back to top
Homeગુજરાતફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો:તહેવારો પહેલાં જ 8.51 કરોડથી વધુ કિંમતની ખાદ્ય...

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો:તહેવારો પહેલાં જ 8.51 કરોડથી વધુ કિંમતની ખાદ્ય ચીજવસ્તુઓ જપ્ત કે નાશ કરવામાં આવી

દિવાળીના તહેવારો પહેલાં દર વખતની માફક આ વર્ષે પણ રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સપાટો બોલાવ્યો હતો. જો કે આ વખતે દર વર્ષની માફક નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાનો પૃથ્થકરણ રિપોર્ટ સમયાંતરે આવતો હોય છે. એટલે કે દિવાળીના તહેવારો બાદ રિપોર્ટ આવતો હોવાથી લોકોએ ખાદ્યચીજો આરોગી લીધી હોય છે. જેના કારણે જો ખોરાક અખાદ્ય હોવાનું નમૂનાના રિપોર્ટમાં માલૂમ પડે તો પણ તેનો કોઇ મતલબ રહેતો ન હોવાની એક ફરિયાદ ઉઠી હતી. આ ફરિયાદને ધ્યાને લઇ આ વખતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નમૂના લઇને સંતોષ માન્યો નહોતો પણ સ્થળ પર જ ચકાસણી કરી હતી અને પ્રાથમિક નમૂનામાં જો કંઇ અજુગતું અથવા અખાદ્ય ચીજવસ્તુ જણાય તો તેનો નાશ, નિકાલ તેમ જ ચીજવસ્તુ જપ્ત કરી લેવાના કડક પગલાં ભર્યા હતા. ફૂડ સેફ્ટી પખવાડિયાનો સમયગાળો લંબાવાયો
આ રીતે દિવાળી તેમ જ નવરાત્રિ પહેલાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જે ફૂડ સેફ્ટી પખવાડિયું શરૂ કર્યું હતું તેનો સમયગાળો બાદમાં લંબાવાયો હતો અને રાજ્યભરમાંથી 8.51 કરોડથી વધની ખાદ્ય ચીજવસ્તુઓ જપ્ત કરી હતી અથવા તો તેને નાશ કર્યો હતો. આ ઉપરાંત મોટી સંખ્યામાં જથ્થો જપ્ત કરાયો હોવાનું ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડો. હેમંત જી. કોશિયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું. 7.28 કરોડની ચીજવસ્તુઓ જપ્ત કરી
તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 3 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી ફૂડ સેફ્ટી પખવાડિયું ઉજવ્યું હતું. આ પખવાડિયાં બાદ દિવાળીના તહેવારો આવતાં હોવાથી આ પખવાડિયાંનો સમયગાળો લંબાવાયો હતો. 3 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર, 2024 દરમિયાન ગુજરાતભરમાં કુલ 175 દરોડા પાડવામાં આવ્યા હતા. ઉપરાંત આ પખવાડિયા દરમિયાન કુલ 4,661 ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવેલા હતા. આ કામગીરી દરમિયાન ગુણવત્તાની ચકાસણી માટે કુલ 9,903 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાં 3,274 એન્ફોર્સમેન્ટ નમૂનાઓ અને 6,629 સર્વેલન્સ નમૂનાઓનો સમાવેશ થાય છે. 260 ટન ખાદ્ય ચીજવસ્તુઓ જપ્ત કરી હતી અથવા તેનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં 2,60,457 કિલોગ્રામ જપ્ત તથા 12,095 કિલોગ્રામ ખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. જપ્ત કરેલી ખાદ્ય ચીજવસ્તુઓની કિંમત રૂપિયા 7.28 કરોડ થવા જાય છે. સ્થળ પર જ 2,500થી વધુ લાયસન્સ ઇશ્યૂ કરાયા
વધુમાં આ પખવાડિયા દરમિયાન કરેલી કામગીરીનો ઉલ્લેખ કરતાં ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડો. હેમંત જી. કોશિયાએ જણાવ્યું હતું કે, વેપાર-વાણિજ્ય સરળ કરવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત 180 લાયસન્સ-રજિસ્ટ્રેશન કેમ્પ દરમિયાન 2,500થી વધારે લાઇસન્સ અને રજિસ્ટ્રેશન સ્થળ પર જ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. 90 હજાર કર્મચારીઓને સતર્ક કરાયા
આ ઉપરાંત 5મી ઓક્ટોબરના રોજ ઓનલાઇન માધ્યમથી પી.એમ. પોષણ અભિયાન અંતર્ગત ગુજરાતભરના 90,000 અધિકારીઓ અને કર્મચારીઓને ફૂડ સેફ્ટી તથા હાયજીન અને ખોરાક બનાવતી, રાંધતી તથા પરિવહન સમયે રાખવામાં આવતી કાળજી બાબતે સતર્ક કરવામાં આવ્યા હતા. જેમાં અંતરિયાળ વિસ્તારની ભાગીદારી હતી. તેને યૂટ્યુબ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવી હતી અને 6,000 થી વધુ ટિપ્પણીઓ મળી હતી. ખાદ્ય સંગઠનો સાથે 330થી વધારે મિટીંગ થઇ
વધારાના સત્રોમાં આઇસીડીએસ અને આંગણવાડી કાર્યકરોને લક્ષ્યાંકિત કરવામાં આવ્યા હતા, જેમાં BISAG પ્લેટફોર્મ મારફતે 53 હજારથી વધુ કેન્દ્રોમાંથી 60,000 આંગણવાડી કર્મચારીઓએ ભાગ લીધો હતો. વિવિધ ખાદ્ય સંગઠનો સાથે 330થી વધારે મિટીંગ્સ સંપન્ન થઈ છે. જેમાં સ્વચ્છતાની પ્રેક્ટિસ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડર્સ એક્ટ-2006, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, 2011ના શિડ્યુલ-4 પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જ્યારે 1,400થી વધુ સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓને આરોગ્યપ્રદ કિટ્સ (એપ્રોન,ગ્લોવ્ઝ,કેપ્સ) સાથે FoSTaCની તાલીમ અને સર્ટિફિકેશન આપવામાં આવ્યું હતું. નવરાત્રિ દરમિયાન જાગૃતિ
ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા નવરાત્રિ મહોત્સવ દરમિયાન યોજાયેલા વિશેષ જાગૃતિ કાર્યક્રમ દરમિયાન આશરે 56 લાખ લોકોને તાલીમ આપવામાં આવી હતી. તે જ રીતે વિશ્વ પ્રસિદ્ધ એવા પલ્લીનાં મેળા દરમિયાન ફૂડ સેફટી કમિશનરની અધ્યક્ષતા હેઠળ મધ્યરાત્રિએ અવેરનેસ અને એન્ફોર્સમેન્ટ પ્રવૃત્તિઓ કરવામાં આવી જે દરમિયાન કુલ 13 એન્ફોર્સમેન્ટ સેમ્પલ્સ તથા 103 સ્થળ પર જ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ એન્ડ ફૂડ સેફ્ટી પખવાડિયું-2024
ફૂડ સેફ્ટી પખવાડિયા દરમિયાન ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા ટેસ્ટિંગ, ટ્રેનિંગ અને અવેરનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને મુખ્ય ભૂમિકા ભજવવામાં આવી હતી. 8.5 લાખ લોકોને ખોરાક સલામતી અંગે તાલીમ અપાઇ
કુલ 1400 જાગૃતિ કાર્યક્રમો સંપન્ન થયા ત્યારે 13,800થી વધુ ખોરાકના નમૂનાનું સ્થળ પર જ પરિક્ષણ કરવામાં આવ્યું હતું અને આશરે 8.5 લાખ લોકોને ખોરાકની સલામતી અંગે તાલીમ આપવામાં આવી હતી.ખાદ્ય સુરક્ષા અંગે જાગૃતિ વધારવાના હેતુથી તાલીમ અને જાગૃતિનું વિસ્તરણ 200 શાળાઓમાં કરવામાં આવ્યું હતું. ગુજરાતભરમાં 32 ફૂડ સેફટી ઓન વ્હીલ્સ સાથે યોજાયેલી 1,000થી વધુ તાલીમ દરમિયાન 16,000 થી વધુ ફૂડ બિઝનેસ ઓપરેટરોને તાલીમ આપવામાં આવી હતી. ટોટલ પોલાર કમ્પાઉન્ડસ (TPC): વપરાયેલા રાંધણ તેલમાં કુલ ધ્રુવીય સંયોજનો એટલે કે ટોટલ પોલાર કમ્પાઉન્ડસ માટે સ્થળ પર જ કુલ 4,794 પરિક્ષણ કરવામાં આવ્યા છે. દિવાળીના તહેવારો પહેલાં કરાયેલી કામગીરી
તેમણે વધુમાં ગુજરાત રાજ્યમાં ફૂડ સેફ્ટી પખવાડિયું -2024 પછીના વધારાના અઠવાડિયામાં કરવામાં આવેલી કાર્યવાહી અંગે જણાવ્યું હતું કે, તા. 19 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર, 2024 સુધી એક અઠવાડિયા માટે એન્ફોર્સમેન્ટની કાર્યવાહી લંબાવવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન 62 દરોડા પાડવામાં આવ્યા હતા. તો 596 ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં ગુણવત્તાની ચકાસણી માટે 1,504 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી 608 એન્ફોર્સમેન્ટ નમુનાઓ અને 896 સર્વેલન્સ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. 34 ટનથી વધુ ખાદ્ય ચીજવસ્તુઓ જપ્ત કરાઇ
આ વખતે આશરે 34 ટનથી વધારે ખાદ્ય ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી અથવા તેનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં 34,088 કિલો ખાદ્ય ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. અને 3,367 કિલોગ્રામ ખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. જપ્ત અથવા તો નાશ કરવામાં આવેલી ચીજવસ્તુઓની કિંમત 1 કરોડ 3 લાખથી વધુની કિંમત થવા જાય છે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે જે લોકોના નમૂના લેવામાં આવ્યા છે. તેમના પૃથ્થકરણના રિપોર્ટ બાદ જો નમૂના ફેઇલ જણાશે તો જે તે વેપારી કે અન્યો સામે પ્રોસિક્યુશનની કામગીરી કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments