દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા આકરી કાર્યવાહીને લીધે ખાલિસ્તાની આતંકી સંગઠનોએ ટેરર મોડ્યૂલમાં ફેરફાર કર્યો છે. આતંકી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (બીકેઆઈ)એ અન્ય આતંકી સંગઠનો લશ્કર અને જૈશેની તર્જ પર પંજાબ પછી હવે અન્ય રાજ્યોમાં પણ આતંકી નેટવર્ક ફેલાઈ રહ્યાં છે. આ સંગઠનો ટેરર ફન્ડિંગ માટે વધારાનાં સંસાધનો મેળવવા માટે તેમનાં મોડ્યૂલ બદલી રહ્યાં છે. ગુપ્તચર એજન્સીઓને આ અંગે ઈનપુટ મળ્યા છે. આતંકી હરવિંદરસિંહ સંધુએ બીકેઆઈ સાથે જોડાયેલા આતંકીઓને પંજાબ બાદ હરિયાણા, હિમાચલપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, યુપી, દિલ્હી, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં યુવાનોને નિશાન બનાવવાનું કહ્યું છે. યુવાનોને સોશિયલ મીડિયા દ્વારા સંગઠનમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે. ભડકાઉ વીડિયો અને સાહિત્ય દ્વારા યુવાનોનું બ્રેનવોશ કરી દેશની વિરુદ્ધ હથિયાર ઉઠાવવા માટે ઉશ્કેરવામાં આવી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓ પણ અચંબામાં
સૂત્રો મુજબ, ખાલિસ્તાની આતંકવાદીઓના નેટવર્કને વિસ્તારવા માટે આ મોડ્યૂલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની માહિતી મળ્યા બાદ ગુપ્તચર એજન્સીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. આતંકવાદી સંગઠનો જૈશ, લશ્કર અને ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકીઓ નેટવર્ક વિસ્તારવા માટે આ પદ્ધતિ અપનાવી રહ્યા છે. આ પહેલીવાર છે જ્યારે ખાલિસ્તાની આતંકવાદીઓ પણ તેમના સંગઠનને વિસ્તારવા માટે આ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. અગાઉ, ખાલિસ્તાની આતંકવાદીઓ તેમના નેટવર્કમાં માત્ર ગુનેગારો, ગુંડાઓ અને દાણચોરોનો સમાવેશ કરતા હતા.