ગત 11 નવેમ્બરે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામના 19 લોકોની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, જેમાંથી 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરી દીધી હતી અને આ 7માંથી 2 દર્દીનાં મોત થઈ ગયા હતા. આ સાથે જ પૈસા પડાવવા માટે ખ્યાતિ હોસ્પિટલના કાંડ બહાર આવવા લાગ્યા છે. એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ મહેશ ગિરધરભાઈ બારોટ (ઉંમર વર્ષ 45), નાગર સેનમા (ઉંમર વર્ષ 59)નાં મોત થઈ ગયાં છે. એમાંથી મહેશ બારોટના પિતરાઈ બહેન જાનકી બારોટ તેમના ભાઈની ખબર પૂછવા હોસ્પિટલ દોડી ગયાં હતાં, પરંતુ આ સમયે તેમણે શું શું જોયું એ અંગે દિવ્ય ભાસ્કરને ચોંકાવનારી વિગતો જણાવી હતી. મહેશ બારોટના પિતરાઈ બહેન જાનકી બારોટ જણાવે છે કે… વહેલી સવારે હું જ્યારે હોસ્પિટલ પહોંચી ત્યારે મારા ભાઈ મૃત્યુ પામેલી હાલતમાં હતા, જોકે તેમનું મોત થઈ ગયું હોવા છતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમના પેટ સહિતના અનેક ભાગો પર હોલ જોવાં મળ્યાં. તેમને પેટ અને છાતી પર જાણે કંઈક માર્યું હોય એવાં નિશાનો જોવા મળ્યાં હતાં. ‘વજનમાં પણ મને પહેલી નજરે ફેરફાર થયો હોય એવું લાગ્યું’
મારા ભાઈ જ્યારે બોરીસણાથી હોસ્પિટલ જવા નીકળ્યા ત્યારે તેમના વાળ લાંબા હતા. જ્યારે હોસ્પિટલમાં જોયા ત્યારે હેર કટ કરી નાખેલા હતા. મારા ભાઈને કમરના ભાગે જાણે માર્યું હોય કે બાંધી દીધા હોય એવાં નિશાન પણ હતાં તેમજ વજનમાં પણ મને પહેલી નજરે ફેરફાર થયો હોય એવું લાગ્યું હતું. આ પણ વાંચો: પૈસા કમાવા 19 લોકોને હૃદયરોગી બનાવી દીધા માણસ મરી ગયા પછી પણ તેને વેન્ટિલેટર પર કેમ રાખવામાં આવ્યો?
છેલ્લે, પોતાની વાત પૂરી કરતાં જાનકી બહેન કહે છે, મને એ નથી સમજાતું કે ઓપરેશનને માથાના વાળને શું લેવાદેવા છે. બીજો ગંભીર પ્રશ્ન એ છે કે માણસ મરી ગયા પછી પણ તેને વેન્ટિલેટર પર કેમ રાખવામાં આવ્યો હતો. જોકે હું જ્યારે હોસ્પિટલમાં આ બધું જોઈ રહી હતી ત્યારે આ બધા પ્રશ્નનો જવાબ દેવા ત્યાં કોઈ હાજર નહોતું. ‘મારા ભત્રીજા મહેશને કંઈ પ્રોબ્લેમ જ નહોતો, સાજો સારો હતો’
આ અંગે મૃતક મહેશભાઈના કાકા બળદેવભાઈએ જણાવ્યું હતું કે મારા ભત્રીજા મહેશને કંઈ પ્રોબ્લેમ જ નહોતો, સાજો સારો હતો અને મારી જોડે અડધો કલાક બેસીને ગયો હતો. મને કીધું હતું કે દાદા મહાદેવે કેમ્પ છે તમારે આવવું છે? હું ગયો હતો અને ત્યાર બાદ મહેશ આવ્યો હતો અને સીધો ગાડીમાં જ બેસાડી દીધો હતો. કોઈને કંઈ કીધું જ નહોતું, કોઈને જાણ પણ નથી કરી. રાત્રે 8 વાગ્યે મારા બાબાનો ફોન આવ્યો અને તેણે મને જાણ કરી હતી. હું પણ કેમ્પમાં ગયો હતો, પરંતુ ડોક્ટરે કહ્યું હતું કે તેમને ગેસની તકલીફ છે. નિર્દોષ લોકો મરી ગયા છે તો કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ પણ વાંચો: કેવી રીતે થયો ખ્યાતિકાંડ? ‘ડોક્ટરનો રાત્રે 10 વાગ્યે ફોન આવ્યો કે તમારા કાકા સિરિયસ છે’
મૃતક મહેશભાઇની ભત્રીજી નિકિતા બારોટે જણાવ્યું હતું કે ગામમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મારા કાકા મહેશભાઇ નિદાન કરાવવા માટે ગયા હતા અને બીજા દિવસે તેમને લક્ઝરી બસમાં અમદાવાદ વધુ સારવાર માટે લઇ ગયા હતા. ગઇકાલે રાત્રે 10 વાગ્યે ડોક્ટરનો ફોન આવ્યો કે તમારા કાકા સિરિયસ છે, તમારે હાલ અથવા તો સવારે અહીં આવવું પડશે અને અમે તાત્કાલિક હોસ્પિટલ ગયા હતા.