો કરી દંડો છીનવી લીધો હતો. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ ઉભો થયો હતો. અડધી કલાક સુધી યુવકે પોલીસને દોડાવી હતી. હાજર લોકો અને પોલીસે મહામુસીબતે યુવકને પકડી જહાંગીરપુરા પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. અડધો કલાક સુધી પોલીસને દોડાવી
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સારોલી બ્રિજ પાસે અર્ધનગ્ન અવસ્થામાં એક યુવકે હાથમાં ચપ્પુ લઈને ધમાલ મચાવી હતી. સ્થાનિકો દ્વારા જહાંગીરપુરા પોલીસને જાણ કરાતા ઘટનાસ્થળ ઉપર પહોંચી યુવકને હાથમાં ચપ્પુ સાથે જોયો હતો. યુવકને પોલીસ કોન્સ્ટેબલ જ્યારે સમજાવવા માટે તેના નજીક ગયા ત્યારે પોલીસના હાથમાંથી તેણે એકાએક જ દંડો છીનવી લીધો હતો અને દૂર નાસી ગયો હતો. ત્યારબાદ તે પોલીસનો દંડો અને ચપ્પુ હાથમાં લઈને સતત અલગ જ પ્રકારની વાતો કરતો રહ્યો હતો. પોલીસ સમજાવતી રહી હતી, પરંતુ તે પોલીસ પાસે આવતો ન હતો. અડધો કલાક સુધી પોલીસને સતત મથાવતો રહ્યો હતો. પોલીસે સુજબુજ દાખવી પકડી પાડ્યો
યુવકને પોલીસ કર્મચારીઓ દ્વારા વારંવાર સમજાવવામાં આવી રહ્યો હતો, પરંતુ તે પોલીસ નજીક જતાની સાથે જ ચપ્પુ ફેરવવાનું શરૂ કરી દેતો હતો. તેમજ પોલીસના દંડા વડે પોલીસ ઉપર જ હુમલો કરવાનો પ્રયાસ કરતો હતો. જે બાદ પોલીસે ખૂબ જ ચતુરાઈ પૂર્વક યુવકનું ધ્યાન ડાયવર્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણથી ચાર પોલીસ કર્મીએ તેને ચારે બાજુથી વાતોમાં ગૂંચવી રાખી એક કોન્સ્ટેબલે તરાપ મારી તેને પકડી લીધો હતો. પોલીસને ડર હતો કે, તેના હાથમાં ચપ્પુ હોવાને કારણે તે પોલીસને તેનાથી ઇજાગ્રસ્ત કરી શકે છે અથવા તો આસપાસના લોકોને પણ તે મારી શકે છે. પોલીસે કોઈપણ પ્રકારનો બળપ્રયોગ કર્યા વગર સૂઝબુજથી તેને દબોચી લીધો હતો. યુવક અસ્થિર મગજનો હોવાનું માલુમ પડ્યું
જહાંગીરપુરા પોલીસે જણાવ્યું કે, કોઈ મળતાની સાથે જ ટીમ ત્યાં પહોંચી હતી. યુવક સાથે વાત કરતા તે અસ્થિર મગજનો જણાતો હતો, પરંતુ જ્યારે તેને પકડી પાડ્યો ત્યારે તેની વાત પરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે તેની માનસિક સ્થિતિ સારી ન હતી. જેથી કરીને તેને જહાંગીરપુરા પોલીસ સ્ટેશને લાવ્યા બાદ કામરેજ ખાતે માનવ મંદિર આશ્રમ ખાતે મૂકી દેવામાં આવ્યો હતો. અહીં આ પ્રકારના અસ્થિર વ્યક્તિઓની દેખરેખ કરવામાં આવે છે.