અમદાવાદના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બરે કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે બોલાચાલી થતાં MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીનો હત્યારો પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા નીકળ્યો છે. આ કેસમાં નંબર પ્લેટ વિનાની કાર જ મહત્વની કડી સાબિત થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. પરંતુ આરોપીની હેરિયરની જે તસવીરો સામે આવી છે, એમાં નંબર પ્લેટ જોવા મળી છે. ત્યારે હવે આ નંબર પ્લેટનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે. આ સવાલનો જવાબ તો હવે પોલીસ જ આપી શકશે કે ખરેખર આરોપી ઘટના સમયે જે કારમાં હતો એ કારમાં નંબર પ્લેટ હતી કે કેમ? હાલ સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢેરિયાની પંજાબના સંગરૂરથી ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી વિરેન્દ્રસિંહનો ભાઈ થોડા સમય સુધી બોપલ પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતો હતો. આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ પોલીસ કર્મચારીએ જ કરી
અન્ય રાજ્યના યુવકની હત્યા થતાં ખૂબ જ ગંભીર બનાવ ગણીને અલગ અલગ એજન્સીઓ દ્વારા આરોપી કોણ છે? અને તેને શોધવાના પ્રયાસો શરૂ કર્યા હતા, આ દરમિયાન જે વાત સામે આવી છે તે ચોંકાવનારી છે. કારણ કે, આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ એક પોલીસ કર્મચારીએ જ કરી હતી. જોકે, ગુનેગાર ગમે તેટલો શાતીર હોય પરંતુ તે કોઇ ને કોઈ ચૂક કરી જાય છે. હત્યા કરનાર પોલીસ કર્મચારીની કાર પર નંબર પ્લેટ જ નહોતી. જેના કારણે તે બચી જશે તેવું માનતો હતો. સીસીટીવીમાં નંબર પ્લેટ વગરની કાર દેખાઈ હતી
પરંતુ હત્યા કર્યા બાદ તેણે કારની કોઈ મિત્ર સાથે બદલી કરી હતી. જોકે, પહેલાં નંબર પ્લેટ વગરની કાર હોવાથી એજન્સીને શંકા ગઈ હતી કે, આ કાર કદાચ પોલીસની જ હશે. એટલે તે દિશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ કર્યું અને કેટલાક શંકાસ્પદ મોબાઈલ નંબર આ ટાવર લોકેશનમાં એક્ટિવ હતા. જોકે, હત્યા સમયે આ પોલીસ કર્મચારીનો મોબાઇલ ચાલુ હતો અને થોડા સમય બાદ આ નંબર બંધ થઈ ગયો હતો. ત્યાર બાદ સીસીટીવી મળ્યા અને તેમા નંબર પ્લેટ વગરની કાર દેખાઈ હતી. જોકે, પોલીસે જે નંબરો બંધ હતા તેમાં પોલીસ કર્મચારી કોણ છે તે શોધવાનો પ્રયાસ કર્યો હતો અને તેમાં હત્યારા પોલીસ કર્મચારીની વિગત મળી હતી. પોલીસે અલગ અલગ રાજ્યના ટોલટેક્સની તપાસ કરી
બીજી તરફ પોલીસને કેટલાક બાતમીદારો તરફથી વિગત પણ મળી હતી અને તે દિશામાં તપાસ કરતા પોલીસ અલગ અલગ રાજ્યના ટોલટેક્સ અને અલગ અલગ જગ્યાએ શંકાસ્પદ કારની તપાસ કરી હતી. આ દરમિયાન પંજાબ નજીક હત્યારો પોલીસ કર્મચારી વિરેન્દ્રસિંહ પઢેરિયા મળી આવ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જ્યારે તે લોકેશન પર પહોંચી ત્યારે આ પોલીસ કર્મચારી વિરેન્દ્રસિંહ પઢેરિયા ત્યાં મળી આવ્યો હતો. અને તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી અને આરોપીને લઇ પોલીસ અમદાવાદ આવી રહી છે. એક મહત્ત્વની કડી મળતા આખો કેસ ઉકેલાયો
MICAના વિદ્યાર્થીની બોપલમાં છરી મારીને હત્યા થઈ હોવાની ઘટના સમગ્ર રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બની હતી. આ હત્યા પાછળ કોણ સામેલ છે તે શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને એક મહત્ત્વની કડી મળતા આખો કેસ ઉકેલી નાખ્યો હતો. સમગ્ર પ્રકરણમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને પકડી લીધો છે અને આરોપી બીજું કોઈ નહીં પરંતુ સરખેજ પોલીસ સ્ટેશનનો પોલીસ કર્મચારી હોવાનું સામે આવ્યું હતું. CCTV ફૂટેજમાં નંબર પ્લેટ વગરની કાર દેખાઈ હતી
હત્યાના દિવસે એવું કંઈક બન્યું જેની કડી શોધવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કામ કરી રહી હતી. તે સમયે પોલીસને એટલી ખબર પડી હતી કે હેરિયર કાર હતી અને તે કાર નંબર પ્લેટ વગરની હતી. હત્યા કર્યા બાદ આ કાર એસપી રીંગ રોડથી કર્ણાવતી ક્લબ તરફ જઈ રહી હતી અને ત્યાં કોઈ સીસીટીવી ફૂટેજમાં દેખાતું હતું કે કાર નંબર પ્લેટ વગરની છે. પરંતુ આના આધારે સ્પષ્ટ થતું નહોતું કે કારમાં જનાર વ્યક્તિએ હત્યા કરી છે. કાર શકાસ્પદ લાગી અને અન્ય રાજ્ય તરફ જતી હતી
બીજી તરફ ટેકનિકલ સર્વેલન્સની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી અને આ વિસ્તારના અલગ અલગ ટાવરના લોકેશન તપાસવામાં આવી રહ્યા હતા. જેમાં ખાસ કરીને આ વિસ્તારમાં નંબર પ્લેટ વગરની કાર હોવાથી પોલીસ કર્મચારી કદાચ આ કાર લઈને નીકળ્યો હતો તેવી શંકા હતી. જેના આધારે પોલીસે તપાસ કરી તો એવું જાણવા મળ્યું કે આ વિસ્તારમાં એક પોલીસ કર્મચારીનો મોબાઇલ ચાલુ હતો અને તે થોડા સમય પહેલા બંધ થઈ ગયો છે અને પોલીસે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાનું નક્કી કર્યું ત્યારે બીજી એક કાર શંકાસ્પદ લાગી અને તે અન્ય રાજ્ય તરફ જતી હોય તેવું પણ જાણવા મળ્યું હતું. પોલીસ કર્મચારીની પૂછપરછમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા
જેના સીસીટીવી પણ પોલીસે ભેગા કર્યા અને બીજી જે કાર હતી તે લોકેટ થઈને અન્ય રાજ્યના ટોલટેક્સમાં દેખાઈ હતી જેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી અને આ કારને રોકતા તેમાં પોલીસ કર્મી મળી આવ્યો હતો અને તે વિરેન્દ્રસિંહ પઢેરિયા હોવાનું સામે આવ્યું હતું. બાદમાં તેણે જ કાર ફાસ્ટ ચલાવવા બાબતે થયેલા ઝઘડાના કારણે યુવકને ચાકુ માર્યું હોવાની કબુલાત કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વિરેન્દ્રસિંહ પઢેરિયાને અમદાવાદ લાવીને વધુ પૂછપરછ કરશે જેમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા પણ છે.