અમદાવાદમાં ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા દર્દીઓ કે તેમના સગાની મરજી વગર દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરી નાખતા બે દર્દીઓના મોત નિપજ્યાં હતા. તેમજ કેટલાક દર્દીઓ ICUમાં દાખલ છે, ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટના પાછળ આરોગ્ય વિભાગ જવાબદાર છે. વળી ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને માલિકો ગુજરાતના એક કેબિનેટ મંત્રી સાથે ઘરોબો ધરાવે છે તે જગ જાહેર છે. ગુજરાતના આરોગ્ય મંત્રીના પણ ફોટ આ હોસ્પિટલના સંચાલકો અને માલિકો સાથેના જોવા મળ્યા છે. અને એ દિવસોમાં જોવા મળ્યા હતા જ્યારે 2022 અને 2023ની ઘટનાઓનો પર્દાફાશ થઈ ચૂક્યો હતો. મતલબ કે લાજવું નથી. કોઇ કોંક્રિટ એક્શન લેવી નથી. રાજ્યના નાગરિકો ભલે મરતા રહે અમારા પેટનું પાણી નહીં હલે એ પ્રમાણે રાજ્યના આરોગ્ય મંત્રીનો એટિટ્યૂડ છે. એક જ દર્દીની બે અલગ અલગ હોસ્પિટલમાં સારવાર
અગાઉ વર્ષ 2022 અને 2023માં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. કેગ દ્વારા પણ ગુજરાતમાં PMJAY યોજનામાં કૌભાંડને ઉજાગર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વર્ષ 2024માં આ ઘટના બની છે. કેગના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં એક જ સમયે એક જ દર્દી બે અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લેતો હતો. આવા 21,544 કેસ બહાર આવ્યા હતા. આવા કેસોમાં કરોડો રૂપિયાનું ચૂકવણું પણ થઈ ચૂક્યું છે. કરોડો રૂપિયા કમાવવા આરોગ્ય વિભાગના અધિકારીઓની ખાનગી હોસ્પિટલો સાથે મિલી ભગતથી જરૂર ના હોય તો પણ દર્દીઓના ઓપરેશન કરી નાખવામાં આવે છે. ભ્રષ્ટ અધિકારીઓને તપાસ સોંપી ભીનું સંકેલી દેવાય છે
આ સંપૂર્ણ ઘટનાની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અથવા કોઈ ઈમાનદાર અધિકારીને સોંપવી જોઈએ. ગુજરાતમાં બનેલી હરણી બોટ દુર્ઘટના, તક્ષશિલા અગ્નિકાંડ, મોરબી બ્રિજ દુર્ઘટના કે રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટનામાં કોઈ પગલાં લેવાયા નથી. આવી ઘટનાઓમાં ભ્રષ્ટ અધિકારીઓને તપાસ સોંપીને ભીનું સંકેલી દેવામાં આવે છે. ગુજરાત હાઇકોર્ટે આ દુર્ઘટના અંગે સુઓમોટો પિટિશન દાખલ કરવી જોઈએ. આ ઘટનાની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અથવા ઈમાનદાર અધિકારીને સોંપવી જોઈએ.