જયદીપ પરમાર પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા રાજ્યના ગ્રામ્ય સહિત શહેરી વિસ્તારોમાં પ્રતિદિન પાણીનાં સેમ્પલ લઈ ચકાસણી કર્યા બાદ વપરાશ અર્થે પહોંચાડવામાં છે. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યના 33 જિલ્લાની નેશનલ લેબોરેટરી સહિત તાલુકા કક્ષાની કુલ 80 લેબોરેટરી પર ખંભાતી તાળાં મારી દેવાયાં છે અને ટેસ્ટિંગ વગર જ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણીના ટેસ્ટિંગ માટે 14 કરોડનું ટેન્ડર સુરતની ડિટોક્સ પ્રા.લી.ને ફાળવેલ હતું, પરંતુ એજન્સી અને વિભાગના નાણાકીય પ્રશ્નોને લઈને રાજ્યના લોકોને બેક્ટેરિયલ કે કેમિકલ ટેસ્ટિંગ વગર જ પાણી પીવાનો વારો આવ્યો છે. આ કિસ્સામાં પાણીજન્ય રોગની મહામારી ફેલાવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. આ અનબન એજન્સીને પાણી પુરવઠા બોર્ડે નાણાં ન ચૂકવતા સ્ટાફનો પગાર પણ અટકી પડ્યો છે અને 350 લોકોને પગારના 1.25 કરોડ ચૂકવવાના બાકી છે. અધિકારીઓએ મૌન સેવ્યું
રાજ્યની 80 લેબ દીઠ પ્રતિ માસ 500 જેટલાં સેમ્પલ લઈ ટેસ્ટિંગ કરવામાં આવતું હતું. છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ટેસ્ટિંગમાં ગોબાચારી હોવાથી અંદાજિત 40 હજાર જેટલાં સેમ્પલનું ટેસ્ટિંગ ન થયું હોવાનું કર્મચારી યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું છે પરંતુ 5 નવેમ્બરથી લેબ બંધ હોવાથી ટેસ્ટિંગની પ્રક્રિયા અટકી પડી છે. આ બાબતે ગુજરાત જલ સેવા ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર આર.પી.લાડ સાથે ટેલિફોનિક તેમજ રૂબરૂ મળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ મળ્યા ન હતા, જ્યારે જોઈન્ટ ડાયરેક્ટર સોલંકી આ મુદ્દે મૌન સેવ્યું હતું. કર્મચારીઓને 1.25 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી
લેબ યુનિયનના પ્રમુખ વિજય પરમારે જણાવ્યું હતું કે સેમ્પલનું ટેસ્ટિંગ કર્યા વિના પાણી પહોંચાડાતું હોવાને કારણે કોલેરા, ટાઈફોઈડ, કમળો સહિતના પાણીજન્ય રોગોની મહામારી થવાની સંભાવના રહેલી છે. ગુજરાતના 350 કર્મચારીઓના પગાર, બોનસ તેમજ અન્ય ભથ્થાં ગણીને કુલ 1.25 કરોડ જેટલું ચુકવણું એજન્સી તરફથી બાકી છે અને કર્મચારીઓને 5 નવેમ્બરથી છૂટા કરી દીધાં હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. પાણી પુરવઠા બોર્ડ નાણાં નથી ચૂકવતું : એજન્સી ડિટોક્સ પ્રા.લિના વરુણ કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે પાણી પુરવઠા બોર્ડ 2થી 3 મહિના સુધી પેમેન્ટ ચુકવણી કરતું નથી. જેના કારણે કર્મચારીઓને 4 ઓક્ટોબરથી નોકરીમાં સ્થગિત કરવામાં આવ્યા છે. કુલ 14 કરોડનું ટેન્ડર છે. કર્મચારીઓને ગયા સપ્ટેમ્બર સુધીના પગારની ચુકવણી એજન્સી દ્વારા કરી દેવાઈ છે. ત્યારબાદના પગાર સહિત અત્યાર સુધીના અન્ય ભથ્થાં આપવાના બાકી છે. બેક્ટેરિયલ-કેમિકલ ટેસ્ટિંગમાં કયા ટેસ્ટ હોય છે?