દેડિયાપાડામાં આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય ચૈતર વસાવાએ ભીલપ્રદેશ રાજ્યની માગ કરી હતી. જેને ગણદેવીના ધારાસભ્ય અને મંત્રી નરેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી અને ચૈતર વસાવાની માગણી ગેર વ્યાજબી હોવાનું કહીને સખત વિરોધ નોંધાવ્યો હતો. વસાવા પર અંગત સ્વાર્થનો આરોપ લગાવ્યો
ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપીને જણાવ્યું હતું કે, કેટલાક લોકો ગુજરાત જ્યારે આજે વિકસિત રાજ્ય તરીકે છે, તેમ છતાં પોતાના અંગત સ્વાર્થના કારણે પોતાનું રાજકીય પ્લેટફોર્મ બનાવવા માટે એક અલગ ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે. અમારી અન્ય પેટા જ્ઞાતિ દરેક આદિવાસી સમાજ હંમેશા એક આદિવાસી સમાજ બનીને જ રહ્યો છે. ગુજરાતના વિકાસથી ખૂબ સંતોષ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામથી પણ સમાજને ખૂબ સંતોષ છે, એટલા માટે જ આજે પણ આદિવાસી સમાજ નરેન્દ્રભાઈ સાથે છે. પણ મારે એવા લોકોને કહેવું છે કે, ક્યાં સુધી તમે આવું વર્ગ વિગ્રહ કરીને પોતાનું પ્લેટફોર્મ બનાવશો. આદિવાસી સમાજ માટે સરકારે યોજના બનાવી
પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી મુખ્યધારામાં આદિવાસી સમાજ આવે નહીં, ત્યાં સુધી નરેન્દ્ર ભાઈને સંતોષ નથી અને એટલા માટે આજે વડાપ્રધાન તરીકે પણ દેશની તમામ આદિવાસી સમાજ માટે યોજના બનાવી જે રીતે ચિંતા થઈ રહી છે મને લાગે ત્યાં સુધી આવા સમયે તમે કોઈ અલગ પ્રદેશ ની માગણી કરો અલગ પ્રકારની કોઈ વાત કરો અત્યાર સુધીમાં અન્ય પક્ષ સાથે મળીને તમે અલગ રાજકીય પ્લેટફોર્મ બનાવ્યું છે. ત્યારે તમે આવા પ્રકારના શબ્દોનો ઉપયોગ કરો છો તેને હું સખત શબ્દોમાં વખોડો છું. દેશના આદિવાસીઓ અને રાજ્યના આદિવાસીઓ એક છે, હતા અને રહેશે. ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન જાહેર કર્યુ
બિરસા મુંડાની જન્મ જયંતી ઉજવણીમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આજે આપણે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી ઉજવી રહ્યા છીએ. જ્યાં પણ ડેમ બનતા હોય કે નેશનલ હાઈવે બનતા હોય, રેલવે સ્ટેશન બનતા હોય કે બુલેટ ટ્રેન નીકળતી હોય, આવી કોઈ પણ જગ્યા પર જ્યારે પણ જમીનની જરૂરત પડી છે, ત્યારે આદિવાસી સમાજે પોતાની જમીનો આપી છે. પરંતુ જ્યારે આદિવાસી સમાજની વિકાસની વાતો આવે છે, ત્યારે આદિવાસી સમાજના લોકોએ આંદોલન કરવા પડે છે. ક્યાં સુધી અમારે આંદોલનો કરવાના?
વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે પણ આદિવાસી સમાજના લોકોએ શિક્ષકો માટે, હોસ્પિટલો માટે, ડોક્ટરો માટે, સિંચાઈના અને પીવાના પાણી માટે અને પોતાના જળ, જંગલ અને જમીનના અધિકારો માટે પણ આંદોલન કરે છે. તો અમારો સવાલ છે કે ક્યાં સુધી અમારે આંદોલનો કરવાના? આજે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી આગેવાનો સાથે મળીને અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામનું સંગઠન જાહેર કર્યું છે. દેશનું 29મું રાજ્યની ભીલ પ્રદેશની માગ કરાશે
અમે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચા અંતર્ગત હવે અમારું વિશાળ સંગઠન બનાવીશું અને જનજાગૃતિની સાથે સાથે અમારા સામાજિક અને બંધારણીય અધિકારો માટે અમે એક જૂથ થઈને સરકાર સામે આવીશું. જો આ સરકારો અમારો વિકાસ કરવા નહીં માંગે, તો આવનારા સમયમાં દેશનું અલગ 29મું રાજ્ય એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માંગણી કરીશું અને કેવડિયાને અમારા ભીલપ્રદેશ રાજ્યની રાજધાની બનાવીશું.