ભાણવડના નવાગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
રકતદાન એ જ મહાદાન સૂત્રને સાર્થક કરવા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં રક્તની અછતને ધ્યાને લઈને ભાણવડ તાલુકાના આરોગ્ય વિભાગના મોરઝર કેન્દ્રની, નવાગામ આયુષ્માન કેન્દ્રની ટીમ સાથે નવાગામ સરપંચ અને ગ્રામજનોને સાથે લઈને સંકલ્પ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 27 બોટલ રક્ત એકત્ર થયું હતું. આ કેમ્પમાં રક્તદાતાઓ માટે પ્રોત્સાહક ભેટ માટે ભાણવડના ડો. રાબડીયા દ્વારા અને પ્રશસ્તિપત્ર માટેનો સહયોગ ડો. નિશિત મોદી દ્વારા સાંપડ્યો હતો. અહીં એકત્ર થયેલું રક્ત ખંભાળિયાની સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં આપવામાં આવ્યું હતું. આ સાથે ડાયાબીટીસ ડે નિમિતે વિના મૂલ્યે તપાસ, નિદાન અને સારવાર પણ આયુષ્માન આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ કેમ્પનું આયોજન સંકલ્પ ગ્રુપના સહયોગથી થયું હતું. આ ગ્રુપ છેલ્લા બે વર્ષથી ભાણવડ તાલુકામાં રક્તદાન માટે કાર્યરત છે અને એના તમામ સભ્યો નામ, સન્માન વિના આ ગ્રુપમાં સેવાનું કાર્ય કરી રહ્યા છે. આ પ્રસંગે લોકોને વધુમાં વધુ રક્તદાન કરી અન્યને પ્રેરણા આપે તે માટે ભાણવડ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ખંભાળિયામાં આવતીકાલે રઘુવંશી જ્ઞાતિના સમૂહ પ્રસાદનું આયોજન
ખંભાળિયામાં મંગળવાર તારીખ 19મીના રોજ અહીંના જાણીતા રઘુવંશી સદગૃહસ્થ સ્વ. વલ્લભદાસ મોહનલાલ વિઠલાણી પરિવાર દ્વારા અત્રે બેઠક રોડ ઉપર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે રઘુવંશી જ્ઞાતિના સમૂહ પ્રસાદ (નાત)નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મંગળવારે બપોરે 1 વાગ્યે સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિના સમૂહ ભોજન (સારસ્વત માસ્તાન)નું પણ આયોજન નવી લોહાણા મહાજન વાડી ખાતે કરાયું છે. રઘુવંશી જ્ઞાતિના સમૂહ ભોજનના આ આયોજનમાં મંગળવારે સાંજે 6થી 8:30 વાગ્યા સુધી બહેનો માટે તેમજ રાત્રે 8:30થી 10:30 વાગ્યા સુધી ભાઈઓ માટે પ્રસાદ સહિતના આયોજન માટે લોહાણા મહાજન ટ્રસ્ટના નેજા હેઠળ રઘુવંશી જ્ઞાતિના કાર્યકરો ભાઈઓ-બહેનો માટે નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.