પાટણમાં થયેલી મેડિકલના વિદ્યાર્થી સાથે રેગિંગના મુદ્દે તમામ યુનિવર્સિટી અને કોલેજ પણ હવે એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે. એન્ટીરેગિંગ કમિટીને ફરી એક વખત એલર્ટ કરી દેવામાં આવી છે, જેથી કરીને દક્ષિણ ગુજરાતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં કોઈપણ પ્રકારે વિદ્યાર્થી રેગિંગનો ભોગ ન બને તેના માટે તમામ વિભાગોને સૂચના આપી દેવામાં આવી છે. ફરી એક વખત રેગિંગ ચર્ચાનું કેન્દ્ર બની
પાટણમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટનાએ ફરી એક વખત રાજ્યમાં શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે. આ રેગિંગને લઈને વિદ્યાર્થીએ પોતાનું જીવન ટૂંકાવી દેવું પડે એવી સ્થિતિ ઊભી થાય એ ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે. પાટણની બનેલી ઘટના બાદ હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પણ આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથેની સંલગ્ન 300 જેટલી કોલેજો જેમાં ખાસ કરીને મેડિકલ અને પેરા મેડિકલ કોલેજના શિક્ષકોને તેમજ કોલેજોમાં કામ કરતી એન્ટી રેગિંગ ટીમના સભ્યોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અને તેની સાથે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ફરી એક વખતની ઘટના સામે આવતાની સાથે જ ઉદાહરણરૂપ કાર્યવાહી થાય એવા પ્રયાસ કરવા માટે પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થી સીધી યુનિવર્સિટીમાં પણ મૌખિક ફરિયાદ કરી શકે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે, રેગિંગની ઘટના ખૂબ જ દુઃખદ બાબત છે. આજે જ યુનિવર્સિટી દ્વારા અલગ-અલગ વિભાગો સાથે સંકલન કરીને બેઠકનું આયોજન પણ કર્યું છે. ફક્ત એટલું જ નહીં પરંતુ, જેટલી પણ કોલેજો છે તેને પરિપત્ર આપી દેવામાં આવ્યા છે. ખાસ કરીને 8 મેડિકલ કોલેજ અને 50 જેટલી પેરા મેડિકલ કોલેજોને પણ બેઠકમાં હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યા છે તેમજ એન્ટી રેગિંગ કમિટીના સભ્યોને તાત્કાલિક અસરથી પોતાની કોલેજની પરિસ્થિતિ અંગે પણ યુનિવર્સિટીને માહિતગાર કરવા માટે જ સૂચના આપી દેવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા અલગ-અલગ વિભાગોને તમામ જરૂરી સૂચના આપી દેવામાં આવી છે. કોઈપણ વિદ્યાર્થીએ ગભરાવવાની જરૂર નથી. રેગિંગ જેવી કોઈપણ પ્રકારની ઘટના થતી હોય તો પોતાની કોલેજની એન્ટ્રી રેગિંગ કમિટી સમક્ષ રજૂઆત કરી શકે છે તેમજ યુનિવર્સિટી ખાતે આવીને પણ અમને મૌખિક રજૂઆત કરી શકે છે.