વડોદરા શહેરની નજીક આવેલી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઝિમ્બાબ્વેના હરારેના વિદ્યાર્થીએ હાલોલના સિનિયર સિટીઝનને ઘસડી-ઘસડીને માર માર્યો હતો. આડેધડ માર મારતા આધેડ લોહીલુહાણ થઈ ગયા હતા અને તેમની આંખના ભાગે પણ ગંભીર ઇજા થઈ છે. આ ઉપરાંત શરીરના ભાગે પણ ઈજાઓ પહોંચી છે. ત્યારબાદ તેમનો મોબાઈલ ઝૂંટવીને 16,000 રૂપિયા જબરદસ્તી તેના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. આ સમયે પોલીસ આવી જતા વિદેશી વિદ્યાર્થીએ પોલીસકર્મીઓ પર પણ હુમલો કર્યો હતો. પોલીસકર્મી પૃથ્વીસિંહને થપ્પડો અને લાતો મારી હતી, જેથી તેઓ નીચે પડી ગયા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત બીજા પોલીસ કર્મી રમેશભાઈ જેમલભાઈને પણ થપ્પડ મારી દીધી હતી. આધેડની ઓફિસમાં આરોપી વિદ્યાર્થી ઘૂસી આવ્યો
મૂળ હાલોલના અને વડોદરામાં ખાનગી કન્સ્ટ્રક્શન સાઈટના મેનેજર 58 વર્ષીય રમેશભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે, ગતરોજ (13 નવેમ્બર) બપોરે 2 વાગ્યે હું આજવા ચોકડી પાસે આવેલી ડવ ડેક સોસાયટીમાં આવેલી મારી ઓફિસમાં બેઠો હતો. આ સમયે પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો ઝિમ્બાબ્વેનો વિદ્યાર્થી વોશિંગ્ટન ટકુરા ત્યાં આવ્યો હતો. ત્યાં આવીને બોલવા લાગ્યો હતો કે, આકાશભાઈ ક્યાં છે. જેથી મેં કહ્યું હતું કે, આકાશભાઈ આજે આવ્યા નથી અને તારે શું કામ છે? જેથી તેને તેની ભાષામાં કહ્યું હતું કે, મારે ડિપોઝિટ પાછી લેવાની છે. જેથી મેં કહ્યું હતું કે, તું પાંચ વાગ્યા પછી આવ, તે પાંચ વાગ્યા પછી આવવાના છે, જેથી તે ઓફિસમાંથી જતો રહ્યો હતો. મહિલા સાથે ઝઘડો ન કરવાનું કહેતા આધેડને ફટકાર્યા
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હું બીજા ફ્લેટમાં કામ ચાલતું હોવાથી ત્યાં જોવા માટે ગયો હતો. આ સમયે વિદ્યાર્થી વોશિંગ્ટન આકાશભાઈના મમ્મી સાથે તકરાર કરતો હતો. જેથી મેં કહ્યું હતુ કે, ઘરમાં લેડીઝ એકલી છે, તું કેમ એમની સાથે ઝઘડો કરે છે? આકાશભાઈ આવે તો તેમની સાથે વાત કરજે. જેથી તે મારી પર ગુસ્સે થઈ ગયો હતો અને મને માર મારવા લાગ્યો હતો. જેથી મારા નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તેને મારો શર્ટ પણ ફાડી નાખ્યો હતો. ઢસડીને ઓફિસમાં લઈ ઝઈ પૈસા પડાવી લીધા
ત્યારબાદ તે મને ઘસડીને લિફ્ટમાં લઈ ગયો હતો અને નીચે ઉતાર્યો હતો. બાદમાં મારતા-મારતા તે મને ઘસડીને મારી ઓફિસમાં લઈ ગયો હતો. તેને મને બહુ માર્યો હતો. મને ખબર નથી કે, હું કેવી રીતે જીવતો છું. ઓફિસમાં જઈને તે મારા ટેબલ પર બેસી ગયો હતો અને મારો મોબાઇલ લઇ લીધો હતો અને મને કહ્યું હતું કે, ગુગલ પે ખોલો. તમારો પાસવર્ડ આપો. ત્યારબાદ તેને મારા એકાઉન્ટમાંથી 14 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. તે મને પૂછતો હતો કે તમારો બીજો એકાઉન્ટ નંબર આપો. આ દરમિયાન જે મને માર મારતો હતો જેથી હું લોહી લુહાણ થઈ ગયો હતો. આ સમયે આકાશના નાનાભાઈ પોલીસને લઈને આવ્યા હતા. આ સમયે તેને પોલીસ ઉપર પણ હાથ ઉપાડ્યો હતો. હું પોલીસ લઈને પહોંચ્યો તો તેમના પર પણ હુલમો કર્યોઃ પ્રત્યક્ષદર્શી
આ સમગ્ર ઘટના નજરે જોનારા જય તીવારીએ જણાવ્યું હતું કે, ડવ ડેક સોસાયટીમાં પહોંચ્યો ત્યારે તે વિદ્યાર્થી કાકાને પકડીને લઈ જઈ રહ્યો હતો. તેમને ખૂબ માર્યા હતા. તેમને લોહીલુહાણ કરી નાખ્યા હતા અને તેમના ફોનમાંથી જબરદસ્તી પૈસા ટ્રાન્સફર કરાવતો હતો. ત્યારબાદ તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા. જેથી હું પોલીસને લઈને ત્યાં પહોંચ્યો હતો. આ વિદ્યાર્થીએ પોલીસ ઉપર પણ હુમલો કર્યો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે ગેટ પાસે પકડાઈ ગયો હતો. ‘આપણે તેમને મહેમાન ગણીને રાખીએ છીએ’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કાકાને ખૂબ માર માર્યો હોવાથી અમે 108 એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી. આ લોકોનો ખૂબ જ ન્યુસન્સ કહેવાય. આપણે તેમને મહેમાન ગણીને રાખીએ છીએ અને તેઓ આપણા વડીલો પર હુમલો કરે છે. આ વિદ્યાર્થીના પિતા પોલીસ સ્ટેશન છે, તેવી તે ધમકી આપતો હતો. આ વિદ્યાર્થી ખાનગી યુનિવર્સિટીમાં ભણે છે. થોડા દિવસ પહેલાં પણ આતંક મચાવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, 25 દિવસ પહેલા જ વડોદરા નજીકની આવેલી આ ખાનગી યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓએ સ્થાનિકો સાથે મારામારી કરી હતી. વાઘોડિયા નિમેટા રોડની સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા 7 જેટલા વિદેશી વિદ્યાર્થીઓએ નિમેટા રોડ ઉપર મોડી રાત્રે આડશ મૂકીને ભારે આતંક મચાવ્યો હતો. વિદેશી વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વચ્ચે થયેલી છૂટાહાથની મારામારીમાં 8 જેટલી વ્યક્તિને ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ખાનગી યુનિવર્સિટીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મોડી રાત્રે બનેલા આ બનાવની જાણ વાઘોડિયા પોલીસને થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો અને વિદેશી વિદ્યાર્થીઓના નિવાસસ્થાનો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.