કેનેડામાં આલ્બર્ટામાં કેસ્ટરમર શહેરમાં આવેલા જ્હોન પીક મેમોરિયલ પાર્કમાં હિન્દુ સંગઠનોએ એકઠા થઇ શાંતિ પાઠ અને હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. શાંતિ, એકતા અને કેનેડામાં રહેતા હિન્દુઓની સુરક્ષા માટે કરાયેલા આ આયોજનમાં 500થી વધુ લોકોએ ભાગ લીધો હતો. મંદિર પર થયેલા હુમલાનો વિરોધ
થોડા સમય પહેલાં જ કેનેડામાં મંદિરો પર હુમલો થયો હતો. જેના કારણે હવે હિન્દુઓ એક થયા છે અને સામે આવીને તેનો વિરોધ કર્યો છે. વિવિધ સંગઠનના અગ્રણીઓ અને સ્થાનિક અધિકારીઓએ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. જેમાં ધાર્મિક સ્વતંત્રતા, વિવિધ સાંસ્કૃતિકતા, સામૂહિક કાર્યવાહીના મહત્વ પર ભાર મુકાયો હતો. કેનેડાના રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમની શરૂઆત થઇ હતી. સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ
અગ્રણી ગોપાલ સૈનીએ કહ્યું કે,અમે કેનેડાની સરકારને વિનંતી કરીએ છીએ કે મંદિર પર હુમલા કરનારા કટ્ટરવાદીઓ વિરૂદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે. જો આવી કાર્યવાહી થશે તો જ કેનેડાના નાગરિકો પોતાને સુરક્ષિત માની શકશે. કેનેડામાં વસતા લોકોના હકોનું રક્ષણ કરવું એ કેનેડા સરકારની જવાબદારી છે. એકતા માટે ભવિષ્યમાં પણ કાર્યક્રમ યોજવાનો નિર્ધાર
કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર રિતેશ નારાયણ, કાઉન્સિલર કિરણ રંધાવા, મનિષ મિશ્રા, પ્રવીણ પાટીલ અને અમિષ ભગતે પણ સંબોધન કર્યું હતું. આયોજકોએ તમામ હિન્દુઓને એક કરવા માટે ભવિષ્યમાં આવા જ પ્રકારના અન્ય કાર્યક્રમો યોજવાનો પણ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.