મારા પતિ આર્મીમાં હતા, 2 ઓક્ટોબર 2021ના રોજ આસામમાં ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં એ શહીદ થયા, એમના ગયા પછી મારા જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા પણ મેં મનને મક્કમ બનાવી લીધું હતું. મારે મારા પતિનાં અધૂરાં સપનાં પૂરાં કરવાં હતાં અને મારા પાંચ વર્ષના પુત્રનું ઊજળું ભવિષ્ય બનાવવું હતું. જેથી મેં મારા એકના એક પુત્રને 11 મહિના અળગો કરીને ટ્રેનિંગ લીધી અને આર્મીમાં જોડાઇ…’ આ શબ્દો છે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કરેણી ગામના કોમલબેન મક્કાના… જેમણે પોતાના પતિની શહીદી બાદ આર્મીમાં જોડાઇ દેશસેવાનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. વર્ષ 2011માં પેરામેલટરી ફોર્સમાં જોડાયેલા કેશોદ તાલુકાના કરેણીના મહેશસિંહ મક્કા વર્ષ 2015માં પોતાની ફરજ દરમિયાન અકસ્માતમાં શહીદ થયા હતા. જેમના અવસાન બાદ ઘરકામ કરતાં એમનાં પત્ની કોમલબેન મક્કાએ પોતાના પાંચ વર્ષના પુત્રના ઊજળા ભવિષ્ય માટે અને દેશસેવા માટે આર્મીમાં જોડાવવાનું નક્કી કર્યું અને 11 મહિનાની આકરી ટ્રેનિંગ પૂરી કરી એમના પતિના સ્થાને જ દેશસેવામાં જોડાયાં. જે હાલ લખનઉ ખાતે ફરજ પર છે. 2021માં મહેશસિંહ મક્કા શહીદ થયા હતા
દેશસેવાના જઝબાની વિગતે વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામમાં પોતાનાં માતા-પિતા સાથે રહેતી કોમલબેન મક્કાના લગ્ન કેશોદ તાલુકાના કરેણી ગામે રહેતા મહેશસિંહ મક્કા સાથે 2015માં થયાં હતાં. મહેશસિંહ મક્કા 2011માં પેરામિલિટરી ફોર્સમાં ભરતી થયા હતા. મહેશસિંહ મક્કા દેશ અને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે 11 વર્ષ આર્મીમાં ફરજ બજાવી હતી. ત્યારબાદ 2021માં આસામમાં ફરજ દરમિયાન માર્ગ અકસ્માતની દુઘટર્ના બનતા મહેશસિંહ મક્કા શહીદ થયા હતા. વિચારો ને વિચારોમાં કોમલ મક્કાનું એક વર્ષ વીતી ગયું
ચાલુ ફરજ દરમિયાન પતિનું નિધન થતા પરિવાર પર આભ ફાટ્યું હતું અને કોમલ મક્કા પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે એકલા થઈ ગઇ હતી. ત્યારે આ કપરી પરિસ્થિતિમાં શું કરશે તે માટે તેઓ સતત વિચારતાં હતાં. તે દરમિયાન પેરામિલિટરી ફોર્સમાંથી મહેશસિંહ મક્કાની જગ્યાએ તેમના પરિવારજનોમાંથી કોઈને નોકરી કરવી હોય તે માટેનો ઓફર લેટર આપવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે દુનિયા શું કહે છે કે એક મહિલા આર્મીમાં કેવી રીતે ભરતી થઈ શકે? આવા વિચારોમાં કોમલ મક્કાનું એક વર્ષ વીતી ગયું. આ દરમિયાન કોમલબેન મક્કાએ પોતાના પતિ સાથે નોકરી કરતા મિત્રોનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું હતું કે ઘણી એવી મહિલાઓ છે કે જે પોતાના પતિના અવસાન બાદ આર્મીમાં ફરજ બજાવી રહી છે. પોતાના પતિના રાષ્ટ્રપ્રેમનાં સપનાં પૂરાં કરવા અને દીકરાના ઊજળા ભવિષ્યનું વિચારી કોમલબેન મક્કાએ પોતાના પતિ મહેશસિંહની જગ્યાએ પેરામિલિટરી ફોર્સમાં જવાનો નિર્ણય કર્યો હતો. 11 મહિના સુધી પુત્રને અળગો કરીને ટ્રેનિંગ લીધી
મક્કમ મનોબળથી તેઓએ પેરમિલિટરી ફોર્સમાં જવાનો નિર્ણય લઈને પોતાના પાંચ વર્ષના દીકરાનું ભવિષ્ય સારું બને તે માટે 11 મહિના સુધી સતત પોતાના એકના એક દીકરાથી અલગ રહીને ટ્રેનિંગ લીધી હતી. આ દરમિયાન પણ ઘણી બધી મુશ્કેલીઓ પડી હતી. કોમલ મક્કાએ પોતાના પતિ મહેશસિંહનાં સપનાં પૂર્ણ કરવા રાજસ્થાનના અલવરમાં 11 મહિનાની કપરી ટ્રેનિંગ પૂરી કરી હતી અને અંતે ગત તારીખ 24 ઓક્ટોબરના રોજ ટ્રેનિંગ પૂરી કરી અને લખનઉમાં પોતાની ફરજ પર હાજર થયાં હતાં. ઘરકામ કરતી મહિલા અને પેરામિલિટરી ફોર્સમાં ફરજ બજાવતી મહિલા વચ્ચે ઘણો તફાવત છે. પરંતુ પોતાની આવડત બુદ્ધિ અને દૃઢ મનોબળથી કોમલબેન મક્કા ખૂબ જ સારી રીતે આ તફાવતને ભૂલીને બંને કામ કરી રહ્યાં છે. કોમલબેન મક્કા પોતાનું ઘર પણ સંભાળે છે અને પોતે પેરામિલિટરી ફોર્સમાં ફરજ કરીને પોતાના એકના એક દીકરાનું ભવિષ્ય બનાવવા માટે પણ મહેનત કરી રહ્યા છે. ‘જિંદગીમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા પણ…’: કોમલબેન મક્કા
કોમલબેન મક્કાએ જણાવ્યું હતું કે, મારા પતિ આર્મીમાં ફરજ બજાવતા હતા. જેમના મનમાં હંમેશાં દેશ પ્રત્યેની પ્રેમભાવના હતી, પણ તેમનું ફરજ દરમિયાન આસાસમાં 2 ઓક્ટોબર 2021ના રોજ મૃત્યુ થયું હતું. મારા પતિના અવસાન બાદ મારી જિંદગીમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા હતા અને પરિવાર શોકમગ્ન બન્યો હતો. પણ મેં એમનાં સપનાં પૂરાં કરવા માટે આર્મીમાં જોડાવાનું નક્કી કરી લીધું હતું. ત્યારબાદ મેં હું ટ્રેનિંગમાં જોડાઇ હતી. હાલ 11 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી હું મારા વતન પરત ફરી છું. આર્મીમાં ટ્રેનિંગ એ નોકરીનો મહત્ત્વનો ભાગ હોય છે અને આર્મીની ટ્રેનિંગ જેમણે પૂરે કરી લીધી તેમણે એક કઠિન પરિસ્થિતિ પાર કરી લીધી ગણાય છે. મેં રાજસ્થાનના અલવરમાં મારી આર્મીની ટ્રેનિંગ પૂરી કરી છે. હાલ મને લખનઉંમાં પોસ્ટિંગ મળી છે. ત્યારે ટ્રેનિંગ પૂરી કર્યા બાદ હું મારા વતન મારા ઘરે આવી છું. કોઈપણ કપરી પરિસ્થિતિનું નિર્માણ થાય પણ હારવું નહીં: કોમલબેન મક્કા
કોમલબેન મક્કાએ વધુમાં જણાવ્યું હતું કે, મેં આર્મી જોઈન કરી તેનું મુખ્ય કારણ એ છે કે મારા પતિ પહેલાં આર્મીમાં ફરજ બજાવતા હતા અને મેં જોયું છે કે મારા પતિ દેશ અને રાષ્ટ્રપ્રેમ માટે જ હંમેશાં વિચારતા હતા. તેના વિચારોમાં મને હંમેશાં દેશ પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો છે અને તે જોઈ હું પણ મારા પતિનું બાકી સપનું પૂરું કરવા અને મારા પાંચ વર્ષના દીકરાના ઊજળા ભવિષ્યનું વિચારી આર્મીમાં ભરતી થઈ છું. હું અન્ય મહિલાઓને કહેવા માગું છું કે જીવનમાં કોઈપણ કપરી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે હારવું ન જોઈએ, મનને મક્કમ બનાવીને પોતાના અને બાળકોના ભવિષ્ય માટે પોતાના પગ પર ઊભા થવું જોઇએ.