અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સર્જાયેલા કાંડ બાદ PMJAY યોજનામાં ચાલતી લાલિયાવાડી પણ સામે આવી હતી. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન રોકવા માટે સરકાર ગંભીર બની છે. રાજ્યમાં કોમર્શિયલ, ચેરિટી કે ખાનગી એજન્સીઓ દ્વારા યોજાતા મેડિકલ કેમ્પ અંગે સરકાર નવી SOP બનાવશે. હવે જો કોઈ હોસ્પિટલ PMJAY યોજના અંતર્ગત મેડિકલ કેમ્પ કરશે તો તે ઓટોમેટિક સસ્પેન્ડ થઈ જશે. તો બીજી તરફ ખ્યાતિકાંડ સર્જાયાના 7 દિવસ બાદ પણ એક જ આરોપી ઝડપાયો હોય વસ્ત્રાપુર પોલીસ પાસેથી તપાસ આંચકી અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપી દેવામાં આવી છે. જે ચાર આરોપીઓ ફરાર છે તેઓની સામે રેડકોર્નર નોટિસ ઈસ્યૂ કરવાની પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. PMJAYમાં ચાલતી પોલમપોલ બંધ કરવાનો પ્રયાસ
ખ્યાતિકાંડ સામે આવ્યા બાદ PMJAY યોજનામાં ખાનગી હોસ્પિટલો કઈ રીતે દર્દી અને સરકાર સાથે ‘રમત’ રમી રહી છે તે પણ બહાર આવ્યું છે. ભવિષ્યમાં આ પ્રકારનો બનાવ ફરી ન બને તે માટે સરકારે મેડિકલ કેમ્પને લઈ SOP બનાવવાનો નિર્ણય કર્યો છે. પીએમજેએવાય યોજના અંતર્ગત હવે જો કોઈ હોસ્પિટલ મેડિકલ કેમ્પ કરશે તો ઓટોમેટિક સસ્પેન્ડ થશે. સરકાર દ્વારા મેડિકલ કેમ્પ અંતર્ગત એસઓપી બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોમર્શિયલ કે ચેરિટી કે ખાનગી એજન્સીઓ દ્વારા યોજાતા મેડિકલ કેમ્પ અંગે પણ સરકાર નવી એસઓપી બનાવશે. 3 કાર્ડિયોલોજિસ્ટ સહિત 4 તબીબ તપાસમાં પોલીસને મદદ કરશે
ખ્યાતિકાંડમાં પોલીસ દ્વારા દર્દીના મેડીકલ ડોક્યુમેન્ટ અને સીડીઓ કબજે કરી હતી. પરંતુ, મેડીકલનો વિષય હોય પોલીસને વધુ સમજણ ન પડતી હોય મદદ માટે આરોગ્ય વિભાગ પાસે તબીબોની માગણી કરવામાં આવી હતી. તે મુજબ આરોગ્ય વિભાગ દ્વારા ખ્યાતિકાંડની તપાસ માટે 3 કાર્ડિયોલોજિસ્ટ સહિત ચાર તબીબોની ફાળવણી કરી છે. ડો. વઝીરાણી જે હોસ્પિટલ સાથે સંકળાયેલા હશે તેની પણ તપાસ થશે
ખ્યાતિકાંડ મામલે પોલીસ દ્વારા ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરી લેવામાં આવી છે. જે હાલ રિમાન્ડ પર છે. ડો. વઝીરાણી ખ્યાતિ હોસ્પિટલ ઉપરાંત અન્ય જે પણ PMJAY હોસ્પિટલ સાથે સંકળાયેલા હશે એ હોસ્પિટલ પર પણ તવાઈ બોલાવાશે. રેકર્ડન ચકાસણી માટે સૂચના આપી દેવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસ પાસેથી તપાસ આંચકી ક્રાઈમબ્રાંચને સોંપવામાં આવી
ખ્યાતિકાંડ સર્જાયા બાદ ત્રણ તબીબો સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી હતી. ત્યારબાદ આ મામલાની તપાસ અમદાવાદની વસ્ત્રાપુર પોલીસ કરી રહી હતી. સાત દિવસ બાદ પણ ચાર આરોપીઓ હજી પોલીસ પકડથી દૂર છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા હવે આ મામલાની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આદેશ કર્યો છે. જો ચાર આરોપીઓ સમયસર હાજર ન થાય તો તેની સામે રેડકોર્નર નોટિસ ઈસ્યૂ કરવાની પણ પોલીસે તૈયારી કરી હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું હતું. 19 લોકોની કામ વગર સારવાર, બે લોકોના મોત
ગત 11 નવેમ્બરે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામના 19 લોકોની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, જેમાંથી 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરી દીધી હતી અને આ 7માંથી 2 દર્દીનાં મોત થયા હતા. આ પાંચ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો
ડો. પ્રશાંત વજીરાણી
ડો. કાર્તિક પટેલ, ડાયરેક્ટર
ડો. સંજય પાટોલીયા
રાજશ્રી કોઠારી
ચિરાગ રાજપુત, CEO